fbpx

10 વર્ષમાં 5000 કેસ, માત્ર 40ને સજા! સુપ્રીમ કોર્ટને EDની તપાસ પદ્ધતિ પર આશ્ચર્ય

Spread the love

સુપ્રીમ કોર્ટે બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને મની લોન્ડરિંગના કેસોમાં તપાસ એજન્સીના નીચા સજા આપવાના દર તરફ ધ્યાન દોરતા, તેની કાર્યવાહી અને પુરાવાની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું. ગૃહ મંત્રાલય દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલા ડેટાના આધારે સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી છે.

જસ્ટિસ સૂર્યકાંત, દીપાંકર દત્તા અને ઉજ્જલ ભુઇયાની બેન્ચે ED કેસોના ડેટા પર સંસદમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપેલા નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું, ‘તમારે કાર્યવાહી અને પુરાવાની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. એ તમામ કેસોમાં જ્યાં તમે સંતુષ્ટ છો કે પ્રથમદર્શી કેસ કરવામાં આવ્યો છે, તમારે તે કેસોને કોર્ટમાં સાબિત કરવાની જરૂર છે. 10 વર્ષમાં નોંધાયેલા 5000 કેસમાંથી 40માં દોષિત ઠેરવવામાં આવ્યા છે. હવે કલ્પના કરો.’

છત્તીસગઢના ઉદ્યોગપતિ સુનીલ કુમાર અગ્રવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણીઓ આવી. કોલસા પરિવહન પર ગેરકાયદે વસૂલાત સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સુનીલની ધરપકડ કરવામાં આવી હતી.

બેન્ચે ED તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ SV રાજુને કહ્યું, ‘આ કેસમાં તમે કેટલાક સાક્ષીઓના નિવેદનો અને એફિડેવિટની મદદ લઈ રહ્યા છો. આ પ્રકારના મૌખિક પુરાવા, આવતીકાલે ભગવાન જાણે, તે વ્યક્તિ તેને વળગી રહેશે કે નહીં. તમારે કેટલાક નક્કર પુરાવા આધારિત તપાસ કરવી જોઈએ.’

મની લોન્ડરિંગ કેસમાં EDની તપાસ આવકવેરા વિભાગની ફરિયાદ પછી આવી હતી, જે વિભાગ દ્વારા જૂન 2022માં પાડવામાં આવેલા દરોડા પછી દાખલ કરવામાં આવી હતી. આ મામલો એક કથિત કૌભાંડ સાથે સંબંધિત છે જેમાં પ્રત્યેક ટન માટે 25 રૂપિયાની ગેરકાયદે ખંડણી કરવામાં આવી રહી હતી. છત્તીસગઢમાં કોલસાના પરિવહન સાથે સંબંધિત આ કાર્ટલમાં વરિષ્ઠ અમલદારો, ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ અને વચેટિયાઓનો સમાવેશ થાય છે.

તપાસ એજન્સીએ તેની બીજી પૂરક ચાર્જશીટમાં આરોપ મૂક્યો છે કે, IAS અધિકારી રાનુ સાહુ (કથિત કૌભાંડ સમયે કોરબામાં કલેક્ટર) કોલસા ટ્રાન્સપોર્ટર્સ અને સૂર્યકાંત તિવારી દ્વારા સંચાલિત ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ (DMF) પાસેથી ગેરકાયદે ખંડણીના નાણાં એકત્ર કર્યા હતા. તેના બદલામાં તેણે મોટી લાંચ લીધી. ગયા વર્ષે આ જ કેસમાં સુનીલ અગ્રવાલની ધરપકડ કરવામાં આવી હતી.

8 એપ્રિલ 2024ના રોજ, છત્તીસગઢ હાઈકોર્ટે તેમની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી હતી, જેના પગલે તેમણે કોર્ટના આદેશને પડકારવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. 19 મેના રોજ, સર્વોચ્ચ અદાલતે અગ્રવાલને જામીન બોન્ડની રજૂઆતને આધીન વચગાળાના જામીન પર મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો હતો.

હકીકતમાં, કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે મંગળવારે લોકસભામાં જણાવ્યું હતું કે, EDએ છેલ્લા 10 વર્ષમાં PMLA હેઠળ 5,297 કેસ નોંધ્યા છે. છેલ્લા છ વર્ષમાં વર્તમાન અને ભૂતપૂર્વ સાંસદો, ધારાસભ્યો અને રાજકીય નેતાઓ સામે કુલ 132 મની લોન્ડરિંગના કેસ નોંધાયા છે.

એક પ્રશ્નના જવાબમાં નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે PMLA હેઠળ 2019માં 188, 2020માં 708, 2021માં 1,166, 2022માં 1,074, 2023માં 934 અને આ વર્ષે અત્યાર સુધીમાં 397 કેસ નોંધાયા છે. તેમણે કહ્યું કે 2014માં 195, 2015માં 148, 2016માં 170, 2017માં 171 અને 2018માં 146 કેસ નોંધાયા હતા. નિત્યાનંદે કહ્યું કે 2016થી PMLA હેઠળ 140 આરોપીઓ હાલમાં જેલમાં છે.

બીજી તરફ CBIએ 20 લાખની લાંચ લેવાના આરોપમાં EDના આસિસ્ટન્ટ ડાયરેક્ટરની ધરપકડ કરી છે. આરોપી ED અધિકારી સંદીપ સિંહે પોતાના પુત્રની ધરપકડ ન કરવા માટે મુંબઈના એક જ્વેલર પાસેથી 20 લાખ રૂપિયાની લાંચ લીધી હતી.

વિપુલ ઠક્કરે નોંધાવેલી ફરિયાદ પછી, એજન્સીની મુંબઈ શાખાની એક ટીમે છટકું ગોઠવ્યું અને બુધવારે (7 ઓગસ્ટ, 2024) દિલ્હીમાં કથિત રીતે લાંચની રકમ સ્વીકારતી વખતે અધિકારીની ધરપકડ કરી.

EDએ આ મામલામાં અધિકારી વિરુદ્ધ તપાસ શરૂ કરી છે. એજન્સીએ જણાવ્યું હતું કે, ‘આ ઘટનાની તાત્કાલિક નોંધ લેતા અને ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિને અનુસરીને, EDએ સંદીપ સિંહ સામે PMLA હેઠળ ફોજદારી કાર્યવાહી શરૂ કરી છે. ગુરુવારે, તેની ગુનાહિત પ્રવૃત્તિઓના પુરાવા એકત્ર કરવા માટે અધિકારીના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેમની ઓફિસની CBI અને ED દ્વારા સંયુક્ત રીતે સર્ચ કરવામાં આવ્યું હતું.’

EDએ કહ્યું કે PMLA કેસ સિવાય, તેને તાત્કાલિક સસ્પેન્ડ કરવા અને EDમાંથી તેના મૂળ વિભાગમાં પરત મોકલવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.

error: Content is protected !!