અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગના લેટેસ્ટ રિપોર્ટમાં માર્કેટ રેગ્યુલેટર સેબી પર નિશાન સાધતા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. શનિવારે બહાર પડાયેલા આ અહેવાલ અંગે, રવિવારે સવારે, સેબીના વડા માધબી પુરી બૂચે સ્પષ્ટતા આપતા નિવેદન બહાર પાડ્યું હતું અને આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. તો હવે આ મામલે ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી ગ્રૂપ દ્વારા પણ નિવેદન બહાર પાડવામાં આવ્યું છે અને હિંડનબર્ગ રિપોર્ટમાં કરાયેલા દાવાઓને સંપૂર્ણપણે ફગાવી દેવામાં આવ્યા છે.
હિંડનબર્ગ રિસર્ચના નવા રિપોર્ટને લઈને અદાણી ગ્રુપ દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, આ રિપોર્ટમાં લગાવવામાં આવેલા આરોપો દૂષિત છે અને તથ્યો સાથે છેડછાડ કરીને રજૂ કરવામાં આવ્યા છે. અમે હિંડનબર્ગ દ્વારા અદાણી સમૂહ વિરુદ્ધ કરવામાં આવેલા આ તમામ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢીએ છીએ, જે ફક્ત અમને બદનામ કરવા માટેના રિસાયક્લિંગ દાવાઓ છે. અદાણી ગ્રૂપ વતી એવું કહેવામાં આવ્યું છે કે, અગાઉ કરવામાં આવેલા આ તમામ આરોપોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે, જે સંપૂર્ણપણે પાયાવિહોણા સાબિત થયા છે. આને આ પહેલા જ જાન્યુઆરી 2024માં સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે.
અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિન્ડેનબર્ગે શનિવારે જાહેર કરેલા એક અહેવાલમાં અદાણી ગ્રૂપ અને સેબીના ચીફ માધબી પુરી બુચ વચ્ચે સાઠગાંઠ હોવાનો દાવો કર્યો છે અને આરોપ લગાવ્યો છે કે, વ્હિસલબ્લોઅર પાસેથી મેળવેલા દસ્તાવેજો દર્શાવે છે કે, અદાણીના નાણાંને ભંડોળ આપવા માટે ઓફશોર એન્ટિટીનો ઉપયોગ સિફનિંગ કૌભાંડમાં કરવામાં આવ્યો હતો, તેમાં સેબી અધ્યક્ષની ભાગીદારી હતી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, માધબી બુચ અને તેના પતિ ધવલ બુચે 5 જૂન, 2015ના રોજ સિંગાપોરમાં IPE પ્લસ ફંડ 1 સાથે તેમનું ખાતું ખોલાવ્યું હતું. આમાં દંપતીનું કુલ રોકાણ 10 મિલિયન ડૉલર હોવાનો અંદાજ છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, ઓફશોર મોરેશિયસ ફંડની સ્થાપના અદાણી ગ્રુપના ડાયરેક્ટર દ્વારા ઈન્ડિયા ઈન્ફોલાઈન દ્વારા કરવામાં આવી હતી અને તે ટેક્સ હેવન મોરેશિયસમાં નોંધાયેલ છે.
અહીં તમને બતાવી દઈએ કે, નાથન એન્ડરસનની આ રિસર્ચ ફર્મ હિંડનબર્ગનું મુખ્ય કામ સ્ટોક માર્કેટ, ઇક્વિટી, ક્રેડિટ અને ડેરિવેટિવ્ઝ પર સંશોધન કરવાનું છે. આ સંશોધન દ્વારા, કંપની એ શોધી કાઢે છે કે શું શેરબજારમાં નાણાનો ખોટી રીતે ગેરઉપયોગ થઈ રહ્યો છે. શું મોટી કંપનીઓ પોતાના ફાયદા માટે તેમના ખાતાઓનું ગેરવ્યવસ્થાપન કરી રહી છે? શું કોઈ પણ કંપની પોતાના ફાયદા માટે શેરબજારમાં તેના શેર પર ખોટી રીતે સટ્ટો લગાવીને અન્ય કંપનીઓને નુકસાન પહોંચાડી રહી છે? આ તમામ મુદ્દાઓ પર સંપૂર્ણ સંશોધન કર્યા પછી, કંપની વિગતવાર અહેવાલ તૈયાર કરે છે અને તેને પ્રકાશિત કરે છે.