fbpx

શું સવાલ પૂછવાની સ્વતંત્રતા ખતમ થઈ જશે? શું છે સરકારનું નવું બિલ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન (DPDP), કોર્ટે માંગ્યો જવાબ

Spread the love
શું સવાલ પૂછવાની સ્વતંત્રતા ખતમ થઈ જશે? શું છે સરકારનું નવું બિલ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન (DPDP), કોર્ટે માંગ્યો જવાબ

ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન (DPDP) એક્ટ, 2023 અને તેના હેઠળ 2025માં બનેલા નિયમો, સામાન્ય નાગરિકોની ગોપનીયતાની રક્ષા માટે બનાવવામાં આવ્યા હતા. ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ એસોસિએશન (DNPA)ના નેતૃત્વ હેઠળ, 21 મુખ્ય મીડિયા સંસ્થાઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમનો દાવો છે કે આ કાયદો ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝ્મ પર પ્રી-સેન્સરશિપનું એક સંપૂર્ણ તંત્ર ઊભું કરશે. 27 ઓક્ટોબર, 2026ના રોજ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને આ અરજી અંગે જવાબ માંગ્યો છે, જોકે કોર્ટે આ કાયદા પર તાત્કાલિક રોક લગાવવાનો ઇનકાર કર્યો છે. હવે આ મામલે આગામી સુનાવણી 17 નવેમ્બર, 2026ના રોજ યોજાશે. મીડિયા સંસ્થાઓએ 3 મુખ્ય આપત્તિઓ ઉઠાવી છે, જેની સીધી અસર તપાસની મૂળભૂત પ્રક્રિયાઓ પર પડે છે.

તો, શું આપણે એવું માની લઈએ કે ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝ્મ મુશ્કેલ છે?

DPDP એક્ટમાં પત્રકારત્વ માટે કોઈ છૂટ જ નથી

આ સમગ્ર વિવાદના મૂળમાં એક સાદી વાત છે કે DPDP એક્ટમાં પત્રકારત્વ કે ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝ્મ માટે કોઈ અલગથી છૂટ આપવામાં આવી નથી.  DPDP એક્ટની કલમ 7માં એવા કાયદેસર ઉદ્દેશ્યોનો ઉલ્લેખ છે જે હેઠળ વ્યક્તિગત ડેટાનો ઉપયોગ સહમતિ વિના કરી શકાય છે. સેક્શન 17માં એવા મામલાઓની યાદી છે જ્યાં આ કાયદો લાગુ પડતો નથી. આ બંને જગ્યાએ પત્રકારત્વનો ક્યાંય ઉલ્લેખ નથી. આટલું જ નહીં, કલમ 17(2)માં ‘સંશોધન, આર્કાઇવિંગ અને આંકડાકીય હેતુઓ’ માટે છૂટછાટ આપવામાં આવી છે, પરંતુ પત્રકારત્વને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યું નથી. જેને અરજદારો મનસ્વી ભેદભાવ ગણાવે છે.

રસપ્રદ વાત એ છે કે, 2018, 2019 અને 2021ના ડ્રાફ્ટ બિલમાં પત્રકારત્વ માટે છૂટછાટની જોગવાઈઓ હતી, પરંતુ 2022ના ડ્રાફ્ટ અને 2023ના અંતિમ કાયદામાંથી આ જોગવાઈઓ હટાવી દેવામાં આવી. DNPAનું કહેવું છે કે આ કાયદો ક્યારેય પત્રકારત્વ માટે બનાવવામાં આવ્યો જ નહોતો.

investigative-journalism2

ત્રણ મુખ્ય આપત્તિઓ, જે ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝ્મની કરોડરજ્જુ તોડી શકે છે

1. સહમતિ મેળવવી: સંબંધિત વ્યક્તિને અગાઉથી ચેતવણી આપી દેવી

DPDP એક્ટની કલમ 5 અને 6 હેઠળ, કોઈપણ વ્યક્તિના વ્યક્તિગત ડેટા ઉપયોગ કરતા પહેલા તેમને જાણ કરવી અને તેમની સહમતિ મેળવવી ફરજિયાત છે. જો કોઈ પત્રકાર ભ્રષ્ટ અધિકારી, કંપની કે રાજકારણીની તપાસ કરી રહ્યો હોય, તો તેમણે તે જ વ્યક્તિ પાસેથી સહમતિ લેવી પડી શકે છે.

DNPA વતી સુપ્રીમ કોર્ટમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલ માધવી દિવાને આને સંપૂર્ણ પ્રી-સેન્સરશિપ ગણાવી છે. તેમણે કહ્યું કે, જો મારે ડેટા પ્રિન્સિપલની દયા પર છોડી દેવામાં આવે કે સહમતિ આપશે કે નહીં, તો સમાચાર કેવી રીતે બનશે? ન્યૂઝરૂમ બંધ થઈ જશે.

સમાચાર વાંચો

તેનું એક મોટું જોખમ પુરાવા નાશ થઇ શકે છે. જો પત્રકાર સહમતિ મેળવવા માટે સંપર્ક કરે, તો તપાસ હેઠળની વ્યક્તિ સાવધ થઈ જાય છે, જેનાથી તેમને પુરાવા નષ્ટ કરવાની કે સાક્ષીઓને પ્રભાવિત કરવાની તક મળી જાય છે. આ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝ્મના, મૂળભૂત સિદ્ધાંત અગાઉથી કોઈ ચેતવણી આપ્યા વિના સત્યને બહાર લાવવાની વિરુદ્ધ છે.

