fbpx

‘મહિલા LPG સિલિન્ડર નહીં ઉઠાવી શકે’, કહીને નોકરી આપવાનો કર્યો ઇનકાર; કોર્ટે કહ્યું- 12 લાખ રૂપિયા ચૂકવો

Spread the love

'મહિલા LPG સિલિન્ડર નહીં ઉઠાવી શકે', કહીને નોકરી આપવાનો કર્યો ઇનકાર; કોર્ટે કહ્યું- 12 લાખ રૂપિયા ચૂકવો

સુપ્રીમ કોર્ટે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOC)ને સુમિત્રા નામની લાયક મહિલા ઉમેદવારને ₹12 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. IOCએ તેને માત્ર મહિલા હોવાને કારણે LPG બોટલિંગ પ્લાન્ટમાં ‘રીફિલિંગ હેલ્પર’ તરીકે નોકરી આપવાનો ઇનકાર કર્યો હતો.

IOC

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને એમ કહીને નોકરી આપવાનો ઇનકાર કર્યો હતો કે, મહિલા સિલિન્ડર ઉઠાવી નહીં શકે. આ માનસિકતાની આકરી ટીકા કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, શું મહિલાઓ LPG સિલિન્ડર નહીં ઉઠાવી શકે? કોર્ટે આને નારીત્વનું અપમાન ગણાવ્યું. મહિલા હવે નિવૃત્તિની વયે પહોંચી ગઈ હોવાથી, કોર્ટે તેને નોકરી આપવાને બદલે ₹12 લાખનું વળતર આપવાનું ઉચિત માન્યું. જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે કોર્પોરેશનની આકરી ટીકા કરતા કહ્યું કે મહિલા હોવાના આધારે રોજગારનો ઇનકાર કરવો એ નારીત્વનું અપમાન છે.

ઈન્ડિયન ઓઈલના વકીલે દલીલ કરી હતી કે, આ નોકરીમાં ભારે LPG સિલિન્ડર ઉઠાવવા પડે છે અને નાઈટ શિફ્ટમાં કામ કરવાનું હોય છે, કદાચ તેથી જ અધિકારીઓએ મહિલાને યોગ્ય ગણી નહોતી. આના જવાબમાં કોર્ટે ટિપ્પણી કરી હતી કે મહિલાઓ તેમના પોતાના ઘરોમાં દિવસ-રાત ગેસ સિલિન્ડર ઉઠાવે છે અને બદલે છે. નોકરીને બદલે વળતર આપવાના નિર્ણય મુદ્દે કહેવામાં આવ્યું હતું કે અરજદાર નિવૃત્તિની વય વટાવી ચૂકી છે. એટલે, સુપ્રીમ કોર્ટે રોજગાર આપવાને બદલે આ તબક્કે ₹12 લાખનું વળતર આપવાનું યોગ્ય માન્યું.

women

સુમિત્રા કોણ છે?

સુમિત્રા હરિયાણાના ગુઢા ગામની રહેવાસી છે. લૈંગિક ભેદભાવને કારણે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના LPG બોટલિંગ પ્લાન્ટમાં નોકરીથી વંચિત રખાયા બાદ સુપ્રીમ કોર્ટે 12 લાખનું વળતર આપવાનો આદેશ આપ્યો હતો. સુમિત્રા તે 49 વ્યક્તિઓમાં સામેલ હતી, જેમને ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતાવાળી સ્થાનિક સમિતિ દ્વારા LPG બોટલિંગ પ્લાન્ટમાં રિફિલિંગ હેલ્પર અથવા કેઝ્યુઅલ ‘ખલાસી’ના પદ માટે ભલામણ કરવામાં આવી હતી. તેની માત્ર એટલે નિમણૂક કરવામાં આવી નહોતી કારણ કે તે મહિલા હતી, આના પર સુપ્રીમ કોર્ટે સખત નારાજગી વ્યક્ત કરી અને તેને નારીત્વનું અપમાન ગણાવ્યું હતું. લાંબી કાનૂની લડાઈ અને તે નિવૃત્તિની વયે પહોંચી ગઈ હોવાને કારણે કોર્ટે હવે નિર્દેશ આપ્યો છે કે તેને નોકરી આપવાને બદલે ₹12 લાખનું વળતર ચૂકવવામાં આવે.

Leave a Reply

error: Content is protected !!