
સુરત – વિદ્યાભારતી ઉચ્ચ શિક્ષા સંસ્થાન, ગુજરાત પ્રાંત દ્વારા શ્રી મહાવીર વિદ્યામંદિર ટ્રસ્ટ, પાંડેસરા, સુરત ખાતે તા. 23-08-2026 રવિવારના રોજ કેન્દ્રિય સંગઠન મંત્રી કે. એન. રઘુનંદનજીના વરદ હસ્તે ભારત બૌદ્ધિક્સ કેન્દ્રનો શુભારંભ થયો. આ પ્રસંગે મહાવીર વિદ્યામંદિર ટ્રસ્ટના પ્રમુખ સુધાકરજી માસ્તર, મંત્રી નીરજભાઈ પટેલ, ટ્રસ્ટી જીતેન્દ્રભાઈ દેસાઈ વિદ્યાભારતી ઉચ્ચ શિક્ષા સંસ્થાન ગુજરાત પ્રાંતના અધ્યક્ષ ડૉ. રાજેશભાઈ વ્યાસ, મંત્રી ડૉ. ભાવેશભાઈ રાવલ અને ઉપાધ્યક્ષ ડૉ. રિદ્ધિ દેસાઈ કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ કેન્દ્રનો મુખ્ય હેતુ યુવા પેઢીને ભારતીય જ્ઞાન પરંપરાથી માહિતગાર કરી રાષ્ટ્રીય ગૌરવની ભાવના જગાડવાનો છે.
Maps
મહાવીર વિદ્યામંદિર ટ્રસ્ટ, પાંડેસરા, સુરત આ કેન્દ્ર દ્વારા સમગ્ર ગુજરાતમાં થનારી ભારત બૌદ્ધિકસ પરીક્ષાનું આયોજન, પ્રસાર અને સંકલનનું કાર્ય થશે.
‘ભારત બૌદ્ધિક્સ(Bharat BaudhIKS)’ના નામથી ભારતીય જ્ઞાન પ્રણાલી સંદર્ભમાં ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓ માટેની રાષ્ટ્રીય સ્તરની પરીક્ષા આગામી 21 નવેમ્બર, 2026ના રોજ સમગ્ર દેશમાં યોજાશે. વિજ્ઞાન, કળાઓ અને સામાજિક વિજ્ઞાનના વિષયોને આવરી લેતી આ પરીક્ષામાં કોલેજોમાં અભ્યાસ કરતા સ્નાતક(UG) કે અનુસ્નાતક(PG)ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.

ભારત બૌદ્ધિક્સ(Bharat BaudhIKS) પરીક્ષાનું માળખું અને પદ્ધતિ ખૂબ સરળ છે. ભારતીય જ્ઞાન પ્રણાલી સંદર્ભમાં તૈયાર થયેલ પુસ્તકોનું અધ્યયન કરી આપવાની આ પરીક્ષા મુખ્યત્વે બે ભાગમાં લેવામાં આવે છે. પ્રથમ ભાગ બહુવિકલ્પીય પ્રશ્નોનો હોય છે જેમાં આપેલ કુલ 180 પ્રશ્નોમાંથી 80 પ્રશ્નોના જવાબ આપવાના હોય છે 20 ગુણનો 1 વર્ણનાત્મક પ્રશ્ન હોય છે. પ્રથમ ભાગમાં ઉત્તીર્ણ થનાર અને મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓ માટે દિલ્હી ખાતે વાયવા સત્ર યોજાશે.
ભારત બૌદ્ધિક્સ(Bharat BaudhIKS) પરીક્ષામાં રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર કુલ ૩૫૦ જેટલા વિદ્યાર્થીઓને લાખો રૂપિયાના આકર્ષક ઇનામો આપીને સન્માનિત કરવામાં આવશે. જેમાં રાષ્ટ્રીય સ્તરે પ્રથમ આવનારને 1 લાખની રોકડ ઇનામ, બીજા ક્રમે આવનારને 50 હજાર(2 વિજેતાઓને) અને ત્રીજા ક્રમે આવનારને 25 હજાર(4 વિજેતાઓને) અન્ય અગ્ર ક્રમાંકિતો માટે પ્રોત્સાહન પુરસ્કાર પણ રહેશે. આ પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે. તેમજ સર્વાધિક સંખ્યામાં વિદ્યાર્થીઓનું પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરનાર સંસ્થાનું બહુમાન કરવામાં આવશે. સંસ્થા અને વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન શરૂ છે. રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ 1 નવેમ્બર,2026 છે.
ભારતીય જ્ઞાન પ્રણાલી તરફ વિદ્યાર્થીઓને અભિમુખ કરતી ભારત બૌદ્ધિક્સ (Bharat BaudhIKS) પરીક્ષામાં સુરત અને સમગ્ર ગુજરાતના ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાય તેવો અનુરોધ છે. પરીક્ષાનું આયોજન કરવા ઈચ્છા ધરાવનાર યુનિવર્સિટીઓ, કૉલેજોએ ભારત બૌદ્ધિક્સ કેન્દ્ર, પ્રમુખપાર્ક, પાંડેસરા, સુરતનો સંપર્ક કરવાનો રહેશે. વધુ માહિતી માટે અમારી વેબસાઈટ https://vbussgujaratprant.orgની મુલાકાત લેશો. ભારત બૌદ્ધિક્સ પરીક્ષા માટે જિલ્લા સંયોજન કામગિરીમાં રસ ધરાવનાર પણ અમારી વેબસાઈટ પર જઈને રજીસ્ટ્રેશન કરી શકે છે.