
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી ફરી એકવાર ચર્ચામાં છે. ઈન્ટરનેટ પર તેમનો એક નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને ક્રિકેટ ફેન્સ ખૂબ હેરાન અને દુઃખી છે. આ વીડિયોમાં તેઓ વૃદ્ધોની સંભાળ રાખતા કેન્દ્રમાં જોવા મળે છે. આ દિગ્ગજ ખેલાડીને આવી સ્થિતિમાં જોઈને લોકોના મનમાં સ્વાસ્થ્યને લઈને ચિંતા છે. જોકે, વાયરલ વીડિયોમાં કાંબલી પોતે તે કેન્દ્રની સુવિધાઓ અને ત્યાંના સુખદ વાતાવરણના વખાણ કરતા જોવા મળે છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં કાંબલી પોતે વૃદ્વાશ્રમ વિશે વાત કરે છે. તેઓ કહે છે કે, હું અત્યારે ‘નિદાન’માં છું. હું કહેવા માંગુ છું કે અહીંની સુવિધાઓ ઉત્તમ છે. ત્યાંની વ્યવસ્થાઓના વખાણ કરતા તેઓ કહે છે કે, અહીંની સ્વચ્છતા અને અન્ય તમામ બાબતો ફર્સ્ટ ક્લાસ છે. મને અહીં રહેતા ક્યારેય એવું નથી લાગતું કે હું ઘરથી દૂર છું; મને અહીંના લોકો તરફથી અપાર પ્રેમ અને સન્માન મળી રહ્યું છે.
કાંબલીનો આ વીડિયો સામે આવતા જ ઇન્ટરનેટ પર ક્રિકેટ ફેન્સમાં ભારે ચિંતા જોવા મળી છે. ઘણા લોકો તેમની સ્થિતિ જોઈને દુઃખ વ્યક્ત કરી રહ્યા છે, તો ઘણા લોકો તેમના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી બીમારી, આર્થિક મુશ્કેલીઓ અને અંગત સમસ્યાઓને કારણે વારંવાર ચર્ચામાં રહ્યા છે. અગાઉ પણ એવા વીડિયો સામે આવ્યા હતા જેમાં તેઓ ટેકા વગર ચાલી શકતા નહોતા. જેને જોઇને ભારતીય ક્રિકેટ ફેન્સ ખૂબ જ વ્યથિત થયા હતા. આ પહેલા તો સચિન તેંદુલકરે પણ તેમને આર્થિક રીતે ઘણી મદદ કરી હતી.
વિનોદ કાંબલીએ ભારત માટે 17 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેમણે લગભગ 54ની શાનદાર સરેરાશથી 1,084 રન બનાવ્યા હતા; આમાં ચાર સદીનો પણ સમાવેશ થાય છે. તેઓ સૌથી ઝડપથી 1,000 ટેસ્ટ રન પૂરા કરનાર ભારતીય બેટ્સમેન પણ છે. તાજેતરમાં યશસ્વી જયસ્વાલ આ રેકોર્ડ તોડવાની નજીક પહોંચ્ય હતા, પરંતુ તેમણે 16 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી અને બીજા ક્રમે રહ્યા. વન-ડે મેચોની વાત કરીએ તો, કાંબલીએ 104 મેચ રમી હતી અને લગભગ 32ની સરેરાશથી 2,477 રન બનાવ્યા હતા, જેમાં બે સદી અને 14 અડધી સદીનો સમાવેશ થાય છે.