fbpx

જ્ઞાનેશ કુમારનું રાજીનામું, અને.. SIR વિવાદ વચ્ચે CWCની બેઠકમાં ખડગેની પાંચ માંગણીઓ

Spread the love

જ્ઞાનેશ કુમારનું રાજીનામું, અને.. SIR વિવાદ વચ્ચે CWCની બેઠકમાં ખડગેની પાંચ માંગણીઓ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ મંગળવારે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક દરમિયાન ચૂંટણી પંચ અને કેન્દ્રની મોદી સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. ખડગેએ જણાવ્યું હતું કે, દેશની લોકશાહી અને બંધારણની રક્ષા કરવાની જવાબદારી ફરી એકવાર કોંગ્રેસ પક્ષના ખભા પર છે. તેમણે આરોપ લગાવ્યો કે મોદી સરકારે છેલ્લા 12 વર્ષોમાં દેશના મજબૂત લોકશાહી પાયાને યોજનાબદ્વ રીતે નબળો પાડી દીધો છે.

ખડગેએ આરોપ લગાવ્યો કે ષડયંત્રના ભાગરૂપે લોકોના નામ મતદાર યાદીમાંથી નામો કાઢી નાખવામાં આવી રહ્યા છે અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) મોદી સરકારના કઠપૂતળી બની ગયા છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે દરેક પાત્ર નાગરિકના મતને સુરક્ષિત રાખવો અને દરેક મતની નિષ્પક્ષ ગણતરી સુનિશ્ચિત કરવી એ લોકશાહીની મૂળ ભાવના છે.

કોંગ્રેસ અધ્યક્ષે દાવો કર્યો હતો કે, બે ચૂંટણી કમિશનરોએ પોતે જ CECની ગતિવિધિના મનમાનીપૂર્ણ અને અનુચિત ગણાવ્યા છે. ખડગેએ આરોપ લગાવ્યો કે CECના પ્રયાસો સત્તાધારી પક્ષને ફાયદો પહોંચાડવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યા છે. તેમણે મુખ્ય ચૂંટણી કમિશનરને તેમના પદ પરથી તાત્કાલિક હટાવવાની માંગ કરી હતી. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે નૈતિક આધાર પર રાજીનામું આપવાની પણ માંગ કરી હતી.

congress1

ખડગેએ યુવાનોના મતદાનના અધિકારનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે ડિસેમ્બર 1988માં તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ મતદાનની વય મર્યાદા 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરી હતી. તેની વિરુદ્ધમાં, તેમણે આરોપ લગાવ્યો કે વડાપ્રધાન મોદીએ યુવાનોને તેમના મતદાનના અધિકારથી વંચિત રાખવાના ષડયંત્રના ભાગરૂપે ‘ફોર્મ-6’ના નિયમોમાં ગુપ્ત રીતે ફેરફાર કર્યા, જે તેમના મતે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. તેમણે કહ્યું કે, નોકરીઓ તો આપી નહીં, અને હવે તેઓ મતદાનનો અધિકાર પણ આપવા માંગતા નથી. મતદાનનો અધિકાર એ કોઈની ભેટ નથી; પરંતુ તેના માટે લાખો લોકોએ બલિદાન આપ્યું છે.

ખડગેએ મતદાર યાદી અંગે રાહુલ ગાંધી દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ મહાદેવપુરા, અલંદ, હરિયાણા અને મહારાષ્ટ્રના મતદારોના ડેટાના આધારે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે ડુપ્લિકેટ મતદારો, શંકાસ્પદ સરનામાં, એક જ સરનામે નોંધાયેલા મોટી સંખ્યામાં મતદારો અને ફોર્મ-6 સંબંધિત નોંધણીઓ જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતો. ખડગેએ દાવો કર્યો હતો કે જો ચૂંટણી પંચે આ પ્રશ્નોને ગંભીરતાથી લીધા હોત, તો આજે તેની વિશ્વસનીયતા પર સવાલો ઉભા થયા ન હોત.

ખડગેએ સવાલ ઉઠાવ્યો કે SIR અંગેનો નિર્ણય કોણે લીધો અને શા માટે બે ચૂંટણી કમિશનરોને આંતરિક પોર્ટલથી દૂર રાખવામાં આવ્યા. તેમણે કોંગ્રેસ વતી પાંચ માંગણીઓ પણ રજૂ કરી:

1. મતદાર યાદીમાં થયેલા મોટા ફેરફારો અંગેનો સંપૂર્ણ ડેટા જાહેર કરવામાં આવે.

2. જે મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે તેમને જાણ કરવામાં આવે અને અપીલ કરવાની તક આપવામાં આવે.

3. રાજકીય પક્ષોને જરૂરી ચૂંટણી ડેટા સરળ સ્વરૂપમાં અને સમયસર પૂરો પાડવામાં આવે.

4. ગંભીર વિસંગતતાઓ અંગે સ્વતંત્ર અને સમયબદ્ધ તપાસ થાય.

5. ચૂંટણી પ્રક્રિયા સંબંધિત મહત્ત્વપૂર્ણ ડેટા અને નિર્ણયોમાં પારદર્શિતા સુનિશ્ચિત થવી જોઈએ.

congress2

ખડગેએ જણાવ્યું હતું કે કોંગ્રેસ આ મુદ્દાને માત્ર ચૂંટણીમાં જીત કે હારની લડાઈ તરીકે જોતી નથી. ચૂંટણીઓ અને સરકારો આવતી-જતી રહે છે, પરંતુ લોકશાહી અને બંધારણ કાયમી છે. મોદી સરકાર પર નિશાન સાધતા તેમણે નોટબંધીની સરખામણી કથિત ‘વોટ-બંધી’ સાથે કરી હતી. ખડગેએ કહ્યુ કે નોટબંધી દરમિયાન ગરીબો લાઈનોમાં ઊભા રહેતા હતા, જ્યારે ‘વોટ-બંધી’માં ગરીબોને આ લાઇનમાંથી બહાર રાખવામાં આવી રહ્યા છે. 5 રાજ્યોમાં ચૂંટણીઓ નજીક આવી રહી છે, તેથી એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે કોઈ પણ મતદાર તેમના અધિકારોથી વંચિત ન રહે. તેમણે પક્ષને આ મુદ્દે રસ્તાથી સંસદ સુધી લડવાનું આહ્વાન કર્યું.

Leave a Reply

error: Content is protected !!