fbpx

બંગાળમાં જીતનું માર્જિન ઓછું, હજારો મતદારોને દૂર કરાયા! સુપ્રીમ કોર્ટે પૂછ્યું- શું અમે નવી ચૂંટણીનો આદેશ આપી શકીએ છીએ?

Spread the love
બંગાળમાં જીતનું માર્જિન ઓછું, હજારો મતદારોને દૂર કરાયા! સુપ્રીમ કોર્ટે પૂછ્યું- શું અમે નવી ચૂંટણીનો આદેશ આપી શકીએ છીએ?

પશ્ચિમ બંગાળમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ના મામલે સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન ઉઠાવ્યો. કોર્ટે પૂછ્યું કે શું ન્યાયતંત્ર નવી ચૂંટણીનો આદેશ આપી શકે છે, ખાસ કરીને એવા કિસ્સાઓમાં જ્યાં અમુક મતવિસ્તારોમાં યાદીમાંથી દૂર કરાયેલા મતદારોની સંખ્યા જીતના માર્જિન કરતા વધારે હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને ન્યાયાધીશ વી. મોહનાની બેન્ચ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સભ્ય દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી કરી રહી હતી, જેનું પ્રતિનિધિત્વ વરિષ્ઠ વકીલ કલ્યાણ બંદોપાધ્યાય કરી રહ્યા હતા. બંદોપાધ્યાયે 31 વિધાનસભા મતવિસ્તારોની વિગતો રજૂ કરી, જ્યાં SIR પ્રક્રિયા દરમિયાન દૂર કરાયેલા મતદારોની સંખ્યા કરતા ભાજપના ઉમેદવારોના જીતનું માર્જિન ઓછું હતું.

SC1

અરજદારે જણાવ્યું કે મતવિસ્તાર AC-145માં જીતનું માર્જિન ફક્ત 401 મત હતું, જ્યારે 8,785 મતદારોને દૂર કરવામાં આવ્યા હતા. અન્ય એક મતવિસ્તારમાં હારનું માર્જિન 316 મત હતા, જ્યારે મોટી સંખ્યામાં મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા હતા. અરજદારોએ દલીલ કરી હતી કે આટલા મોટા પાયે નામ કાઢી નાખવાથી ચૂંટણી પરિણામો પ્રભાવિત થયા અને હજારો સાચા નાગરિકોને મતદાનના અધિકારથી વંચિત રહી ગયા.

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તે પૂછ્યું કે શું પીડિત ઉમેદવારોએ આ 31 મતવિસ્તારમાં વિજેતા ઉમેદવારોને પડકારવા માટે ઔપચારિક ચૂંટણી અરજીઓ દાખલ કરી છે. જવાબમાં, એવું કહેવામાં આવ્યું હતું કે કેટલીક બેઠકો માટે ચૂંટણી અરજીઓ દાખલ કરવામાં આવી છે, પરંતુ બધી પર નહીં.

SC

જસ્ટિસ જોયમલ્યા બાગચીએ ટિપ્પણી કરી હતી કે, એ જોવું જરૂરી છે કે, દૂર કરાયેલા મતદારોમાંથી કેટલાએ ખરેખર રદ કરવા સામે અપીલ કરી હતી. કોર્ટે ઉદાહરણ આપતા કહ્યું કે જો 100 નામ કાઢી નાખવામાં આવ્યા બોય અને જીતનું માર્જિન 50 રહ્યું, અને 60-70 વ્યક્તિઓએ અપીલ દાખલ કરી હોય, તો કેસ મહત્ત્વપૂર્ણ બની જાય છે. તો અપીલ વિના નામ દૂર કરનારાઓના આધાર પર ચૂંટણી પરિણામને પડકારવું ફક્ત સૈદ્ધાંતિક રહી જાય છે.

બેન્ચે સ્પષ્ટ કર્યું કે તપાસ ફક્ત આ 31 બેઠકો સુધી મર્યાદિત રહેશે નહીં. સુપ્રીમ કોર્ટ પશ્ચિમ બંગાળમાં એપેલેટ ટ્રિબ્યુનલ સમક્ષ પેન્ડિંગ તમામ કેસોની તપાસ કરવા માંગે છે જેથી તેમનું સમયસર નિરાકરણ સુનિશ્ચિત થાય.

Leave a Reply

error: Content is protected !!