fbpx

ગ્રાહક કમિશનમાં ફરિયાદ થતાં જ વીમા કંપનીનો યુ ટર્ન, વીમેદારના કેન્સર સર્જરીના ક્લેઇમમાંથી કાપી લીધેલા રૂ. 3,49,800 ચૂકવી આપ્યા

Spread the love

ગ્રાહક કમિશનમાં ફરિયાદ થતાં જ વીમા કંપનીનો યુ ટર્ન, વીમેદારના કેન્સર સર્જરીના ક્લેઇમમાંથી કાપી લીધેલા રૂ. 3,49,800 ચૂકવી આપ્યા

સુરત: સુરતમાં રહેતા શિવ શંકર (નામ બદલ્યું છે) એ મુંબઈમાં કરાવેલી કેન્સરની સારવારના ક્લેઇમમાંથી વીમા કંપનીએ ખોટી અને ગેર વ્યાજબી રીતે મોટી રકમ કાપી લીધી હતી જેથી તેમણે વીમા કંપની સામે ગ્રાહક કમિશન સમક્ષ ફરિયાદ કરી કાપી લેવાયેલી રકમ પરત અપાવવા ફરિયાદ દાખલ કરી હતી. જેમાં ગ્રાહક કમિશને વીમા કંપનીને નોટિસ કાઢ્યા બાદ વીમા કંપનીએ ફરિયાદીને ક્લેઇમના ફૂલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ તરીકે ₹3,49,800 ચૂકવી આપતાં વિવાદનું નિવારણ થયું છે.

ફરિયાદી શિવ શંકર (નામ બદલ્યું છે)એ એડવોકેટ શ્રેયસ દેસાઈ, પ્રાચી અર્પિત દેસાઈ અને ઈશાન શ્રેયસ દેસાઈ મારફત ઇન્સ્યોરન્સ કંપની સામે દાખલ કરેલી ફરિયાદની વિગત એવી હતી કે ફરિયાદી વર્ષ 2009થી ‘ફેમિલી હેલ્થ પ્રોટેક્ટર’ આરોગ્ય વીમા પોલિસી ધરાવતા હતા અને દર વર્ષે નિયમિત પ્રીમિયમ ભરી તેને રિન્યુ કરાવતા હતા. તા. 15/12/2024 થી તા. 14/12/2025 સુધીની પોલિસીમાં ₹10,00,000ની વીમા રકમ ઉપરાંત ₹4,70,000નું બોનસ મળી કુલ ₹14,70,000નું વીમા કવચ હતું.

49

ઓગસ્ટ-2025માં પેશાબ સંબંધી તકલીફ થતાં ફરિયાદીએ મુંબઈની હોસ્પિટલમાં સલાહ લીધી હતી, જ્યાં તપાસ દરમિયાન પ્રોસ્ટેટ કેન્સર (Carcinoma Prostate)નું નિદાન થયું હતું. તા. 29/08/2025ના રોજ દાખલ થઈ તા. 30/08/2025ના રોજ તેમની સર્જરી કરવામાં આવી હતી અને તા. 04/09/2025ના રોજ તેમને રજા આપવામાં આવી હતી.

સારવારનો કુલ ખર્ચ ₹8,59,261 થયો હતો. આમ છતાં વીમા કંપનીએ કેશલેસમાં માત્ર ₹3,81,760 મંજૂર કર્યા હતા અને ‘એગ્રીડ ટેરિફ’ મુજબ સર્જરીનું પેકેજ ₹3,60,000નું હોવાનું કારણ આપી બાકીના ₹4,77,501 કાપી લીધા હતા. ફરિયાદીએ આ બાકીની રકમ પોતાના ખિસ્સામાંથી હોસ્પિટલને ચૂકવી ક્લેઇમ કર્યો હતો, પરંતુ વીમા કંપનીએ તા. 24/11/2025ના પત્રથી તે ક્લેઇમ પણ નામંજૂર કર્યો હતો.

ફરિયાદ પક્ષે ફરિયાદમાં લેખિત રજૂઆત કરી હતી કે કહેવાતો ‘એગ્રીડ ટેરિફ’ શું છે, કોની વચ્ચે અને ક્યારે નક્કી થયો તેની કોઈ જાણ ફરિયાદીને ક્યારેય કરવામાં આવી નહોતી. વારંવાર માંગણી છતાં વીમા કંપનીએ પોલિસી શેડ્યૂલ સિવાય પોલિસીના નિયમો-શરતો આપ્યાં નહોતાં, તેથી આવો ટેરિફ ફરિયાદીને બંધનકર્તા ગણી શકાય નહીં. વળી, સારવાર કરનાર હોસ્પિટલે પણ તા. 04/09/2025ના પ્રમાણપત્રમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે સર્જરી માટે કોઈ પેકેજ નક્કી થયેલું નથી અને બિલ વાસ્તવિક ખર્ચ મુજબ બનાવાયું છે. આમ છતાં વીમા કંપનીએ આ હકીકત ધ્યાને લીધી નહોતી.

વીમા કંપનીના આ વર્તનને સેવામાં ખામી અને અનુચિત વેપાર પ્રથા ગણાવી ફરિયાદીએ કાપી લીધેલી રકમ ₹4,77,501 વાર્ષિક 12% વ્યાજ સાથે, શારીરિક-માનસિક ત્રાસ બદલ ₹40,000 વળતર તથા ફરિયાદ ખર્ચની માંગણી કરી હતી.

47

ગ્રાહક કમિશને ફરિયાદ એડમિટ કરી વીમા કંપનીને નોટિસ કાઢ્યા બાદ વીમા કંપનીએ ફરિયાદીને ક્લેઇમના ફૂલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ તરીકે ₹3,49,800 ચૂકવવાની ઓફર કરી હતી. ફરિયાદીએ આ ઓફર સ્વીકારતાં વીમા કંપનીએ તે રકમનું પેમેન્ટ કરી આપ્યું હતું. આમ, ગ્રાહક કમિશનમાં ફરિયાદ કર્યા બાદ લાંબી કાનૂની લડત વિના જ વિવાદનું નિવારણ થયું અને ફરિયાદીને તેમના ક્લેઇમના નાણાં મળ્યાં, જે ગ્રાહક સુરક્ષા ધારાની એક ઉપલબ્ધિ ગણાય.

આ કેસમાં ફરિયાદી તરફે એડવોકેટ શ્રેયસ દેસાઈ, એડવોકેટ પ્રાચી દેસાઈ અને એડવોકેટ ઈશાન દેસાઈ રોકાયા હતા.

Leave a Reply

error: Content is protected !!