
ભારતમાં iPhone હાલમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. શરૂઆતમાં તહેવારોની મોસમ દરમિયાન વેચાણ ઓછું હતું, અને હવે ત્રિમાસિક આંકડા એપલને નિરાશ કરી રહ્યા છે. પ્રો મેક્સ પણ નિરાશાજનક છે કારણ કે તેનો હરીફ સેમસંગ સ્માર્ટફોન માર્કેટમાં નંબર વન બની ગયો છે. સેમસંગે 10 ક્વાર્ટર પછી ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં પોતાનું ટોચનું સ્થાન પાછું મેળવ્યું છે અને જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં શિપમેન્ટમાં વધારો નોંધાવનાર ટોચના 10 બ્રાન્ડ્સમાં એકમાત્ર બ્રાન્ડ છે. જ્યારે, એપલના iPhone શિપમેન્ટમાં 25 ટકાનો ઘટાડો થયો છે.

જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં એપલના શિપમેન્ટમાં વાર્ષિક 25 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે, એપલે આ ક્વાર્ટરમાં આશરે 37 લાખ iPhone મોકલ્યા, જે ગયા વર્ષના આ જ સમયગાળામાં તેના રેકોર્ડ 50 લાખ યુનિટથી નીચે છે. 13 લાખ ઓછા યુનિટ મોકલ્યા હોવા છતાં, કંપની ભારતીય બજારમાં ચોથા સ્થાને સરકી ગઈ છે, કારણ કે અન્ય સ્માર્ટફોન બ્રાન્ડ્સ વધુ ખરાબ સ્થિતિમાં છે. જોકે, અમેરિકન કંપની માટે એક સારી વાત એ છે કે, ક્વાર્ટરમાં તેના કુલ શિપમેન્ટમાં iPhone 18 Pro અને Pro Maxનો હિસ્સો 30 ટકાથી વધુ હતો. આનો અર્થ એ થયો કે પ્રીમિયમ સેગમેન્ટ પ્રભુત્વ ધરાવતું રહ્યું.
IDC એપલના શિપમેન્ટમાં ઘટાડાનું કારણ iPhone 15, 16 અને 17 સિરીઝની ઉપલબ્ધતામાં ઘટાડો, જૂના મોડેલો પર ઓછું ડિસ્કાઉન્ટ આપવું અને સપ્ટેમ્બર લોન્ચની આસપાસ કિંમતમાં વધારો થવાને ગણાવે છે. હકીકતમાં સપ્ટેમ્બરમાં, Appleએ તેના સૌથી પ્રખ્યાત મોડલ iPhone 17ની કિંમત રૂ. 82,000થી વધારીને રૂ. 1,00,000 કરી હતી. iPhone 15 અને 16ની કિંમતોમાં પણ રૂ. 10,000નો વધારો કર્યો હતો. આ ભારતમાં સૌથી મોટા E-કોમર્સ વેચાણનો સમય છે, અને વપરાશકર્તાઓ ભારે ડિસ્કાઉન્ટ પર iPhone ખરીદવા માટે મહિનાઓ સુધી રાહ જુએ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, વપરાશકર્તા આધાર રૂ. 50,000થી રૂ. 60,000માં iPhone ખરીદવા માટે ટેવાઈ ગયો છે. જો કે, જ્યારે આ વર્ષે iPhone 17 રૂ. 80,000થી નીચે વેચાયો નહીં, ત્યારે વેચાણમાં ઘટાડો થયો.

માર્કેટ રિસર્ચ ફર્મ IDCના ડેટા અનુસાર, સેમસંગે સતત 10 ક્વાર્ટર પછી ભારતના સ્માર્ટફોન માર્કેટમાં ચાઇનીઝ સ્માર્ટફોન ઉત્પાદક Vivoને પાછળ છોડીને ટેબલ-ટોપર બન્યું છે. ભારતના ટોચના 10 સ્માર્ટફોન બ્રાન્ડ્સમાં સેમસંગ એકમાત્ર ઉત્પાદક હતો જેણે શિપમેન્ટ વૃદ્ધિ નોંધાવી હતી, જેમાં વોલ્યુમમાં 7.9 ટકાનો વધારો થયો હતો. IDCના જણાવ્યા મુજબ, તેનો બજાર હિસ્સો એક વર્ષ પહેલા 12.6 ટકાથી વધીને 17.7 ટકા થયો હતો. જોકે, એકંદર સ્માર્ટફોન શિપમેન્ટમાં 23.3 ટકાનો ઘટાડો થયો હતો, જે એક દાયકામાં સૌથી નબળા તહેવાર-ક્વાર્ટરના સ્તરે પહોંચ્યો હતો. એવું માનીએ તો એકંદરે, સ્માર્ટફોન બજારમાં જ ઘટાડો થયો હતો.
મિડ-રેન્જથી પ્રીમિયમ મિડ-રેન્જ સેગમેન્ટમાં મજબૂત હાજરી ધરાવતી ચીની સ્માર્ટફોન ઉત્પાદક Vivo બીજા સ્થાને સરકી ગઈ હતી, જેમાં શિપમેન્ટમાં 29.9 ટકાનો ઘટાડો થયો હતો અને તેનો બજાર હિસ્સો 16.8 ટકા હતો. દરમિયાન, Oppo 26.5 ટકાના ઘટાડા છતાં ત્રીજા સ્થાને રહી હતી. ભારતમાં કુલ સ્માર્ટફોન શિપમેન્ટ 23.3 ટકા ઘટીને 3.68 કરોડ યુનિટ થયું હતું, જે 10 વર્ષમાં સૌથી નબળું તહેવારના સમયનું ત્રિમાસિક હતું.

100 ડૉલરથી ઓછી કિંમતના સેગમેન્ટમાં સૌથી તીવ્ર ઘટાડો જોવા મળ્યો, જેમાં શિપમેન્ટ 90.9 ટકા ઘટીને 7,00,000 યુનિટ થયું. આ સેગમેન્ટનો બજાર હિસ્સો એક વર્ષ પહેલા 16.2 ટકાથી ઘટીને 1.9 ટકા થયો. મેમરી સમસ્યાઓના કારણે 10,000 રૂપિયાથી ઓછી કિંમતે બજારમાં 5G ફોન મળવાનું વધુ મુશ્કેલ બન્યું છે, જેના કારણે 4G ફોન પાછા આવી રહ્યા છે.
IDCનો અંદાજ છે કે, ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં આ મંદી વધુ ઘેરી બની શકે છે, જેમાં સસ્તા હેન્ડસેટની ઇન્વેન્ટરીમાં ઘટાડો થવાને કારણે શિપમેન્ટમાં વાર્ષિક ધોરણે 25 ટકાથી વધુ ઘટાડો થવાનો અંદાજ છે.