
ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ FASTagના પૂર્ણ અમલીકરણથી ભારત સરકારને વાર્ષિક ₹25,000 કરોડ સુધીનો મોટો આર્થિક લાભ થશે, તેમ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શુક્રવારે જણાવ્યું હતું. મુંબઈ ખાતે યોજાયેલા ‘ગ્લોબલ ફિનટેક ફેસ્ટ’માં સંબોધન કરતા કેન્દ્રીય મંત્રીએ આ મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે માર્ચ 2027 સુધીમાં દેશના તમામ નેશનલ હાઇવે પરના ટોલ બૂથને ‘બેરિયર-ફ્રી’ (બેરિયર વગરના) બનાવી દેવામાં આવશે.
ગડકરીએ જણાવ્યું હતું કે, જ્યારે આ સિસ્ટમ સંપૂર્ણપણે સક્રિય થઈ જશે, ત્યારે માત્ર અમારા મંત્રાલય દ્વારા જ FASTagના ઉપયોગથી ભારત સરકારને વાર્ષિક ₹20,000 થી ₹25,000 કરોડનો નફો મળશે. તેમણે ઉમેર્યું કે FASTag ની શરૂઆતથી ટોલ ટેક્સની આવકમાં 10% નો વધારો થયો છે, એટલે કે આવક ₹7,000 કરોડ વધીને હાલમાં ₹82,000 કરોડથી પણ વધુ થઈ ગઈ છે. હાલમાં જે બેરિયર-ફ્રી ટોલ સિસ્ટમનું પાયલોટ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે, તેનાથી આવકમાં વધુ 10% અથવા ₹7,000 થી ₹8,000 કરોડનો વધારો થશે. આ ઉપરાંત, ટોલ બૂથ ચલાવવા માટે થતો ઓપરેશનલ ખર્ચ જે પહેલા 12% હતો, તે ઘટીને હવે માત્ર 2 થી 3% રહી ગયો છે.

કેન્દ્રીય મંત્રીના જણાવ્યા મુજબ, આ વર્ષના ડિસેમ્બરના અંત સુધીમાં 70% થી વધુ ટોલ બૂથ બેરિયર-ફ્રી થઈ જશે અને આવતા વર્ષના માર્ચ મહિના સુધીમાં આ આંકડો 100% સુધી પહોંચી જશે. FASTag ના કારણે વાહનચાલકોને પણ મોટો ફાયદો થઈ રહ્યો છે. ટોલ નાકા પર વાહનો લાઈનમાં અટવાઈ રહેવાની શક્યતા ઘટી જતાં લોકોના સમયની મોટી બચત થાય છે. વિવિધ અભ્યાસોનો હવાલો આપતાં ગડકરીએ નોંધ્યું હતું કે માત્ર ઈંધણની બચતથી જ વાર્ષિક ₹5,250 કરોડથી વધુ રકમ બચી રહી છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત ટેક્નોલોજી નિષ્ણાતોને સંબોધતા ગડકરીએ તેમને ટ્રકોમાં થતા ઓવરલોડિંગને ચોક્કસપણે માપી શકાય તેવી ટેકનિકલ સિસ્ટમ વિકસાવવા હાકલ કરી હતી.

દરમિયાન, તેમણે સ્વીકાર્યું હતું કે દેશના માલસામાન હેરફેર ક્ષેત્રમાં હજુ પણ પારદર્શિતાનો અભાવ છે અને સરકાર આ ક્ષેત્રમાં સુધારા લાવવા માટે કામ કરશે. આ અંગે વધુ વિગત આપતા તેમણે જણાવ્યું હતું કે આ ક્ષેત્રના એક ઓપરેટર સામે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા ગુનો પણ નોંધવામાં આવ્યો છે.