2. ડેટા હટાવવાનો અધિકાર: પ્રકાશિત, સ્ટોરી સાથે છેડછાડ

DPDP એક્ટની કલમ 12 હેઠળ, વ્યક્તિઓને તેમનો ડેટા સુધારવાનો, અપડેટ કરવા કે મટાડીદેવાનો અધિકાર છે. જો કોઈ વ્યક્તિને એમ લાગે કે તેમની બાબતે પ્રકાશિત થયેલા સમાચારમાં તેમના ડેટાનો દુરુપયોગ થયો છે, તો તેઓ તેને હટાવવાની માંગ કરી શકે છે.

આનો અર્થ એ છે કે ભ્રષ્ટાચાર કે ગેરરીતિના આરોપનો સામનો કરી રહેલી વ્યક્તિ પોતાના વિશેના સમાચાર અહેવાલને હટાવવાની કે તેમાં ફેરફાર કરવાની માંગ કરી શકે છે. DNPAની અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, આનાથી પત્રકારો પર પ્રકાશિત અહેવાલોમાં ફેરફાર કરવા કે તેને હટાવી દેવા માટે દબાણ બનાવી શકાય છે. આ પત્રકારત્વના દસ્તાવેજોની વિશ્વસનીયતાને ખતમ કરી શકે છે.

3. સરકારી પહોંચ: માહિતીના સોર્સની ઓળખ ઉજાગર થવાનું જોખમ

આપત્તિ છે. DPDP એક્ટની કલમ 36, નિયમ 23 અને સાતમી અનુસૂચિ હેઠળ, કેન્દ્ર સરકારને એવી શક્તિ છે કે તે કોઈપણ ડેટા ફિડ્યૂશિયરી અથવા મધ્યસ્થી પાસેથી કોઈપણ માહિતી માંગી શકે છે. આ શક્તિ કોઈપણ પ્રકારની ન્યાયિક દેખરેખ વિના ઉપયોગ કરી શકાય છે.

DNPAનો તર્ક છે કે આ જોગવાઈનો ઉપયોગ “પત્રકારત્વના સ્ત્રોતોને ઓળખ અને તેમને નિશાન બનાવવા માટે ઉપયોગ થઈ શકે છે. જો સરકાર કોઈ સમાચાર સંસ્થા પાસે અહેવાલ સંબંધિત ડેટા માંગે છે, તો તેનાથી જાણી શકાય છે કે માહિતી કોણે આપી છે. જો માહિતી આપનાર સ્ત્રોતની ઓળખ સાર્વજનિક થઇ જાય, તો લોકો માહિતી આપતા ડરને કારણે માહિતી આપવા તૈયાર નહીં થાય અને ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝ્મના મૂળ સુકાઇ જશે.

investigative-journalism3

RTIની જટિલતા: માહિતીના અધિકાર (RTI) પણ નબળો થયો

DPDP એક્ટની કલમ 44(3) દ્વારા માહિતીના અધિકાર’ (RTI) કાયદામાં પણ સુધારો કરવામાં આવ્યો છે. અગાઉ, RTI કાયદાની કલમ 8(1)(j) હેઠળ, જો મોટા જનહિત સાથે જોડાયેલી માહિતી હોય તો સરકારી અધિકારીઓની વ્યક્તિગત માહિતી પણ જાહેર કરી શકાતી હતી. પરંતુ, હવે નવી જોગવાઈમાં માત્ર એટલું જ કહેવામાં આવ્યું છે કે વ્યક્તિગત માહિતી સંબંધિત માહિતી મુક્તિને પાત્ર છે એટલે જનહિતનો માપદંડ જ હટાવી દેવામાં આવ્યો છે. આનાથી પત્રકારો માટે સરકારી અધિકારીઓને જવાબદાર ઠેરવવાનું કામ વધુ મુશ્કેલ બની શકે છે.

સુપ્રીમ કોર્ટનું વલણ: સંતુલનની શોધ

27 ઓક્ટોબર, 2026ના રોજ થયેલી સુનાવણી દરમિયાન, ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) સૂર્યકાંતના નેતૃત્વ હેઠળની બેન્ચે કહ્યું હતું કે નાગરિકોની ગોપનીયતા અને મીડિયાની સ્વતંત્રતા વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે. કોર્ટે DNPAને પૂછ્યું કે તેઓ કેવી રીતે નક્કી કરશે કે આ કાયદાનો દુરુપયોગ ન થાય. DNPAએ સ્પષ્ટ કર્યું છે કે તેમણે કાયદાનું પાલન કરવાનું અને ખોટા અહેવાલ માટે જવાબદારી પણ ઉઠાવવાની છે, પરંતુ પ્રકાશન પહેલાં મંજૂરી લેવી પડે તેવી વ્યવસ્થા સ્વીકાર્ય નથી.

DPDP એક્ટનો ઉદ્દેશ્ય નાગરિકોની ગોપનીયતાનું રક્ષણ કરવાનો છે અને એ જરૂરી પણ છે. તેની ડિઝાઇન એવી છે કે તે પત્રકારત્વને જનહિતના ચોકીદાર ને બદલે, માત્ર એક ડેટા પ્રોસેસર તરીકે માનીને ચાલે છે. સુપ્રીમ કોર્ટે હાલમાં આ કાયદા પર રોક લગાવી નથી અને આગામી સુનાવણી 17 નવેમ્બર માટે નક્કી કરી છે. જો કોર્ટ પત્રકારત્વ માટે સ્પષ્ટ અને બંધારણીય સુરક્ષા નહીં આપે, તો આ કાયદો ‘ગોપનીયતાના રક્ષણ’ના નામે ‘સત્યના અવાજ’ને દબાવવા માટેનું માધ્યમ બની શકે છે. આ જ સૌથી મોટું જોખમ છે.

Leave a Reply

error: Content is protected !!