fbpx

18 વર્ષની ઉંમરે આ મહિલાએ એવું કામ કર્યું હતું કે 50ની ઉંમરે ઈન્જેક્શન આપી તેનું કાસળ કાઢી નખાશે

Spread the love

18 વર્ષની ઉંમરે આ મહિલાએ એવું કામ કર્યું હતું કે 50ની ઉંમરે ઈન્જેક્શન આપી તેનું કાસળ કાઢી નખાશે

18 વર્ષની ઉંમરે, જ્યારે યુવતીઓ સામાન્ય રીતે તેમની કારકિર્દી અને ભવિષ્ય વિશે મોટા-મોટા સપનાં જોતી હોય છે, ત્યારે એક યુવતીએ તેની જ એક સખીની એટલી નિર્દયતાથી હત્યા કરી નાખી હતી કે સાંભળનારા પણ હચમચી ગયા હતા. ઈર્ષ્યા, નફરત અને એક ગાંડપણના ચક્કરમાં કરવામાં આવેલી આ ભયાનક હત્યાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. હવે, 30 વર્ષ પછી 50 વર્ષની ઉંમરે તેને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે. તેને ‘લીથલ ઈન્જેક્શન’ આપીને પતાવી દેવામાં આવશે. જો આ સજા પૂરી થાય છે, તો છેલ્લા 200 વર્ષમાં આવી પ્રથમ ઘટના હશે.

આ કેસ અમેરિકાના ટેનેસી રાજ્યનો છે, જ્યાં 50 વર્ષીય ક્રિસ્ટા પાઈકને લીથલ ઈન્જેક્શન દ્વારા મૃત્યુદંડ આપવાની તારીખ નજીક આવી રહી છે. 1820 પછી એટલે કે બે સદીથી વધુ સમયમાં ટેનેસીના ઈતિહાસમાં આ પહેલીવાર છે, જ્યારે કોઈ મહિલાને મૃત્યુદંડની સજા આપવામાં આવી રહી છે. 1995માં જ્યારે તે માત્ર 18 વર્ષની હતી, ત્યારે ક્રિસ્ટા પાઈકે તેની સહપાઠી કોલીન સ્લેમરની ઘાતકી હત્યા કરી નાખી હતી. આ હત્યા પાછળ કોઈ જૂની દુશ્મનાવટ નહોતી, પરંતુ ઈર્ષ્યા, શંકા અને પ્રેમનું ગાંડપણ હતું.

આ ઘટના 22 જાન્યુઆરી, 1995ની છે. 18 વર્ષીય ક્રિસ્ટા પાઈક ‘નોક્સવિલે જોબ કોર્પ્સ’માં અભ્યાસ કરતી હતી, જ્યાં તે 19 વર્ષીય કોલીન સ્લેમરને મળી હતી. પોલીસ તપાસ અને કોર્ટના દસ્તાવેજો પરથી જાણવા મળ્યું છે કે ક્રિસ્ટાના મનમાં એવો વહેમ થઈ ગયો હતો કે કોલીન તેના અને તેના બોયફ્રેન્ડ ટેડારિલ શિપ વચ્ચે આવી રહી છે. ઈર્ષ્યા અને નફરતમાં અંધ બનીને ક્રિસ્ટાએ કોલીનને કાયમ માટે ખતમ કરી નાખવાની એક ભયાનક યોજના બનાવી.

ક્રિસ્ટા અને તેનો બોયફ્રેન્ડ ટેડારિલ, કોલીનને એક નિર્જન વિસ્તારમાં લઈ ગયા. ત્યાં પહોંચતા જ તેમણે તેના પર હુમલો કરી દીધો. ક્રિસ્ટા અને તેના સાથીએ ધારદાર બોક્સ કટર વડે કોલીનના શરીર પર અનેક ઘા કર્યા અને ભારે પથ્થરોથી મારી મારીને તેની હત્યા કરી નાખી. હત્યા દરમિયાન, કોલીનના શરીર પર તારા જેવું એક પ્રતીક કોતરવામાં આવ્યું હતું. તે સમયે અમેરિકામાં શેતાનની પૂજા અંગે ખૂબ ભયનો માહોલ હતો, જેના કારણે આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. ગુનો કર્યા પછી, ક્રિસ્ટાએ ક્યારેય પોતાનો ગુનો છુપાવવાનો પ્રયાસ કર્યો નહીં અને પોલીસ સમક્ષ સંપૂર્ણ સત્ય કબૂલ કરી લીધું હતું.

Christa-Pike1

અદાલતે આ ઘૃણાસ્પદ હત્યા બદલ ક્રિસ્ટા પાઈકને મૃત્યુદંડની સજા સંભળાવી હતી, પરંતુ છેલ્લા ત્રણ દાયકાથી તેના વકીલો અને સમર્થકો આ સજાનો જોરદાર વિરોધ કરી રહ્યા છે. વકીલોનું કહેવું છે કે 18 વર્ષની ઉંમરે આચરવામાં આવેલા ગુના માટે મૃત્યુદંડની સજા આપવી ઉચિત નથી, ખાસ કરીને ત્યારે જ્યારે આરોપીએ બાળપણમાં ભયાનક શોષણ અને યાતનાઓનો સામનો કર્યો હોય.

ક્રિસ્ટાના વકીલ, સ્ટીફન ફેરેલે કોર્ટમાં તેના બાળપણની હૃદયદ્રાવક કહાની વર્ણવી હતી; તે જ્યારે માંડ-માંડ ચાલતા શીખી રહી હતી ત્યારથી જ તેને ગંભીર જાતીય શોષણનો ભોગ બનવું પડ્યું હતું. 11 અને 17 વર્ષની ઉંમરે તેની સાથે હેવાનિયત અને બળાત્કાર થયો હતો. બાદમાં, તબીબી તપાસમાં જાણવા મળ્યું હતું કે ક્રિસ્ટા બાયપોલર ડિસઓર્ડર અને PTSD જેવી ગંભીર માનસિક બીમારીઓથી પીડાતી હતી.

