
નિતેશ તિવારીની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘રામાયણ’ તેની રીલિઝ પહેલા જ ચર્ચામાં આવી ગઈ છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામના રૂપમાં, સાઈ પલ્લવી માતા સીતાના રૂપમાં અને યશ રાવણના રૂપમાં જોવા મળશે. ફિલ્મના ટીઝર અને તેમાં સીતાના લુકને લઈને પહેલેથી જ ઘણી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. હવે, ફિલ્મમાં સીતાને તલવારબાજી કરતા અને અસુરો સામે લડતા બતાવવાને લઈને એક નવો વિવાદ ઊભો થયો છે.
કેટલાક લોકોને આ અંદાજ પસંદ આવ્યો નથી અને સવાલ ઉઠાવ્યા કે આખરે માતા સીતાને યોદ્ધા તરીકે કેમ બતાવવામાં આવી રહ્યા છે. જાણીતા લેખક અમીશ ત્રિપાઠી હવે આ બહેસમાં કૂદી પ઼ડ્યા છે. તેમણે સીતાના આ ‘યોદ્ધા અવતાર’નો બચાવ કરતા એવી વાત કહી છે, જેનાથી આ ચર્ચા વધુ રસપ્રદ બની ગઈ છે.
‘સીતા: વોરિયર ઓફ મિથિલા’ જેવા બેસ્ટસેલર પુસ્તક લખી ચૂકેલા અમીશ ત્રિપાઠીનું કહેવું છે કે સીતાને યોદ્ધા તરીકે દર્શાવવી એ કોઈ નવી કલ્પના નથી; તેની પાછળ રામાયણનું એક પ્રાચીન સંસ્કરણ છે. એક ઈન્ટર્વ્યૂમાં અમીશે ‘અદ્ભુત રામાયણ’નો ઉલ્લેખ કર્યો. તેમના જણાવ્યા અનુસાર, આ સંસ્કરણમાં સીતા માત્ર ત્યાગ અને ધીરજનું પ્રતીક જ નથી, પરંતુ એક શક્તિશાળી યોદ્ધા તરીકે પણ દર્શાવવામાં આવ્યા છે.

અમીશે જણાવ્યું કે, ‘અદ્ભુત રામાયણ’માં રાવણના એક એવા સ્વરૂપનો ઉલ્લેખ છે, જે સામાન્ય રાવણ કરતાં પણ વધુ શક્તિશાળી હતો. આ રાવણનો વધ માતા સીતાએ જ કર્યો હતો. લેખકનું કહેવું છે કે આ સંસ્કરણમાં સીતાનું આ યોદ્ધા સ્વરૂપ પહેલેથી જ ઉપસ્થિત છે અને તેને ફિલ્મ નિર્માતાઓની નવી શોધ ન કહી શકાય.
નિતેશ તિવારીની ‘રામાયણ’માં સીતાની ભૂમિકા ભજવી રહેલી સાઈ પલ્લવીને તલવારબાજી કરતા અને અસુરો સામે લડતા બતાવવા પર કેટલાક લોકોએ આપત્તિ દર્શાવી હતી. અભિનેતા મુકેશ ખન્નાએ પણ આ ચિત્રણ પર સવાલ ઉઠાવ્યા છે. તેમનું માનવું છે કે માતા સીતાને યોદ્ધા તરીકે બતાવવા યોગ્ય નથી. પરંતુ, અમીશ ત્રિપાઠી આ વિચાર સાથે સહમત હોય તેવું લાગતું નથી.
તેમણે કહ્યું કે આપણી શિક્ષણ વ્યવસ્થામાં રામાયણ અને મહાભારતના તમામ વિવિધ સંસ્કરણો બાબતે વાંચતા નથી. આ કારણે લોકોને આ ગ્રંથોના અલગ-અલગ રૂપોની જાણકારી નથી. તેમણે જણાવ્યું કે ઋષિ વાલ્મીકિના નામે ‘અદ્ભુત રામાયણ’ અને ‘આનંદ રામાયણ’ જેવાં સંસ્કરણો પણ અસ્તિત્વમાં. એવામાં, સીતાના યોદ્ધાના રૂપને સંપૂર્ણપણે નવું કે કાલ્પનિક ગણવું યોગ્ય નહીં હોય.

અમીશ ત્રિપાઠીએ ન માત્ર સીતાના પાત્ર પર વાત કરી; પરંતુ રામાયણ અને મહાભારતના ઐતિહાસિક પાસાઓ વિશે પણ પોતાનો દૃષ્ટિકોણ રજૂ કર્યો. તેમનું માનવું છે કે આ બંને મહાકાવ્યોની મુખ્ય ઘટનાઓ વાસ્તવમાં બની હોવાના એવા પૂરતા પુરાવા છે. જોકે સમય જતા તેમાં કદાચ કેટલીક કાલ્પનિક બાબતો પણ ઉમેરાઈ ગઈ હોઈ શકે છે.
પોતાની વાતને સમજાવવા માટે તેમણે ગ્રીક મહાકાવ્ય ઓડિસી અને ટ્રોયનું ઉદાહરણ આપ્યું. અમીશના જણાવ્યા અનુસાર, યુરોપમાં એક સમયે હોમરની કહાનીઓને માત્ર કાલ્પનિક માનવામાં આવતી હતી; પરંતુ 19મી સદીમાં ટ્રોય નગરની શોધ બાદ ટ્રોજન યુદ્ધની મુખ્ય ઘટનાઓને લઇને નવી ચર્ચા શરૂ થઈ. તેમનું કહેવું હતું કે કોઈ કહાનીમાં જાદુઈ કે કાલ્પનિક તત્વો હોવાનો અર્થ એ નથી કે તેની મૂળ ઘટનાઓ પણ કાલ્પનિક હોય.
કોણ છે અમીશ ત્રિપાઠી?
અમીશ ત્રિપાઠી ભારતના સૌથી જાણીતા લેખકોમાંથી એક છે, ભારતીય પૌરાણિક કથાઓને નવા અંદાજમાં રજૂ કરવા માટે તેમની અલગ ઓળખ છે. ‘ધ ઈમ્મોર્ટલ્સ ઓફ મેલુહા’, ‘ધ સિક્રેટ ઓફ ધ નાગાસ’, ‘ધ ઓથ ઓફ ધ વાયુપુત્રાસ’, ‘સીતા: વોરિયર ઓફ મિથિલા’ અને ‘રાવણ: એનિમી ઓફ આર્યાવર્ત’ તેમના ચર્ચિત પુસ્તકો છે. ખાસ વાત એ છે કે, તેમણે પોતાના પુસ્તક ‘સીતા: વોરિયર ઓફ મિથિલા’માં પણ સીતાના એક મજબૂત અને સાહસ રૂપ સામે રાખ્યું હતું.