
ગુજરાતના રાજકારણમાં ભાજપની સૌથી મોટી તાકાત માત્ર તેની જીત નથી. પોતાની પસંદગીના નવા ચહેરાને જીતની મજબૂત તક આપી શકે એવું સંગઠન તેની પાસે છે. આને અનુલક્ષીને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ઘણા ઉમેદવારો બદલે તો પણ તેને મોટું નુકસાન ન થાય એવી દલીલમાં વજન છે. પરંતુ ભાજપના બધા પ્રયોગો સફળ જ થશે એવો નિષ્કર્ષ થોડો ઉતાવળનો ગણાશે. પક્ષનું વર્ચસ્વ અને મતદારની કાયમી વફાદારી સુસંગત બાબત નથી. 2022ની વિધાનસભા ચૂંટણી આ ચર્ચાનો સૌથી મજબૂત આધાર છે. ભાજપે 182માંથી 156 બેઠકો જીતી અને 52.5 ટકા મત મેળવ્યા. કોંગ્રેસ 17 બેઠકો પર રહી અને આમ આદમી પાર્ટીને પાંચ બેઠકો મળી. આ પરિણામ માત્ર વિપક્ષના મત વહેંચાવાથી સમજાવી શકાય નહીં. ભાજપને અડધાથી વધુ મત મળ્યા હતા. એટલે તેની જીત પાછળ પોતાનો વિશાળ મતાધાર પણ હતો. વિપક્ષના વિભાજને બેઠકોનું માર્જિન વધાર્યું હશે પરંતુ ભાજપની લોકસ્વીકૃતિને માત્ર તેનાથી સમજવી અધૂરી સમજ ગણાશે.

ગુજરાતમાં મતદાર પોતાના ઉમેદવાર કરતાં ભાજપને અને PM મોદીને વધુ મહત્વ આપે છે એવી વાત અહીંથી ઊભી થાય છે. તેનો અર્થ ઉમેદવારનું કોઈ મૂલ્ય નથી એવો નથી. અર્થ એવો છે કે ઘણા મતદારો માટે પક્ષની ઓળખ પહેલેથી નક્કી હોય છે. ઉમેદવાર જાહેર થાય તે પહેલાં તેમની રાજકીય પસંદગી થઈ ચૂકી હોય છે. આવા મતદાર સામે નવો ચહેરો આવે ત્યારે તેને શરૂઆતથી વિશ્વાસ ઊભો કરવો પડતો નથી. પક્ષની વર્ષોથી ઊભી થયેલી ઓળખ તેનો આધાર બને છે.cઆ બાબતનું ઉદાહરણ 2022ની ઉમેદવાર પસંદગીમાં મળે છે. ભાજપે પ્રથમ 160 ઉમેદવારોની યાદીમાં 38ચાલુ ધારાસભ્યોને ફરી ટિકિટ આપી નહોતી. ત્યાર પછી પણ પક્ષે વિક્રમજનક બહુમતી મેળવી. દરેક નવા ઉમેદવારની જીતનું કારણ એકસરખું હતું એવું કહી શકાય નહીં પરંતુ મોટા પાયે ચહેરા બદલવાથી પક્ષનો મતાધાર તૂટી પડે એવું બન્યું નહોતું. આ અનુભવ ભાજપને ફરી ફેરફાર આવા નિર્ણયો કરવાની છૂટ આપે છે જે નબળા સંગઠનવાળા પક્ષને સહેલાઈથી મળતી નથી.
આ પદ્ધતિમાં ભાજપને એક વધારાનો લાભ મળી શકે છે જેમકે સ્થાનિક ધારાસભ્ય સામેની નારાજગી અને પક્ષ સામેની નારાજગી વચ્ચે તે અંતર રાખી શકે છે. મતદારને પક્ષ ગમતો હોય પરંતુ પ્રતિનિધિથી ફરિયાદ હોય ત્યારે નવો ઉમેદવાર બદલાવની તક આપી શકે. સરકાર બદલ્યા વિના પ્રતિનિધિ બદલાય છે. ગુજરાતમાં ભાજપના પ્રયોગોને સમજવા આ મુદ્દો મહત્વનો છે. જોકે માત્ર ચહેરો બદલવાથી પાણી કે રોજગાર જેવા પ્રશ્નો ઉકેલાઈ જતા નથી એ પણ નોધવું રહ્યું. ભાજપની મજબૂતીનું બીજું પાસું વિપક્ષની નબળાઈ છે. કોંગ્રેસ પાસે મતદારો છે પરંતુ તે મતને સતત રાજકીય સક્રિયતામાં ફેરવવાની મુશ્કેલી જણાઈ રહી છે. ઑક્ટોબર 2026ના એક અહેવાલ મુજબ અમદાવાદ અને વડોદરાની મહાનગરપાલિકામાં ચૂંટણીના પાંચ મહિના પછી પણ કોંગ્રેસ વિપક્ષના નેતા નક્કી કરી શકી નહોતી. આંતરિક મતભેદોને કારણે નિર્ણય અટક્યો હતો. ચૂંટાયેલા સભ્યો હોવા છતાં નેતૃત્વ ગોઠવવામાં વિલંબ થાય ત્યારે સરકારનો વિકલ્પ બનવાના દાવાની વિશ્વસનીયતા ઘટે છે.
