fbpx

‘મુંબઈમાં મારી સામે 32 કેસ હતા, છતા બધામાં મને છોડી દેવો પડ્યો કારણ કે..’, સ્નેહમિલન સમારોહમાં મંત્રી પરસોત્તમ સોલંકીનું નિવેદન

Spread the love
‘મુંબઈમાં મારી સામે 32 કેસ હતા, છતા બધામાં મને છોડી દેવો પડ્યો કારણ કે..’, સ્નેહમિલન સમારોહમાં મંત્રી પરસોત્તમ સોલંકીનું નિવેદન

22 નવેમ્બરે કોળી સમાજના દિગ્ગજ નેતા અને ગુજરાતના મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકી દ્વારા ભવ્ય સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે ભાવનગર-બોટાદના સાંસદ નિમુબેન બાંભણિયા, ઉદ્યોગ જગતના મહાનુભાવો સહિત જિલ્લાભરમાંથી કોળી સમાજના આગેવાનો, યુવાનો અને રાજકીય-સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

નાદુરસ્ત તબિયત હોવા છતાં સમાજ પ્રત્યેની લાગણીને વશ થઈને પરસોત્તમભાઈએ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી અને પોતાના આગવા અંદાજમાં વિરોધીઓને રોકડું પરખાવ્યું તું કે, હું વાતો કરવામાં નહીં પણ કામ કરીને દેખાડવામાં માનું છું. 30 વર્ષથી મંત્રી હોવા છતા મેં ક્યારેય કોઈની પાસે મંત્રીપદ માંગ્યું નથી; આપે તો ઠીક, ન આપે તો પાછા આપણા મલકમાં આવી જવાનું. વચનો આપવા કરતા બહેનો-દીકરીઓ અને ગરીબોના આશીર્વાદ મેળવવા વધુ જરૂરી છે.

તેમણે કહ્યું કે, આજદિન સુધી એવી કોઈ પરિસ્થિતિ આવી નથી અને ભવિષ્યમાં આવશે તો પણ હું પાછી પાની કરવાનો નથી. ઘણા લોકોએ મને તલવારો ભેટમાં આપી છે, પરંતુ તેમને કહી દઉં છું કે આ તલવારો મેં એમ ને એમ નથી રાખી, જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ પણ કરું છું. આ વાતમાં જેને જે સમજવું હોય તે સમજી લે. તેમણે ઉમેર્યું હતું કે, પરસોત્તમ સોલંકીએ સફેદ કપડાં તમારા માટે પહેર્યાં છે, બાકી મારા જૂના ફોટા જોઈ લેજો જેમાં હું કાળા કપડાં પહેરીને ફરતો હતો. જોકે જાહેર જીવનમાં અમુક મર્યાદાઓનું પાલન કરવું પડતું હોય છે.

parsottam solanki

સોલંકીએ કહ્યું કે, ઘણા લોકો અહીં આવીને માત્ર દૂરથી સીતારામ કરી ભાષણો કરીને જતા રહે છે અને પછી કામ માટે શોધે તો દેખાતા પણ નથી. માત્ર ભાષણો કરવાથી કોઈનું ભલું થવાનું નથી, જ્યાં ભાષણ કરો ત્યાં કામ કરીને જાઓ. પોતાની પ્રામાણિકતાનો દાખલો આપતાં તેમણે પડકાર ફેંક્યો હતો કે, અહીં બેઠેલા લોકોમાંથી કોઈ એક વ્યક્તિ પણ બતાવે કે મેં કોઈની પાસેથી એક રૂપિયો ખાધો છે કે હડપ કર્યો છે. દીવમાં મારી થ્રી-સ્ટાર હોટેલ છે અને મુંબઈમાં બિલ્ડિંગનો બિઝનેસ છે, આ બધું ટૂંકાવીને હું તમારી વચ્ચે રહું છું કારણ કે હું અહીં પૈસા કમાવવા આવ્યો નથી.

પોતાના જૂના દિવસો અને કાર્યશૈલીનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, મુંબઈમાં મારી સામે 32 કેસ હતા, છતા બધામાં મને છોડી દેવો પડ્યો કારણ કે હું ક્યાંય પકડાતો જ નથી! કોઈને પણ તકલીફ પડે તો વટથી મારી પાસે આવજો, તમારું કામ ક્યાં અને કેવી રીતે થઈ જશે તેની કોઈને ખબર પણ નહીં પડે. આ માટે મર્દાનગી અને તાકાત જોઈએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેવા મર્દ નેતાઓ દેશ અને રાજ્યમાં કામ કરીને બતાવી રહ્યા છે, ત્યારે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારો ભાઈ અહીં બેઠો છે, અડધી રાત્રે પણ હાકલ કરશો તો હાજર થઈને કામ કરી બતાવીશ.

parsottam solanki

સંબોધનના અંતે પરસોત્તમભાઈએ સૌની પ્રગતિ અને સુખાકારી માટે ભગવાન તથા માતાજીને પ્રાર્થના કરી હતી. પોતાની નાદુરસ્ત તબિયત અંગે ભાવુક થતા તેમણે કહ્યું હતું કે, અત્યારે મારી તબિયત ખૂબ ખરાબ છે, તેમ છતાં માત્ર તમારા પ્રેમને કારણે હું લંગડાતો-લંગડાતો અહીં આવ્યો છું. ભગવાનની કૃપાથી એકાદ-બે મહિનામાં હું ફરી સાજો થઈને દોડતો થઈ જઈશ અને ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં ક્યાંય કોઈને તકલીફ ન પડે તે માટે સતત પ્રયત્નશીલ રહીશ. હું ખાલી વાતો નથી કરતો, કામ કરીને પણ બતાવું છું. હું વચનો આપનારો નહીં પણ કામ કરનારો માણસ છું. 30 વર્ષ સુધી મિનિસ્ટર બનાવજો એવું મેં કોઈને કહ્યું નથી, મંત્રી બનાવે તો ઠીક નહીં તો આપણા મલકમાં પાછા.

દ્વારકાના ભાજપના ધારાસભ્ય પબુભા માણેકે કોળી સમાજનો મુખ્યમંત્રી હોવાની વાત કરતા જ ગુજરાતના રાજકારણમાં વગર ચૂંટણીએ ગરમાવો આવી ગયો છે. કોળી સમાજના દિગ્ગજ નેતા પરસોત્તમ સોલંકીએ પબુબાના નિવેદનને સમર્થન આપ્યું તો નાના ભાઈ હીરા સોલંકીએ કહ્યું- ભાઈએ જે કહ્યું તે બરાબર છે. સમાજને હજી મોટું મળવું જોઈએ. તેની વચ્ચે હવે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની એન્ટ્રી થઈ છે. રાજકોટમાં તળપદા કોળઈ સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં કુંવરજી બાવળિયાએ કહ્યું કે, મુખ્યમંત્રી અને મંત્રીનો નિર્ણય કોઈ સમાજનો નહીં પણ હાઈકમાન્ડનો હોય છે.

Leave a Reply

error: Content is protected !!