દેશના ગરીબ વર્ગને મફત સારવાર આપવા માટે શરૂ કરવામાં આવેલી આયુષ્માન યોજનામાં મોટા ફેરફારોની તૈયારીઓ ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે, હવે મધ્યમ વર્ગના કેટલાક લોકોને પણ આ યોજનાનો લાભ મળશે. સ્વાસ્થ્ય મંત્રાલયની સમિતિ ટૂંક સમયમાં યોજનામાં ફેરફાર સૂચવશે.
આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય (આયુષ્માન) યોજનાના અમલને પાંચ વર્ષ વીતી ગયા છે. અત્યાર સુધીમાં દેશના લગભગ 10 કરોડ લોકોને તેનો લાભ મળ્યો છે. 5 લાખ સુધીની મફત સારવારની સુવિધા આપતી આ યોજના ગરીબ વર્ગના લોકો માટે ખૂબ જ ઉપયોગી છે. તેથી, 5 વર્ષ વીતી ગયા પછી, સરકારે આ યોજનામાં મોટા ફેરફારોની તૈયારી કરી છે. આવનારા સમયમાં આયુષ્માન યોજનાનો વ્યાપ અને તેની પેકેજ સિસ્ટમ સંપૂર્ણપણે બદલાઈ જશે. આ અંતર્ગત એવું માનવામાં આવે છે કે, એક ચોક્કસ વય મર્યાદા પછી, અમીર અને ગરીબ દરેકને આ લાભ આપવામાં આવશે.
હકીકતમાં, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ યોજનામાં વધુ સુધારાની હિમાયત કરી છે. આ માટે નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ડૉ. V.K. પૉલની અધ્યક્ષતામાં એક સમિતિની રચના પણ કરવામાં આવી હતી. આ કમિટી જલ્દી જ પોતાનો રિપોર્ટ અને ભલામણો સ્વાસ્થ્ય મંત્રાલયને સુપરત કરશે અને તેના આધારે પ્લાનમાં ફેરફાર માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવશે. એવો અંદાજ છે કે કમિટી ટૂંક સમયમાં પોતાનો રિપોર્ટ સોંપવા જઈ રહી છે.
એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, હવે આયુષ્માન યોજના હેઠળ દેશની વધુને વધુ હોસ્પિટલોને જોડવામાં આવશે. નાના શહેરોની હોસ્પિટલોને પણ આમાં સામેલ કરવામાં આવશે, જેથી લોકોને ઝડપથી સારવારની સુવિધા મળી શકે. આ સિવાય યોજનાની પેકેજ સિસ્ટમમાં સુધારો કરવાની તૈયારીઓ ચાલી રહી છે. હાલમાં આ યોજના હેઠળ 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવી રહી છે, પરંતુ તેનો વ્યાપ વધારી પણ શકાય છે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આ રેન્જ 7 થી 10 લાખ સુધી વધારી શકાય છે.
યોજના હેઠળ, હોસ્પિટલના બિલની તાત્કાલિક ચુકવણી માટે એક નવી સિસ્ટમ પણ વિકસાવવામાં આવશે. રિપોર્ટ આવ્યા પછી નક્કી કરવામાં આવશે કે, કઈ પ્રકારની પેમેન્ટ સિસ્ટમ વિકસાવવી જોઈએ, જેનાથી બિલ સરળતાથી સેટલ થઈ શકે. આ ઉપરાંત યોજનાનો વ્યાપ વધારવા જેવા મુદ્દાઓ પર પણ વાતચીત ચાલી રહી છે.
યોજનામાં સૌથી મોટો ફેરફાર વૃદ્ધો માટે થવાની શક્યતા છે. એવું માનવામાં આવે છે કે, 70 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય વૃદ્ધોને મફત સારવારની સુવિધા પૂરી પાડવાનો છે. તેથી આવકને બદલે માત્ર ઉંમરના આધારે સારવાર આપવામાં મોટો ફેરફાર થઈ શકે છે. ત્યારે મધ્યમ વર્ગના વડીલોને પણ તેનો લાભ મળશે.