
અયોધ્યામાં રામ મંદિર સાથે જોડાયેલા ચેક બાઉન્સ થવાનો એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. ચેન્નાઈની એક મહિલા ભક્તે રામ મંદિરના કર્મચારીઓની સુવિધા માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને ₹4 કરોડનો ચેક આપ્યો હતો. જ્યારે ટ્રસ્ટે ચેક જમા કરાવ્યો, ત્યારે ચકાસણીમાં ખાતામાં ફક્ત ₹3 જ હોવાનું બહાર આવ્યું. પૂરતી રકમ ન હોવાને કારણે ₹4 કરોડનો ચેક બાઉન્સ થઇ ગયો.
અહેવાલો અનુસાર, મહિલા શ્રદ્વાળું ઇચ્છતી હતી કે તેનું ₹4 કરોડનું દાન ખાસ કરીને રામ મંદિરના કર્મચારીઓ માટે સુવિધાઓ માટે ખર્ચવામાં આવે. આના માટે તેણે ટ્રસ્ટ પાસેથી આ અંગે લેખિત ખાતરી માંગી હતી; જો કે, ટ્રસ્ટે આવી લેખિત ગેરંટી ન આપી હોવાનું સામે આવ્યું છ. આ દરમિયાન, મહિલાએ મંદિરને ₹10,000નું દાન પણ આપ્યું હતું.
₹4 કરોડનો ચેક બાઉન્સ થયા બાદ બેંક ચેક જાહેર કરનાર મહિલાને નોટિસ મોકલવાની તૈયારી કરી રહી છે. નોટિસમાં તેમના ખાતામાં પૂરતી રકમ ન હોવા છતાં આટલી મોટી રકમનો ચેક કેમ આપવામાં આવ્યો આ સંબંધમાં ખુલાસો માંગવામાં આવી શકે છે. ચેક બાઉન્સ થવાના કેસોમાં નિયમો અનુસાર કાનૂની કાર્યવાહીનું પણ પ્રાવધાન છે.

જોકે, હાલમાં ટ્રસ્ટ તરફથી મહિલા શ્રદ્વાળું સાથે વાતચીત દ્વારા આ મામલાને ઉકેલવાનો પ્રયાસ કરવાની માહિતી સામે આવી રહી છે. આ ઘટના અંગે ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.
અગાઉ પણ કરોડોના ચેક બાઉન્સ થયા હતા
2020માં રામ મંદિર નિર્માણ માટે ભંડોળ એકત્ર કરવા માટે નિધિ સમર્પણ અભિયાન’ દરમિયાન, 45 દિવસમાં આશરે ₹3,500 કરોડનું યોગદાન એકત્રિત કરવામાં આવ્યું હતું. અભિયાન દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોએ ચેક દ્વારા યોગદાન આપ્યું હતું. તે સમયે, ટેકનિકલ અથવા અન્ય કારણોસર લગભગ ₹100 કરોડના ચેક બાઉન્સ થયા હતા. મોટાભાગના ચેક પછીથી ફરીથી જમા કરવામાં આવ્યા હતા, અને ભંડોળ પાછું મેળવવામાં આવ્યું હતું. જોકે, એવું પણ બહાર આવ્યું છે કે આશરે ₹22 કરોડના ચેકની રકમની રિકવરી હજુ બાકી છે.

રામ લલ્લા મંદિરને વિવિધ માધ્યમો દ્વારા આશરે ₹3 થી ₹4 કરોડનું દાન મળવાની માહિતી છે. આમાં રોકડ, ઓનલાઈન ટ્રાન્સફર અને ચેક દ્વારા આપવામાં આવેલા યોગદાનનો સમાવેશ થાય છે. એવું કહેવામાં આવે છે કે દર મહિને લગભગ ₹1 થી ₹1.5 કરોડના દાન ચેક દ્વારા પ્રાપ્ત થાય છે. ₹4 કરોડના ચેક બાઉન્સ થયા પછી ટ્રસ્ટ મોટી રકમના ચેક સ્વીકારતી વખતે અને તેમની ક્લિયરિંગ પ્રક્રિયામાં વધુ સાવધાની રાખી શકે છે. જો કે, ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધી આ બાબત અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.