વિપક્ષ માટે માત્ર સરકારની ટીકા કરવી પૂરતી નથી. ફરિયાદ ધરાવતો મતદાર પણ સવાલ કરે છે કે સામેનો પક્ષ વધુ સારી વ્યવસ્થા આપી શકશે કે નહીં. આ પ્રશ્નનો વિશ્વસનીય જવાબ ન મળે ત્યારે નારાજગી મતપરિવર્તનમાં ફેરવાતી નથી. ગુજરાતમાં ભાજપને મળતો લાભ આ રીતે પણ સમજી શકાય. કેટલાક મતદારો સરકારના દરેક નિર્ણયથી ખુશ ન હોય છતાં ઉપલબ્ધ વિકલ્પોમાં ભાજપને વધુ સક્ષમ માનતા હોય તે શક્ય છે.

અહીં વિપક્ષને મરણપથારીએ ગણાવવાથી આખું ચિત્ર સમજાતું નથી. 2022માં કોંગ્રેસને 27.28 ટકા અને આમ આદમી પાર્ટીને 12.92 ટકા મત મળ્યા હતા. બંનેના મત સીધા જોડીને ભવિષ્યનું પરિણામ કાઢી શકાય નહીં. છતાં આ પ્રમાણ દર્શાવે છે કે ભાજપની બહાર પણ મોટો મતદારવર્ગ છે. વોરોધપક્ષ પાસે મુશ્કેલી મતદારોના સંપૂર્ણ અભાવની નથી. સમર્થનને બેઠકો અને વિશ્વસનીય નેતૃત્વમાં ફેરવવાની નિષ્ફળતા મુખ્ય નિષ્ફળતા છે. નબળો વિપક્ષ અને અસ્તિત્વવિહોણો વિપક્ષ અલગ સમજ છે. ઉમેદવારનું મહત્વ પૂરેપૂરું નકારવા સામે બનાસકાંઠાનું ઉદાહરણ ઊભું છે. 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનાં ગેનીબેન ઠાકોરે ભાજપનાં રેખાબેન ચૌધરીને હરાવ્યાં. એક પરિણામથી સમગ્ર રાજ્યની દિશા નક્કી થતી નથી પરંતુ તે એટલું જરૂર દર્શાવે છે કે ભાજપનું કમળ દરેક બેઠક પર જીતની ખાતરી નથી. સ્થાનિક સ્વીકાર્યતા અને ઉમેદવારનું કામ પણ પક્ષના વર્ચસ્વ વચ્ચે પણ અસર કરી શકે છે. મતદાર ક્યારેક પક્ષની સામાન્ય પસંદગીથી જુદો નિર્ણય પણ લે છે.
ભૂતકાળ પણ અતિશય આત્મવિશ્વાસ સામે ચેતવે છે. 2017માં ભાજપ 99 બેઠકો પર રહ્યો હતો અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. પાંચ વર્ષ પછી ચિત્ર ઘણું બદલાયું. તેનો અર્થ ગુજરાતનો મતદાર એક જ પ્રમાણમાં અને એક જ કારણસર મત આપતો નથી. સામાજિક પરિસ્થિતિ અને સ્થાનિક મુદ્દાઓ ચૂંટણીની સ્પર્ધા બદલી શકે છે. ગઈ ચૂંટણીની બહુમતી આગામી ચૂંટણી માટે અનુકૂળ અવકાશ આપે છે પરંતુ પરિણામ પર કાયમી અધિકાર આપતી નથી.
આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ નવા યુવા શિક્ષિત ચહેરા ઉતારે તો તેમની જીતની શક્યતા મજબૂત હોવાનું હાલના આધાર પરથી કહી શકાય. પક્ષનો મતાધાર અને વિપક્ષની મુશ્કેલીઓ આ ધારણાને ટેકો આપે છે. પરંતુ કેટલા ઉમેદવારો બદલાશે અને કઈ બેઠક પર કેવી સ્પર્ધા થશે તે સ્પષ્ટ થયા વિના નિશ્ચિત ચર્ચા કરવી યોગ્ય નથી. રાજ્યમાં પક્ષનું વર્ચસ્વ અને બેઠક પરની લડતને અલગ જોઈ શકવું જ ગંભીર રાજકીય વિશ્લેષણની જરૂરિયાત છે. ગુજરાતનું વર્તમાન રાજકારણ ભાજપને પ્રયોગ કરવા મોટી તક આપે છે. વિપક્ષની નબળાઈ આ જગ્યા વધારે છે છતાં ભાજપની સફળતાને માત્ર સામે કોઈ નથી એટલેથી સમજવી તેના પોતાના મતાધારને ઓછો આંકવા જેવું છે. વધુ સચોટ વાત એ છે કે ગુજરાતમાં અનેક બેઠકો પર ઉમેદવાર કરતાં પક્ષનું વજન વધારે છે. આ વજન નવા ચહેરાને આગળ લઈ જઈ શકે છે પરંતુ મતદારને અવગણવાની છૂટ કોઈને આપતું નથી.