
અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં દારૂબંધીના કાયદાના ધજાગરા ઉડાવતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. સરદારનગરમાં નંદીગ્રામ સોસાયટી પાસે આવેલા શિવ બંગ્લોઝમાં યોજાયેલા વાસ્તુપૂજનના પ્રસંગ બાદ રાત્રે દારૂ પાર્ટી કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. દારૂની મહેફિલની ઈસ્ટા સ્ટોરી સોશિયલ મીડિયામાં મૂકવામાં આવી હોવાથી આ મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.
અમદાવાદમાં જાહેરમાં દારૂ પાર્ટીનો કથિત વીડિયો વાયરલ થયો છે. જેમાં લોકો દારૂની મહેફિલ માણતા લોકો નજરે પડે છે. જેમાં મહિલાઓ હાથમાં બિયર લઈને ડાન્સ કરતી અને યુવકો દારૂ-સોડા મિક્સ કરતા વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું છે.
ગુજરાત સમાચારના અહેવાલ મુજબ, અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલી નંદીગ્રામ સોસાયટીના શિવ બંગલોઝમાં ઘરના વાસ્તુ પૂજન પ્રસંગે ખુલ્લેઆમ દારૂની મહેફિલ માણવામાં આવી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે.
વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, મોટી પવાલીમાં બરફ નાખીને લીંબુ કાપીને તેમાં નાખવામાં આવ્યા છે. ત્યારબાદ દારૂની બોટલો ખોલી કરવામાં આવી હતી. દારૂ અને અન્ય કોલ્ડ્રિંક્સ ભેગું કરીને દારૂની મહેફિલની તૈયારી કરી. સાથે જ વીડિયોમાં યુવક-યુવતીઓ ભેગા મળીને ચિયર્સ કરીને પીતા જોવા મળે છે. એક મહિલા સહિત કેટલાક લોકો દારૂને ચાખતા હોવાનું પણ વીડિયોમાં દેખાય છે.
જે પ્રકારે દારૂની મહેફિલ માટે દારૂ બનાવવામાં આવ્યો છે, તે આખા દારૂ બનાવવાની તૈયારીથી લઈ અને પીવા સુધીનો વીડિયો બનાવીને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો. સોશિયલ મીડિયામાં અન્ય એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા હાથમાં બિયરની બોટલ લઈને નાચી રહી છે. ‘તેરે પ્યાર મેં તેરે પ્યાર મેં દિલ ચાહતા હે બસ ભીગે…’ ગીત ઉપર ડાન્સ કરી રહી છે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, આ મામલે ભાજપના ધારાસભ્ય ડૉ. પાયલ કુકરાણીએ જણાવ્યું કે, જે વીડિયો વાયરરલ થયા છે, તે મારા ધ્યાને આવતા તાત્કાલિક ધોરણે સ્થાનિક PI, DCP અને પોલીસ કમિશનરને તાત્કાલિક મોકલીને આ બાબતે એક્શન લેવા જાણ કરી દીધી હતી. સરદારનગર વોર્ડના બક્ષીપંચ મોરચાના પ્રમુખ ત્યાં સોસાયટીમાં રહે છે. તેમણે વાસ્તુ પૂજનના કાર્યક્રમમાં આવવા માટે મને આમંત્રણ આપ્યું હતું. પરિવાર એક્સ આર્મીમેન હોવાથી અને વાસ્તુપૂજનનો ધાર્મિક પ્રસંગ હોવાથી હું ત્યાં બપોરે હાજરી આપવા માટે ગઈ હતી. જોકે, આ વીડિયો સામે આવતાની સાથે તાત્કાલિક ધોરણે તપાસ કરીને પગલાં લેવા માટે જાણ કરી દેવામાં આવી હતી.

F ડિવિઝન ACP રીના રાઠવાએ જણાવ્યું કે, સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દારૂ પાર્ટી અંગેનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં શિવ બંગ્લોઝમાં મકાનમાલિક ધીરજ પરમારના ઘરે 15 નવેમ્બરે વાસ્તુ પૂજનનો કાર્યક્રમ હતો. મહારાષ્ટ્રથી તેમના સગા સંબંધીઓ અને મિત્ર વર્તુળ આવ્યા હતા. વીડિયોમાં દેખાતા તમામ ઇસમો વિરુદ્ધ તપાસ કરીને તેઓ ક્યાંથી અને કેવી રીતે આ મુદ્દામાલ લાવ્યા હતા, તેમની પાસે પરમિટ છે કે કેમ? સહિતના મુદ્દે તપાસ ચાલુ છે.
પોલીસ તપાસ દરમિયાન ધીરજકુમાર પરમારના ઘરેથી આવી કોઈપણ વસ્તુ મળી નથી. આ વીડિયો તેમાં દેખાતા લોકોએ મુંબઈથી પોતાના Instagram અને WhatsApp પર સ્ટેટસ પર મૂક્યું હતું. મકાન માલિકની પ્રાથમિક પૂછપરછમાં તેમણે જણાવ્યું કે, તેમણે વાસ્તુ પૂજનમાં મહેમાનોને બોલાવ્યા હતા, પરંતુ તેમના તરફથી આવું કોઈ આયોજન કરાયું નહોતું. મહેમાનો મહારાષ્ટ્ર કે અન્ય કોઈ જગ્યાએથી આ પ્રકારની વસ્તુ લાવ્યા હોય તેવું બની શકે છે. એક વીડિયોમાં શોકેસ જેવી જે ઈમેજ જેમાં દારૂની બોટલો મૂકેલી દેખાય છે, તેની તપાસ કરી હતી, પરંતુ તપાસ દરમિયાન ત્યાં આવી કોઈ વસ્તુ મળી આવી નથી. વીડિયોમાં દેખાતા લોકો ધીરજ પરમારના કુટુંબીજનો અને સગા-સંબંધીઓ જ છે, એટલે તેઓ પણ આ બાબતે તપાસમાં હાલ અમને પૂરતી જાણકારી આપી રહ્યા છે.

ખુલ્લેઆમ દારૂ પીને તેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવતા સરદારનગર પોલીસ હરકતમાં આવી છે. આ સમગ્ર ઘટના અંગે સરદારનગર પોલીસ સ્ટેશનના PIએ જણાવ્યું હતું કે, ‘દારૂ પાર્ટીનો વાયરલ વીડિયો તેમના ધ્યાને આવ્યો છે અને આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસે વીડિયોના આધારે મહેફિલમાં સામેલ લોકોની ઓળખ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.’