વાઘપુરમાં સાબરમતી નદી પટમાંથી રૂ.14.34 લાખની રેતી-ખનીજ ચોરીનો પર્દાફાશ
ડમ્પરચાલક ઝડપાયો, યાંત્રિક નાવડી અને એક્સવેટર સાથે અન્ય આરોપીઓ ફરાર
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વાઘપુર ગામની સીમમાં સાબરમતી નદી પટ વિસ્તારમાંથી બિનઅધિકૃત રીતે સાદી રેતી/ખનીજની ચોરીનો મામલો સામે આવ્યો છે. પ્રાંતિજ પોલીસે કુલ રૂ.૧૪,૩૪,૯૩૫ની ખનીજ ચોરી અંગે ગુનો નોંધી ડમ્પરચાલકની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, તા.૯ સપ્ટેમ્બરના રોજ રાત્રે આશરે ૧૦ વાગ્યે વાઘપુર ગામની સીમમાં સાબરમતી નદી પટ વિસ્તારમાં આરોપીઓ બિનઅધિકૃત રીતે સાદી રેતી/ખનીજ ભરવા જતા હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં તા.૧૧ સપ્ટેમ્બરના રોજ સાંજે ૬:૪૫ વાગ્યે ફરિયાદ નોંધાઈ હતી પોલીસ ફરિયાદ મુજબ, આરોપી ભરતસિંહ પૃથ્વીસિંહ મકવાણા, રહે. રતનપુર, તા.તલોદ, અન્ય આરોપીઓને બિનઅધિકૃત રીતે સાદી રેતી/ખનીજ ભરવા મોકલતો હતો. આ દરમિયાન ડમ્પર નં. GJ-09-AU-8683માં ખનીજ ભરવા જતા આરોપીઓ ઝડપાયા હતા. જ્યારે અન્ય આરોપીઓ ભૂરા રંગની યાંત્રિક નાવડી તથા પીળા રંગના ચેનવાળા એક્સવેટર મશીન સાથે ફરાર થઈ ગયા હતા આરોપીઓએ એકબીજાની મદદગારીથી કુલ રૂ.૧૪,૩૪,૯૩૫ની સાદી રેતી/ખનીજની બિનઅધિકૃત રીતે ચોરી કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૦૩(૨), ૫૪ તથા ગુજરાત મીનરલ પ્રિવેન્શન ઓફ ઈલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ-૨૦૧૭ની કલમ ૩, ૧૨, ૨૧ તેમજ MMRD એક્ટની કલમ ૪(૧-એ) અને ૨૧ મુજબ ગુનો નોંધ્યો છે પ્રાંતિજ પોલીસ સ્ટેશનના PSI પી.જે. રાણાની દેખરેખ હેઠળ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે ફરાર આરોપીઓ તેમજ ચોરીમાં વપરાયેલા સાધનો અંગે વધુ તપાસ શરૂ કરી છે.