fbpx

દરેક દેશ સ્ટુડન્ટ વીઝાના નિયમો કડક કરી રહ્યા છે, ચિંતા ન કરો, તમે સફળ 10 ટકા વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવી શકો

Spread the love

દરેક દેશ સ્ટુડન્ટ વીઝાના નિયમો કડક કરી રહ્યા છે, ચિંતા ન કરો, તમે સફળ 10 ટકા વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવી શકો

દેશના કાઉન્સેલિંગ રૂમમાં હવે સવાલ બદલાઈ ગયો છે. બે-ત્રણ વર્ષ પહેલાં વાલીઓ પૂછતા હતા કે અભ્યાસ માટે કયો દેશ શ્રેષ્ઠ છે? આજે ઘણા વાલીઓનો સવાલ છે કે વિદેશમાં અભ્યાસ માટે અરજી કરવી પણ ફાયદાકારક રહેશે કે નહીં?

આ ચિંતા પાછળનું કારણ પણ છે. વિદેશ મંત્રાલય સાથે સંકળાયેલા આંકડા મુજબ, વર્ષ 2025માં આશરે 12.54 લાખ ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરી રહ્યા હતા. જોકે, આ વર્ષે તેમની સંખ્યામાં 5.7 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ઘણા વર્ષોમાં પ્રથમ વખત આ પ્રકારનો ઘટાડો જોવા મળ્યો હતો. લગભગ તમામ મુખ્ય દેશોએ પોતાની રીતે સ્ટુડન્ટ વીઝા (Student Visa) મેળવવાની પ્રક્રિયા વધુ મુશ્કેલ બનાવી છે.

03

કેનેડા: ભારતીય વિદ્યાર્થીઓની પહેલી પસંદ રહેલા કેનેડાએ હવે સ્ટડી પરમિટ (Study Permit) પર મર્યાદા નક્કી કરી છે. વર્ષ 2026થી 2028ની યોજના હેઠળ વધુમાં વધુ 4,08,000 પરમિટ આપવાનું આયોજન છે, પરંતુ તેમાંથી માત્ર 1,55,000 નવા વિદ્યાર્થીઓ માટે છે. બાકીના પરમિટ અગાઉથી કેનેડામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના એક્સટેન્શન માટે છે. કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની એન્ટ્રી 2024માં 1,88,125 હતી, જે 2026ના શરૂઆતના મહિનાઓમાં ઘટીને માત્ર 28,350 રહી ગઈ હતી. અગાઉ ઝડપથી પ્રક્રિયા કરવામાં મદદરૂપ થતી સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ બંધ થવાથી પણ અરજી પ્રક્રિયા ધીમી અને અનિશ્ચિત બની છે. ભારતીય કરન્ટ અફેર્સના એક અહેવાલમાં રોયટર્સના હવાલાથી જણાવાયું હતું કે ઓગસ્ટ 2025માં ભારતીય વિદ્યાર્થીઓની  અરજીઓનો અસ્વીકાર દર 74 ટકા હતો.

અમેરિકા: અમેરિકામાં  વીઝા ઇન્ટરવ્યૂની પ્રક્રિયામાં મોટો ફેરફાર જોવા મળ્યો. જૂન અને જુલાઈ 2025માં ભારતીય વિદ્યાર્થીઓને માત્ર 12,776 F-1 વીઝા આપવામાં આવ્યા હતા, જ્યારે એક વર્ષ પહેલાં આ જ સમયગાળામાં આ સંખ્યા 41,336 હતી. એટલે કે લગભગ 69 ટકાનો ઘટાડો.  ઈન્ટરવ્યૂ પ્રક્રિયા અટકાવ્યા બાદ અરજદારોને તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ જાહેર કરવા અને છેલ્લાં પાંચ વર્ષમાં ઉપયોગમાં લીધેલાં તમામ યૂઝરનેમની વિગતો આપવા જણાવાયું હતું. સરકારે સંસદને જણાવ્યું હતું કે અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 3,78,787થી ઘટીને 3,52,644 થઈ છે.

