
મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લામાં પતિના અનૈતિક સંબંધની શંકા રાખીને એક મહિલાએ તેના પતિની 35 વર્ષીય મહિલા મિત્રની હત્યા કરવા માટે 13 લાખ રૂપિયાની સોપારી આપી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે આ હત્યાકાંડની મુખ્ય સૂત્રધાર એવી મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે આરોપીઓ હજુ ફરાર છે.
મૃતક વર્ષા તુરકર પૂણે એરપોર્ટ પર એર ઈન્ડિયામાં કામ કરતી હતી. 14 નવેમ્બરના રોજ મોટરસાઇકલ પર આવેલા ત્રણ હુમલાખોરોએ છરીના ઘા ઝીંકીને તેની હત્યા કરી નાખી હતી. શરૂઆતમાં જંગલના વેરાન વિસ્તારમાં લૂંટના ઈરાદે આ હુમલો થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ પોલીસ તપાસમાં 13 લાખ રૂપિયાની સોપારી આપીને કરાયેલી હત્યાના કાવતરાનો પર્દાફાશ થયો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, 41 વર્ષીય મોના અગ્રવાલને તેના પતિ નિતેશ અગ્રવાલ અને મૃતક વર્ષા વચ્ચે અનૈતિક સંબંધ હોવાની શંકા હતી. આ શંકાના કારણે તેણે વર્ષાને રસ્તામાંથી હટાવવાનું કાવતરું ઘડ્યું હતું અને તેની હત્યા માટે 13 લાખ રૂપિયાની સોપારી નક્કી કરી હતી.
પોલીસે જણાવ્યું કે, મોનાએ આ કામ માટે તેના 31 વર્ષીય પડોશી કુણાલ શ્યામલાલ કુંભલકરનો સંપર્ક કર્યો હતો, જેણે ત્યારબાદ 33 વર્ષીય શાહરૂખ ખાન ફિરોઝ ખાન પઠાણનો સંપર્ક સાધ્યો હતો. શાહરૂખે હત્યાને અંજામ આપવા માટે ત્રણ યુવકોની નિમણૂક કરી હતી.
14 નવેમ્બરના રોજ વર્ષા તુરકર તેના વર્ષો જૂના પરિચિત નિતેશ સાથે ગોંદિયાથી લગભગ 30 કિલોમીટર દૂર તિરોડા ફરવા ગઈ હતી. સાંજના સમયે પરત ફરતી વખતે બંને બોંદરાની જંગલ વિસ્તારમાં આવેલા એક શિવ મંદિર પાસે રોકાયા હતા. આ દરમિયાન મોટરસાઇકલ પર આવેલા ત્રણ શખ્સોએ વર્ષા પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો અને તેના પેટ તથા પીઠના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતા.

ગંભીર રીતે ઘાયલ વર્ષાને તાત્કાલિક નજીકના મધ્ય પ્રદેશ સરહદે આવેલી સરકારી ગ્રામીણ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. શરૂઆતમાં નિતેશે પોલીસને જણાવ્યું હતું કે અજાણ્યા લૂંટારુઓએ તેમના પર હુમલો કર્યો હતો. જોકે, વર્ષાની સોનાની ચેઈન અને અન્ય દાગીના સલામત મળી આવતા તપાસકર્તાઓને લૂંટની થિયરી પર શંકા ગઈ હતી. હુમલાની આસપાસના સંજોગોની ઝીણવટભરી તપાસ કરતા પોલીસને આ હુમલો પૂર્વયોજિત હોવાની આશંકા પ્રબળ બની હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે નિતેશ જે કાર ચલાવી રહ્યો હતો તે તેની પત્ની મોનાના નામે રજિસ્ટર્ડ હતી. તપાસકર્તાઓના જણાવ્યા મુજબ, મોનાએ હુમલાખોરોના મોબાઈલ ફોનમાં વાહનની ‘ટોયોટા આઈ-કનેક્ટ’ GPS એપ્લિકેશનના લોગિન આઈડી-પાસવર્ડ એક્ટિવેટ કરી આપ્યા હતા, જેના કારણે હુમલાખોરો દૂર બેઠા કારનું લાઈવ લોકેશન ટ્રેક કરી શકતા હતા. આ ટેકનોલોજીની મદદથી હુમલાખોરો નિતેશ અને વર્ષાનો પીછો કરી રહ્યા હતા. જેવી કાર વેરાન બોંદરાની જંગલ વિસ્તારમાં રોકાઈ, કે તરત જ ત્રણેય શખ્સો ત્યાં પહોંચી ગયા અને મહિલા પર હુમલો કરી દીધો.

ગોંદિયા પોલીસે ઘટનાસ્થળને તિરોડા, ખૈરલાંજી, વારાસિવની, બાલાઘાટ અને ગોંદિયા સાથે જોડતા માર્ગો પર લાગેલા અંદાજે 200 જેટલા CCTV કેમેરાના ફૂટેજની તપાસ કર્યા બાદ આ કેસમાં મોટી સફળતા મળી હતી. ફૂટેજમાં મોટરસાઇકલ પર સવાર ત્રણ શખ્સો નિતેશની કારનો પીછો કરતા હોવાનું સ્પષ્ટ દેખાયું હતું.
આ કડીના આધારે પોલીસે 19 નવેમ્બરના રોજ ગોંદિયામાંથી 26 વર્ષીય આરોપી ઈમરાન કરીમ શેખની અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે સમગ્ર કાવતરાની વિગતો ઓકી નાખી હતી. આ મામલે અત્યાર સુધીમાં કુલ ચાર આરોપીઓ— મોના અગ્રવાલ, કુણાલ કુંભલકર, શાહરૂખ પઠાણ અને ઈમરાન શેખની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય બે આરોપીઓ 24 વર્ષીય નલેન ઉર્ફે નયલા શેખ અને 19 વર્ષીય ક્રિશ રાઉત ફરાર છે.
લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર સેલના સંયુક્ત ઓપરેશનમાં આ ધરપકડો કરવામાં આવી છે. પોલીસ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે શોધખોળ ચલાવી રહી છે અને કાવતરાના અન્ય પાસાઓની પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.