
યુનાઇટેડ સ્ટેટ્સમાં એક માણસ માટે, તેના પરિવારને મળવા જવાનું તેના જીવનનો સૌથી ભયાનક અનુભવ બની ગયો. તેણે ભૂલથી તેના બગીચામાં એક ઝેરી સાપ પર પગ મૂકી દીધો અને તે સાપ તેને બે વાર કરડ્યો. તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ, જેના કારણે ડોકટરોએ તેનો જીવ બચાવવા માટે 54 ઝેર વિરોધી ઇન્જેક્શન આપવા પડ્યા. તેનો જીવ બચી તો ગયો, પરંતુ હોસ્પિટલનું બિલ આશરે 13 લાખ ડૉલર (આશરે 11 કરોડ રૂપિયા) સુધી પહોંચ્યું.
એક અંગ્રેજી અખબારમાં છપાયેલા અહેવાલ મુજબ, અમેરિકાના ઇડાહોના રહેવાસી ક્રિસ હોવર્થ તેના પરિવારને મળવા માટે કેલિફોર્નિયાના ઓરોવિલે ગયા હતા. સંબંધીઓ સાથે ચાર દિવસ વિતાવ્યા પછી, તે તેની પત્ની અને બાળકો સાથે ઘરે પાછા ફરવાની તૈયારી કરી રહ્યો હતો જ્યારે તે તેના માતાપિતાના બગીચામાં ગયો.
તેને લાગ્યું કે તેણે કોઈ છોડ પર પગ મૂક્યો છે, પરંતુ બીજી જ ક્ષણે, તેને ખ્યાલ આવ્યો કે તેણે ઝેરી સાપ પર પગ મૂક્યો છે. સાપે તરત જ પાછળ ફરીને હુમલો કર્યો અને તેને બે વાર કરડ્યો.

સાપના ડંખ પછી ક્રિસની હાલત ઝડપથી બગડવા લાગી. તેની જીભ સુન્ન થઈ ગઈ, તેના લસિકા ગ્રંથિ ફૂલીને મોટી થઇ ગઈ, અને તેના ફેફસાંએ યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી દીધું. ડોકટરોએ તેને બચાવવા માટે ખૂબ જ પ્રયાસો કર્યા.
પરંતુ થોડા દિવસો પછી, તેની સ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ. તેને ડિસેમિનેટેડ ઇન્ટ્રાવાસ્ક્યુલર કોગ્યુલેશન (DIC) હોવાનું નિદાન થયું, જે એક દુર્લભ અને જીવલેણ સ્થિતિ છે, જેના કારણે આખા શરીરમાં ગમે ત્યાં લોહી ગંઠાવાનું ચાલુ થઇ ગયું. આ સ્થિતિ અત્યંત જીવલેણ માનવામાં આવે છે.
ક્રિસની સ્થિતિ જોઈને, ડોકટરોએ સતત એન્ટિ-વેનોમ આપવાનું શરૂ કર્યું. તેમને કુલ 54 વાયલ એન્ટી વેનમ આપવામાં આવી. સારવાર એટલી લાંબી ચાલી કે, ઓરોવિલે હોસ્પિટલનો એન્ટિ-વેનમનો સ્ટોક ખતમ થઈ ગયો.
ત્યારપછી તેમને હેલિકોપ્ટર દ્વારા સ્ટેનફોર્ડ મેડિકલ સેન્ટર લઈ જવામાં આવ્યા, જ્યાં ડોકટરોએ એક અલગ પ્રકારના એન્ટિ-વેનોમથી તેમની સ્થિતિ સ્થિર કરી. લગભગ 12 દિવસ ICUમાં રાખ્યા પછી, તેમને આખરે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી અને તેઓ તેમની પત્ની, જેની અને તેમના 3 બાળકો પાસે ઘરે પાછા ફરવા સક્ષમ બન્યા હતા.

ક્રિસની પત્ની, જેનીના જણાવ્યા મુજબ, તેઓ હવે પહેલા કરતા સારા છે, પરંતુ હજુ પણ સંપૂર્ણપણે સ્વસ્થ થયા નથી. તેમણે સમજાવ્યું કે ક્રિસ ફક્ત 80 ટકા જ સ્વસ્થ થયો છે. તેને હજુ પણ પગમાં દુખાવો અને સોજો આવે છે, જે વધારે ચાલવાથી વધુ ખરાબ થઇ જાય છે. તેની સૌથી મોટી ચિંતા એ છે કે તે ઝડપથી થાકી જાય છે.
જેનીએ જણાવ્યું કે જ્યારે ડોકટરોએ ક્રિસને DIC હોવાનું જાહેર કર્યું, ત્યારે આખો પરિવાર ભાંગી પડ્યો હતો. તેઓ તેને કાયમ માટે ગુમાવવાનો ડર રાખતા હતા. હવે, પરિવાર કહે છે કે, આ ઘટનાએ તેમને શીખવ્યું છે કે પ્રિયજનો સાથે વિતાવેલી દરેક ક્ષણ કિંમતી છે.
ક્રિસનો જીવ તો બચી ગયો, પરંતુ સારવારનો ખર્ચ પરિવાર માટે એક નવો બોજ બની ગયો છે. બંને હોસ્પિટલોનું કુલ બિલ આશરે 13 લાખ ડૉલર (આશરે રૂ. 11 કરોડ) થયું. જોકે તેમનો તબીબી વીમો છે, તેમ છતાં તેમને ખિસ્સામાંથી કેટલું ચૂકવવું પડશે તે હજુ સ્પષ્ટ નથી.

જેનીએ જણાવ્યું કે હોસ્પિટલના ડોકટરોએ તેમને કહ્યું કે, એન્ટિ-વેનોમની એક શીશીની કિંમત આશરે 13,000 ડૉલર છે. ક્રિસને 54 શીશીનો ડોઝ આપ્યો હોવાથી, એકલા દવાનો ખર્ચ લાખો ડૉલર હતો. એટલું જ નહીં, સ્ટેનફોર્ડ મેડિકલ સેન્ટરમાં ફક્ત એક રાત માટે ICUમાં એક રૂમની કિંમત 61000 ડૉલર હતી.
મુશ્કેલીઓ ત્યાં જ સમાપ્ત થઈ ન હતી. ક્રિસ 26 મેથી કામ પર જઈ શક્યો નથી અને આ સમય દરમિયાન તેને કોઈ પગાર મળ્યો નથી. જાન્યુઆરીમાં તેની સર્જરી દરમિયાન તેણે તેની પેઇડ લીવ અને માંદગીની રજા પહેલેથી જ ખતમ કરી દીધી હતી.
જેની કહે છે કે એક તરફ, કરોડો રૂપિયાના તબીબી બિલનું દબાણ છે, અને બીજી તરફ, પરિવારમાં ઘણા અઠવાડિયાથી કોઈ પગાર નથી. પરિવાર ભવિષ્ય વિશે ચિંતિત છે. જોકે, તેઓ આર્થિક રીતે દાન આપીને મદદ કરનારાઓનો આભાર માને છે.