બ્રિટન: બ્રિટને પોતાના દરવાજા બંધ કર્યા નથી. વર્ષ 2025માં સ્ટુડન્ટ વીઝા અરજીઓમાં 7 ટકાનો વધારો થયો હતો. જોકે, 1 જાન્યુઆરી 2027થી ગ્રેજ્યુએટ રૂટ હેઠળ મોટાભાગના બેચલર્સ અને માસ્ટર્સ ડિગ્રી પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને બે વર્ષને બદલે માત્ર 18 મહિનાનો પોસ્ટ સ્ટડી વર્ક વીઝા (Post-Study Work Visa) મળશે.

ઓસ્ટ્રેલિયા: ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2026 માટે 2,95,000 નવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું પ્લાનિંગ લેવલ નક્કી કર્યું છે, જે કોવિડ પછીના સૌથી ઊંચા સ્તર કરતાં 8 ટકા ઓછું છે. ભારતને એવિડન્સ લેવલ 3માં મૂકવામાં આવ્યું છે, જે સૌથી કડક શ્રેણી છે. તેનો અર્થ એ છે કે ભારતીય વિદ્યાર્થીઓએ પોતાની આર્થિક સ્થિતિ અને શૈક્ષણિક લાયકાત અંગે વધુ પુરાવા રજૂ કરવા પડશે.

Photo-(2)

આ સમગ્ર બાબત યોગ્ય સમય અને યોગ્ય ગતિએ આગળ વધવાની છે. રસ્તો થોડો લાંબો બની શકે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે પ્રવાસ અટકાવી દેવો. હકારાત્મક રહો, મહેનત કરતા રહો અને પોતાના કરિયરનાં લક્ષ્ય તરફ આગળ વધતા રહો. જે વિદ્યાર્થીઓ યોગ્ય રીતે તૈયારી કરે છે અને જેમની અરજીઓ સાચી તથા પ્રમાણિક હોય છે, તેમના માટે વીઝા મેળવવાની અને પોતાની પસંદગીના દેશમાં મજબૂત કરિયર બનાવવાની તકો આજે પણ છે.

નિયમો કડક થવા દો, લક્ષ્ય રાખો એ 10 ટકામાં સ્થાન મેળવવાનું

દરેક દેશ પોતાના નિયમો કડક કરી રહ્યો છે. કરવા દો. જો વીઝા મળવાની સંભાવના ઘટીને માત્ર 10 ટકા પણ થઈ જાય, તો આપણું લક્ષ્ય એ 10 ટકા સફળ અરજદારોમાં સ્થાન મેળવવાનું હોવું જોઈએ.

આ પરિણામની કોઈ ગેરંટી નથી. કોઈ કાઉન્સેલર આવી ખાતરી આપી શકે નહીં. અંતિમ નિર્ણય સંબંધિત દેશના વીઝા અધિકારીઓ જ લે છે. પરંતુ આ એક વ્યૂહરચના ચોક્કસ છે.

કડક નિયમોમાં એ જ વિદ્યાર્થીઓ સફળ થાય છે, જેઓ સંપૂર્ણ તૈયારી સાથે અરજી કરે છે. જેમની તમામ પાત્રતા પૂર્ણ હોય છે, જેમની પાસે પોતાની આર્થિક સ્થિતિના સ્પષ્ટ પુરાવા હોય છે, જેમણે પસંદ કરેલા કોર્સ અને ભવિષ્યના કરિયર અંગે નક્કર કારણો રજૂ કર્યાં હોય છે અને જેમના તમામ દસ્તાવેજોમાં એકરૂપતા હોય છે.

10 ટકાની તક ભલે નાની હોય, પરંતુ તે સંપૂર્ણપણે અનિશ્ચિત કે નસીબ આધારિત નથી.

કેવી હોવી જોઈએ તમારી તૈયારી?

વીઝા નામંજૂર થવા અંગેના અહેવાલોમાં વારંવાર કેટલીક સામાન્ય ખામીઓ સામે આવે છે. બેંક ખાતામાં અચાનક મોટી રકમ જમા થવી, સ્પષ્ટ કારણ વગર રોકડ વ્યવહારો થવા, વારંવાર ગોળ આંકડામાં રકમ જમા થવી અને પરિવારની જાહેર કરેલી આર્થિક સ્થિતિ સાથે મેળ ન ખાતાં ફંડ દર્શાવવાં. કોઈ ત્રીજી વ્યક્તિ તરફથી મળતી એવી આર્થિક સહાય, જેનો સ્રોત સ્પષ્ટ ન હોય, તે પણ મુશ્કેલી ઊભી કરી શકે છે.

