fbpx

અંબાલાલ પટેલે જણાવ્યું- ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ, માવઠાની પણ આગાહી

Spread the love

અંબાલાલ પટેલે જણાવ્યું- ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ, માવઠાની પણ આગાહી

ગુજરાતમાં લોકો સવાર અને સાંજે ગુલાબી ઠંડી તેમજ બપોરના સમયે હળવી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યના હવામાનને લઈને મહત્ત્વની આગાહી કરી છે. તેમના મતે, હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે. આ ઉપરાંત ગ્રહોની સ્થિતિમાં ફેરફારને કારણે 16 નવેમ્બર સુધીમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે.

ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, અંબાલાલ પટેલના જણાવ્યું કે, બંગાળના ઉપસાગરમાં સક્રિય સિસ્ટમ 16 નવેમ્બરની આસપાસ લૉ પ્રેશરમાં પરિવર્તિત થઈ શકે છે. ત્યારબાદ 20 નવેમ્બર સુધીમાં તે ડિપ્રેશનમાં ફેરવાય અને વાતાવરણ સાનુકૂળ રહે તો વાવાઝોડાનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. આ સિસ્ટમની મુખ્ય અસર આંધ્ર પ્રદેશ અને ઓડિશા તરફ રહેવાની શક્યતા છે. જોકે, તેની અસરના ભાગરૂપે ગુજરાતમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે.

Unseasonal rain

ખાસ કરીને 20-27 નવેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં માવઠું થવાની શક્યતાઓ છે. જ્યારે ઉત્તર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો આ આગાહી મુજબ હવામાનમાં ફેરફાર થાય તો કમોસમી વરસાદને કારણે ખેતીના પાક પર પણ તેની અસર પડી શકે છે.

બીજી તરફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. જેના પરિણામે ઠંડીનો ચમકારો ધીમે ધીમે વધશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં રવિ પાક માટે હવામાન વધુ સાનુકૂળ બનતું જોવા મળશે. મહત્તમ તાપમાનમાં ઘટાડો થતાં શિયાળુ પાકના વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઊભું થવાની આશા છે.

kanani

જોકે, ગુજરાતમાં કડકડતી ઠંડીનો અનુભવ કરવા માટે હજુ રાહ જોવી પડશે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ, ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં ઠંડીની શરૂઆત થશે અને જાન્યુઆરી મહિનામાં ઠંડીનું જોર વધશે. એટલે કે નવેમ્બરના અંત સુધી હવામાનમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે, જ્યારે ડિસેમ્બર અંત અને જાન્યુઆરીમાં ગુજરાતમાં ઠંડીનો અસલી ચમકારો અનુભવાઈ શકે છે.

Leave a Reply

error: Content is protected !!