પોતાની દયાની અરજીમાં ક્રિસ્ટાએ લખ્યું હતું કે, હું માનસિક રીતે બીમાર 18 વર્ષની યુવતી હતી. મેં આચરેલા ભયાનક પાપની ગંભીરતા સમજવામાં મને વર્ષો લાગ્યા. મેં કોઈના સંતાન, બહેન અને મિત્રનો જીવ લીધો. આજે જ્યારે હું વિચારું છું કે હું આવો ભયાનક ગુનો કરવાની ક્ષમતા હતી, ત્યારે મને મારી પોતાની જાત પ્રત્યે તિરસ્કાર આવે છે.

વકીલોનું એવું પણ કહેવું છે કે આધુનિક વિજ્ઞાને સાબિત કરી દીધું છે કે 18 વર્ષની ઉંમર સુધીમાં માનવ મગજનો સંપૂર્ણ વિકાસ થતો નથી. આ ઉપરાંત, આ કેસમાં ક્રિસ્ટાના 17 વર્ષના બોયફ્રેન્ડને તેની ઉંમરને કારણે આજીવન કેદની સજા મળી હતી, જ્યારે ત્રીજા સાથીદારને પ્રોબેશન પર મુક્ત કરવામાં આવ્યો હતો. એક તરફ જ્યાં ક્રિસ્ટાના વકીલ તેની ખરાબ માનસિક સ્થિતિની વાત કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ પીડિતા કોલીન સ્લેમરની માતા, મે માર્ટિનેઝ, છેલ્લા 30 વર્ષથી ન્યાય માટે લડી રહી છે. ફ્લોરિડામાં રહેતી માર્ટિનેઝ ઈચ્છે છે કે ક્રિસ્ટા પાઈકને કોઈપણ સંજોગોમાં ‘લીથલ ઈન્જેક્શન’ દ્વારા મૃત્યુદંડ આપવામાં આવે.

Christa-Pike2

વાત કરતા માર્ટિનેઝનો ડુમો ભરાઇ આવ્યો હતો. તેણે કહ્યું કે, જ્યારે પણ હું તે ભયાનક રાત વિશે વિચારું છું, ત્યારે મારો આત્મા કંપી ઉઠે છે. હું કલ્પના કરું છું કે મારી દીકરી કોલીને કેટલી પીડા સહન કરી હશે અને તે અંધકારમાં પોતાનો જીવ બચાવવા માટે કેવી રીતે ભાગવાનો પ્રયાસ કર્યો હશે.

પોતાની માસૂમ દીકરીને યાદ કરતા માતાએ કહ્યું કે, કોલીન ખૂબ જ શાંત, હસમુખ અને મિલનસાર સ્વભાવની છોકરી હતી. તેને કમ્પ્યુટર્સ ખૂબ ગમતા હતા અને તે ‘સ્પેશિયલ ઓલિમ્પિક્સ’ માટે વોલંટિયર તરીકે કામ કરતી હતી. હત્યાની રાત્રે કોલીને તેની માતાને ફોન કર્યો હતો, પરંતુ નબળા નેટવર્કને કારણે ફોન કપાઈ ગયો હતો. જ્યારે તેની માતાએ પાછો ફોન કર્યો, ત્યારે ખૂબ મોડું થઈ ચૂક્યું હતું. મે માર્ટિનેઝ કહે છે કે એવો એક પણ દિવસ કે ક્ષણ વિતતી નથી, જ્યારે કોલીનને યાદ ન કરતી હોય. જો કોલીન આજે જીવિત હોત, તો તે 51 વર્ષની થઇ ચૂકી હોત.

અમેરિકામાં મહિલાઓને મૃત્યુદંડ આપવાની ઘટના કેટલી દુર્લભ છે?

‘ડેથ પેનલ્ટી ઈન્ફોર્મેશન સેન્ટર’ના સત્તાવાર આંકડા મુજબ, અમેરિકામાં મહિલાઓને મૃત્યુદંડ આપવાની ઘટનાઓ અત્યંત દુર્લભ માનવામાં આવે છે. જો ટેનેસીમાં ક્રિસ્ટા પાઈકને લીથલ ઈન્જેક્શન દ્વારા મૃત્યુદંડ આપવામાં આવે, તો 1820 પછી એટલે કે 200થી વધુ વર્ષોના ગાળામાં ટેનેસી રાજ્યમાં કોઈ મહિલાને આપવામાં આવનારી આ પ્રથમ ફાંસીની સજા હશે. સમગ્ર દેશના આંકડા જોઈએ તો, 1976થી અત્યાર સુધીમાં માત્ર 18 મહિલાઓને મૃત્યુદંડ આપવામાં આવ્યો છે, જે કુલ મૃત્યુદંડની સજાનો માત્ર 1 ટકા જેટલો હિસ્સો છે. 2021 અમેરિકન ફેડરલ સરકારે લિસા મોન્ટગોમરીને મૃત્યુદંડની સજા આપી હતી, જે લગભગ 70 વર્ષમાં કોઈ મહિલાને આપવામાં આવેલી પ્રથમ ફેડરલ ફાંસી હતી. ત્યારબાદ, 2023માં મિસૌરીમાં એમ્બર મેકલોફલિનને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. હવે જોવાનું એ રહેશે કે ક્રિસ્ટાને સુપ્રીમ કોર્ટ રાહત આપશે, કે પછી મળશે મૃત્યુદંડ?

Leave a Reply

error: Content is protected !!