
ફોક્સવેગન ગ્રુપે દુનિયાભરમાંથી 28.6 લાખ કારોને પાછી મંગાવી છે. આમાં ફોક્સવેગન અને ઓડી (Audi) બંને બ્રાન્ડની કારનો સમાવેશ થાય છે. આનું કારણ સ્ટીયરિંગને લગતી સમસ્યા છે. કાટ લાગવાને કારણે સ્ટીયરિંગ-રેક માઉન્ટિંગ બોલ્ટ નબળો થઇ શકે છે. જ્યાં સુધી સ્થિતિ ગંભીર થવા પર સ્ટીયરિંગ પરનું નિયંત્રણ ગુમાવવાનું જોખમ ઊભું થઈ શકે છે.
કેલ્ક્યુલેટર જુઓ
આ પરેશાનીમાં પ્રભાવિત થનારી કારોની યાદીમાં ફોક્સવેગન ગોલ્ફ, ગોલ્ફ વેરિયન્ટ, ટાઇગુન, ટુરન અને કેડી તેમજ ઓડી Q3 નો સમાવેશ થાય છે. કંપનીએ આ ગાડીઓને પાછી મંગાવી છે, જેથી કોઈપણ અકસ્માત થાય તે પહેલાં સમસ્યાને સુધારી શકાય. પાછા મંગાવવામાં આવેલી કારોમાં 21.6 લાખ કારો ફોક્સવેગનની છે, જ્યારે 6,96,000 ઓડી Q3 કાર છે. આ સમસ્યાથી સપ્ટેમ્બર 2013થી લઇને જુલાઈ 2024 વચ્ચે બનેલી ફોક્સવેગન કાર અને ઓક્ટોબર 2017થી લઇને મે 2024 વચ્ચે બનેલી ઓડી Q3 યુનિટ્સ પ્રભાવિત થઇ છે.

જર્મનીની ફેડરલ મોટર ટ્રાન્સપોર્ટ ઓથોરિટીનું કહેવું છે કે અત્યાર સુધી આ સમસ્યાને લગતા નુકસાન કે અકસ્માતની કોઈ ઘટના નોંધાઈ નથી. આ સમસ્યા એક બોલ્ટ સાથે સંબંધિત છે જે સ્ટીયરિંગ રેકને ફ્રન્ટ સબ-ફ્રેમ સાથે જોડે છે; અમુક સંજોગોમાં, આ બોલ્ટ પર કાટ લાગવાની શક્યતા છે.
જો કાટ વધે છે તો બોલ્ટ તૂટી શકે છે અને સ્ટીયરિંગ રેક હાઉસિંગને નુકસાન પહોંચાડી શકે છે. આ કારણે સ્ટીયરિંગ પરનું નિયંત્રણ ખતમ થઇ શકે છે અથવા સંપૂર્ણપણે નિયંત્રણ ગુમાવવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. કંપનીનું કહેવું છે કે આ પગલું સાવચેતીના ભાગરૂપે લેવામાં આવી રહ્યું છે. અસરગ્રસ્ત બોલ્ટને સંબંધિત ડીલરશીપ પર કાટ-પ્રતિરોધક બોલ્ટ વડે બદલવામાં આવશે.

શું ભારત પર પણ તેની અસર થશે?
ફોક્સવેગનની વૈશ્વિક યાદીમાં ઘણી કારનો સમાવેશ થાય છે, જેમાંથી ઘણી કાર ભારતમાં ક્યારેય મુખ્ય ઉત્પાદન રહી નથી. જોકે, ‘ટાઈગુન’ એવી કાર છે જે વર્ષોથી ભારતીય બજારમાં વેચાઈ રહી છે. તો ઓડીએ અહીં Q3 ની અનેક જનરેશન (generations) વેચી છે.
જોકે, આનો અર્થ એ નથી કે આ સમયગાળા દરમિયાન બનેલી દરેક ફોક્સવેગન ટાઈગુન અને ઓડી Q3 અસરગ્રસ્ત હશે. કંપની વાહન ઓળખ નંબર (VIN), ઉત્પાદનની તારીખ અને કમ્પોનેન્ટના સંયોજનના આધારે કારોને પાછી મંગાવી રહી છે. હાલમાં, ફોક્સવેગન ગ્રુપે ભારત અંગે કોઈ માહિતી જાહેર કરી નથી.