
ભારતના ડેમોગ્રાફિક એડવાન્ટેજ (યુવા વસ્તીની તાકાત)ને એક સક્રિય અને અનસ્ટોપેબલ વાસ્તવિકતા ગણાવતા કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમને જણાવ્યું છે કે દેશની યુવા પેઢી નવી-નવી ટેક્નોલોજી અને ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમને નવો આકાર આપી રહી છે. ‘ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026’ (GFF 2026) ને સંબોધતા સીતારમને કહ્યું કે ભારતનો યુવા વર્ગ હવે નિરાશામાંથી બહાર આવી ચૂક્યો છે અને તે હવે તકો ઊભી થવાની રાહ જોઈને બેસી રહેતો નથી.
તેમણે ઉમેર્યું હતું કે, અમારા યુવાનો તકોની રાહ નથી જોતા, તેઓ પોતે જ નવા પ્લેટફોર્મનું નિર્માણ કરી રહ્યા છે. નાણાં મંત્રીએ માહિતી આપી હતી કે GFF 2026 માં આશરે 8,000 જેટલા સંસ્થાન/એન્ટિટી ભાગ લઈ રહ્યા છે, જેમાં 20% હિસ્સો ફિનટેક કંપનીઓનો અને 25% હિસ્સો નાણાકીય સંસ્થાઓનો છે.

ટેક્નોલોજીના ઝડપી વિકાસ પર ભાર મૂકતા સીતારમને નિયમનકારી સંસ્થાઓ વચ્ચે વધુ મજબૂત સમન્વયની હાકલ કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે નવી ક્રાંતિકારી ટેક્નોલોજી સમગ્ર સિસ્ટમ માટે જોખમો ઊભા કરી શકે છે અને જો ટેક્નોલોજી બદલાવાની ઝડપ વધુ હોય તો આ જોખમો પણ ખૂબ ઝડપથી ફેલાય છે.
આ અંગે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે, AI ની મદદથી ફ્રોડને ખૂબ ઝડપથી પકડી શકાય છે, પરંતુ સામે પક્ષે તેનો ઉપયોગ અત્યંત જટિલ સાયબર હુમલા કરવા માટે પણ થઈ શકે છે.
તે જ રીતે, ઇન્સ્ટન્ટ ટ્રાન્ઝેક્શનને કારણે સૉફ્ટવેરની ક્ષતિઓ, છેતરપિંડી અને માર્કેટ આંચકાઓ ખૂબ ઝડપથી ફેલાઈ શકે છે. જ્યારે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ક્ષેત્રે થતા સુધારાને કારણે પરંપરાગત સિક્યોરિટી સિસ્ટમ્સને અપગ્રેડ કરવી અનિવાર્ય બનશે. તેથી, ઇનોવેશનમાં અવરોધ ઊભો કર્યા વિના કે સુરક્ષા સાથે કોઈ સમજૂતી કર્યા વિના, નિયમો અને કાયદાઓ પણ ટેક્નોલોજીની ઝડપ સાથે બદલાવા જોઈએ.


સીતારમને ઓપરેશનલ મુશ્કેલીઓ અને જરૂરી સુરક્ષા માપદંડો વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ઉદાહરણ આપતાં કહ્યું કે ઝડપ મેળવવાની લ્હાયમાં હ્યુમન ઓવરસાઇટ અને સિર્કિટ બ્રેકર્સ જેવા સુરક્ષા કવચનો બલિદાન ન આપવો જોઈએ.
સિસ્ટમમાં ઇનોવેશન સ્વતંત્ર હોવું જોઈએ, પરંતુ સાથે જ જો કોઈ ભૂલ થાય તો તેને સુધારી કે રોકી શકાય તેવી ક્ષમતા પણ સિસ્ટમમાં હોવી જોઈએ.
તેમણે કહ્યું કે, વધારે ઝડપની સાથે વધુ વિશ્વાસનું નિર્માણ થવું પણ એટલું જ જરૂરી છે. કાર્યક્ષમતા અને સુરક્ષાને એકબીજાના વિરોધી પરિબળો તરીકે ન જોવા જોઈએ. ગ્રાહકોનો વિશ્વાસ જીતવા યોગ્ય સુરક્ષા માળખું અનિવાર્ય છે અને સંસ્થાકીય માળખું એવું હોવું જોઈએ જ્યાં કાર્યક્ષમતા અને સુરક્ષા બંને એકબીજાને મજબૂત બનાવે.
આ ઉપરાંત, ટેક્નોલોજી ક્યાં મૂલ્ય ઉમેરે છે અને ક્યાં મોટું જોખમ ઊભું કરે છે તેનું મૂલ્યાંકન રેગ્યુલેટર્સે કરવું પડશે અને દરેક ઉપયોગ મુજબ સુરક્ષા નિયમો ઘડવા પડશે.
નાણાકીય, કોમ્પિટિશન, ડેટા અને સાયબર સિક્યોરિટી રેગ્યુલેટર્સની જવાબદારીઓ સ્પષ્ટપણે વ્યાખ્યાયિત હોવી જોઈએ અને તેમની વચ્ચે તાલમેલ માટે એક કાર્યક્ષમ સિસ્ટમ હોવી જોઈએ. કોઈપણ પ્રવૃત્તિ માત્ર ક્ષેત્રીય સીમાઓ ઓળંગતી હોવાને કારણે દેખરેખમાંથી છટકી જવી ન જોઈએ, તેમ કહીને તેમણે તમામ ટેક્નોલોજી પ્લેટફોર્મને યોગ્ય નિયમનકારી દેખરેખ હેઠળ રાખવા ટાંક્યું હતું.
નાણાં મંત્રી નિર્મલા સીતારમને ભારતના ટેક્નોલોજી ઇકોસિસ્ટમ માટે એક ‘ફેડરેટેડ પ્લેટફોર્મ’ની વકીલાત કરી હતી. તેમણે કહ્યું કે વૈશ્વિક સ્તરે ભારતીય આઇટી અને ટેક્નોલોજી ઉદ્યોગનો એક વિશ્વસનીય અને મજબૂત સામૂહિક અવાજ હોવો જરૂરી છે. આવું પ્લેટફોર્મ ભારતીય ટેક્નોલોજી કંપનીઓને નવા વિદેશી બજારોમાં પ્રવેશવામાં, વિદેશી રેગ્યુલેટર્સ સાથે અગાઉથી સંવાદ સાધવામાં અને બૌદ્ધિક સંપદા વૈશ્વિક સ્તરે વ્યાપારીકરણ કરવામાં મદદરૂપ થઈ શકે છે.
સામૂહિક જોડાણથી સરહદ પારના નિયમનોમાં પણ ભારતીય કંપનીઓ માટે નવીનતા લાવવાની તકો જળવાઈ રહેશે. તેમણે યુરોપિયન યુનિયન (EU) ના નવા નિયમોનો ઉલ્લેખ કર્યો હતો, જ્યાં લોકો જ્યારે AI સિસ્ટમ સાથે વાતચીત કરે ત્યારે તેનું ડિસ્કલોઝર કરવું ફરજિયાત છે. તેમણે ચેતવણી આપી હતી કે આ નિયમોનું પાલન ન કરવા પર કંપનીના વાર્ષિક વૈશ્વિક ટર્નઓવરના 3% સુધીનો દંડ થઈ શકે છે, જે માત્ર સ્થાનિક આવક પર નહીં પરંતુ સમગ્ર વૈશ્વિક આવક પર આધારિત હોય છે