fbpx

TMC ઓફિસમાંથી મળી આવ્યા કરોડો રૂપિયા; CM અધિકારીએ કહ્યું- ‘આ તેમની રોજની કમાણી છે…’

Spread the love

TMC ઓફિસમાંથી મળી આવ્યા કરોડો રૂપિયા; CM અધિકારીએ કહ્યું- 'આ તેમની રોજની કમાણી છે...'

બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના ડાયમંડ હાર્બરમાં પોલીસે TMC ઓફિસમાંથી રૂ. 1 કરોડથી વધુ રોકડ જપ્ત કરતાં હોબાળો મચી ગયો. પોલીસના જણાવ્યા અનુસાર, TMC ઓફિસમાંથી રૂ. 1 કરોડ 2 લાખ 79 હજાર રોકડ જપ્ત કરવામાં આવી હતી. આ રોકડ સરિશામાં તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી ઓફિસમાંથી મળી આવી હતી, જે બળવાખોર TMC ધારાસભ્ય શમીમ અહેમદની હોવાનું કહેવાય છે. મમતા બેનર્જીના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનર્જીના PAની પૂછપરછ કર્યા પછી દરોડો પાડવામાં આવ્યો હતો. ડાયમંડ હાર્બર પોલીસના ASP (ઝોનલ) અભિષેક મજુમદારે મીડિયાને જણાવ્યું હતું કે, સાંસદ અભિષેક બેનર્જીના PA સુમિત રોયની પૂછપરછ કર્યા પછી આ કાર્યવાહી કરવામાં આવી હતી.

Police-Recover-Crore-TMC-Office

ASP અભિષેક મજુમદારે જણાવ્યું હતું કે, સુમિત રોય હાલમાં ડાયમંડ હાર્બર પોલીસ જિલ્લાના કાલિતલા-આશુતિ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસના સંદર્ભમાં પોલીસ કસ્ટડીમાં છે. તેમણે ઉમેર્યું હતું કે અટકાયત પછી રોયની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ સંકેતો મળ્યા હતા. આ સંકેતોના આધારે, સરિશામાં એક પાર્ટી ઓફિસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જ્યાંથી રૂ. 1,02,79,000 રોકડા મળી આવ્યા હતા. જોકે, પોલીસે સવાલના જવાબમાં એ સ્પષ્ટ કર્યું નથી કે પાર્ટી ઓફિસ કોણ ચલાવી રહ્યું હતું. તેમણે પુષ્ટિ આપી હતી કે, ઓફિસ તૃણમૂલ કોંગ્રેસની હતી, પરંતુ ખરેખર તેનું સંચાલન કોણ કરતું હતું તે નક્કી કરવા માટે તપાસ ચાલુ છે.

Police-Recover-Crore-TMC-Office1

પોલીસ એ પણ નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે કે, પાર્ટી ઓફિસમાં આટલી મોટી રકમ કેમ રાખવામાં આવી હતી અને તે ક્યાંથી આવી હતી. પ્રાથમિક તપાસ સૂચવે છે કે આ રકમ કાલિતલા-આશુતી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા માટી ચોરીના કેસ સાથે જોડાયેલી હોઈ શકે છે. ASP અભિષેક મજુમદારે જણાવ્યું હતું કે, સમગ્ર મામલાની તપાસ ચાલુ છે. તેમણે જણાવ્યું હતું કે સુમિત રોયની આ વર્ષની શરૂઆતમાં પશ્ચિમ મિદનાપુર જિલ્લાના સાલબોનીમાં ગેરકાયદેસર જમીન કબજાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારપછી, ડાયમંડ હાર્બરમાં તેમના પર બીજા જમીન ચોરીના કેસમાં પણ આરોપ મૂકવામાં આવ્યો હતો, જેના સંદર્ભમાં તેમને ગયા અઠવાડિયે પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

Police-Recover-Crore-TMC-Office4

આ તરફ, CM સુવેન્દુ અધિકારીએ આ મામલે ભૂતપૂર્વ CM મમતા બેનર્જી અને તેમના ભત્રીજા અભિષેક બેનર્જીને નિશાન બનાવ્યા છે. CM સુવેન્દુએ કહ્યું કે, આ પૈસા તેમના (મમતા બેનર્જી અને અભિષેક બેનર્જી) માટે કંઈ નથી. આ તો તેમની રોજિંદી કમાણી હતી. CMએ કહ્યું કે તેમણે (મમતા બેનર્જી અને અભિષેક બેનર્જી) તેમના કાર્યકાળ દરમિયાન ઘણા બધા પૈસા એકઠા કર્યા છે. આ રકમ તેમના માટે ખૂબ જ ઓછી છે. CMએ કટાક્ષમાં કહ્યું કે, તેમને કદાચ યાદ પણ નહીં હોય કે તેમણે પૈસા કઈ કઈ જગ્યાએ સંતાડી રાખ્યા છે.

Leave a Reply

error: Content is protected !!