લોકો શોધો

આનો ઉકેલ ખૂબ જ વ્યવહારુ છે.

– પરિવાર પાસે જમા થતી દરેક મોટી રકમના સ્રોતનો સ્પષ્ટ પુરાવો હોવો જોઈએ.
– આઇટી રીટર્ન અને બેન્ક સ્ટેટમેન્ટ્સમાં દર્શાવેલી આર્થિક સ્થિતિ એકબીજા સાથે મેળ ખાતી હોવી જોઈએ.
– વીઝા અરજી કરતાં થોડા સમય પહેલાં મોટી રકમ જમા કરાવવાનું ટાળવું જોઈએ.
– આઇઇએલટીએસ અથવા અન્ય જરૂરી ભાષાકીય પરીક્ષાઓ, સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ અને દસ્તાવેજોની તૈયારી સમયસર શરૂ કરવી જોઈએ.
– સૌથી મહત્ત્વની વાત, પહેલાં પોતાની કારકિર્દી અને અભ્યાસને અનુરૂપ કોર્સ પસંદ કરો અને ત્યાર બાદ દેશ પસંદ કરો.

02

 જ્યાં નવી તકોનાં દ્વાર ખુલી રહ્યાં છે

દરેક દેશમાં રસ્તા બંધ થઈ રહ્યા નથી. કેટલાક દેશોમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે નવી તકો પણ ઊભી થઈ રહી છે.

જર્મની: 2025-26ના વિન્ટર સેમેસ્ટરમાં જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 69,816 સુધી પહોંચી હતી. આ અત્યાર સુધીનો વિક્રમ છે અને અગાઉના વર્ષની સરખામણીમાં 17.5 ટકાનો વધારો છે. ભારતીય વિદ્યાર્થીઓ હવે જર્મનીમાં સૌથી મોટો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી સમૂહ બની ગયા છે. જોકે, કેટલાક પ્રાઇવેટ અને હાઇબ્રિડ પ્રોગ્રામમાં ફી, દેવું અને વીઝા સંબંધિત જોખમો સમજવા પણ જરૂરી છે.

જાપાન: વર્ષ 2024માં જાપાનમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 1,685 હતી. પરંતુ મે 2025માં જાપાનમાં કુલ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા વધીને વિક્રમી 4,08,069 થઈ હતી. સ્કોલરશિપ્સના માધ્યમથી ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા આશરે 5,000 સુધી પહોંચાડવાની યોજના પણ જાપાને વ્યક્ત કરી છે.

જે વિદ્યાર્થીઓની શૈક્ષણિક લાયકાત, રસ અને કરિયરની યોજના આ દેશોને અનુરૂપ હોય, તેમના માટે આ વિકલ્પો વિદેશમાં અભ્યાસનું સ્વપ્ન પૂરું કરવાના નવા રસ્તા ખોલી શકે છે.

રસ્તો લાંબો થયો છે, મંઝિલ બદલાઈ નથી

વિદેશમાં અભ્યાસને લઈને આવનારા સમયમાં પણ વાલીઓની ચિંતા યથાવત્ રહી શકે છે. પરંતુ મારું માનવું છે કે રસ્તો ચોક્કસ લાંબો થયો છે, મંઝિલ બદલાઈ નથી.

જે વિદ્યાર્થીઓ પોતાના લક્ષ્ય પ્રત્યે પ્રતિબદ્ધ છે, પ્રમાણિકતાથી તૈયારી કરે છે અને બદલાતી પરિસ્થિતિ પ્રમાણે પોતાના વિકલ્પો બદલવા તૈયાર છે, તેઓ આજે પણ વિશ્વના કોઈપણ દેશમાં પોતાના શિક્ષણ અને કરિયરની મજબૂત શરૂઆત કરી શકે છે.

નિયમોથી ડરશો નહીં, તમારી તૈયારીનું સ્તર એટલું ઊંચું રાખો કે તમે એ 10 ટકા સફળ વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવી શકો.

Leave a Reply

error: Content is protected !!