જન્માષ્ટમી પર્વે સાંસદ શોભનાબેન બારૈયાએ શામળાજીમાં કર્યા ભગવાન શામળિયાના દર્શન
શામળાજી ખાતે પરિવાર સાથે પહોંચ્યા સાંસદ, કૃષ્ણ જન્મોત્સવમાં ભજન-કીર્તનનો માહોલ જામ્યો
સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે પરિવાર સાથે સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર ખાતે પહોંચીને ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

જન્માષ્ટમીને લઈને શામળાજી મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. મંદિર પરિસરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભજન-કીર્તનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા ખાસ વાત એ રહી કે સાંસદ શોભનાબેન બારૈયાએ પણ ભક્તિભાવ સાથે પોતે માઇક હાથમાં લઈને કૃષ્ણનું ભજન ગાયું હતું. સાંસદે ભજન રજૂ કરતાં સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું અને ઉપસ્થિત ભક્તોએ પણ ભજનનો આનંદ માણ્યો હતો જન્માષ્ટમીના પાવન પર્વે સાંસદે ભગવાન શામળિયાના દર્શન કરી સૌના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી શામળાજીમાં યોજાયેલા કૃષ્ણ જન્મોત્સવ દરમિયાન ધાર્મિક ઉત્સાહ અને ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો