fbpx

કોણ હતા નટવર સિંહ?મૃત્યુ સાથે કોંગ્રેસનું ‘રાજ’ખતમ,સોનિયાએ ઘરે જઈ માફી માંગી હતી

Spread the love

દેશના પૂર્વ વિદેશ મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા નટવર સિંહનું 95 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. નટવર સિંહ રાજસ્થાનના ભરતપુર જિલ્લાના રહેવાસી હતા. PM નરેન્દ્ર મોદીએ પણ નટવર સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. નટવર સિંહને કોંગ્રેસના ‘રાજદાર’ ગણવામાં આવતા હતા અને તેઓ વિદેશ સેવાના અધિકારી હતા. નટવર સિંહ એવા પ્રથમ વ્યક્તિ હતા જેમણે 1967માં સોનિયા ગાંધી અને રાજીવ ગાંધીના થનારા લગ્નના સમાચાર સૌથી પહેલા ઇન્દિરા ગાંધીને આપ્યા હતા.

નટવર સિંહ ગાંધી પરિવારના ખૂબ નજીકના ગણાતા હતા. ઈન્દિરા ગાંધીએ જ તેમને 1984માં રાજકારણમાં પ્રવેશ કરાવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નટવર સિંહ જવાહરલાલ નેહરુ સાથે નાસ્તો કર્યા કરતા હતા અને જ્યારે સોનિયા ગાંધી રાજનીતિમાં આવ્યા ત્યારે નટવર સિંહે જ તેમને ‘મોટા નેતા’ બનાવ્યા હતા. એવું પણ કહેવાય છે કે, સોનિયા ગાંધીની હિન્દી સુધારવાનું કામ પણ નટવર સિંહે કર્યું હતું. જ્યારે સોનિયા વિરુદ્ધ પાર્ટીમાં બળવો થયો ત્યારે તેમણે તેને સારી રીતે સંભાળ્યો હતો.

2004માં મનમોહન સિંહના નેતૃત્વમાં UPA સરકાર બની ત્યારે નટવર સિંહને વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા હતા. જોકે, ઈરાન ઓઈલ ફોર ગ્રેન કૌભાંડમાં તેમનું નામ સામે આવ્યું હતું, ત્યાર પછી તેમને કેબિનેટમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. આ પછી તે વિદ્રોહી બની ગયા. નટવર સિંહે પોતાની આત્મકથા ‘વન લાઈફ ઈઝ નોટ ઈનફ’માં કહ્યું છે કે, પુસ્તક બહાર આવ્યાના બે મહિના પહેલા જ સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીએ ઘરે આવીને માફી માંગી હતી.

જ્યારે પુસ્તકને લઈને નટવર સિંહનો ઈન્ટરવ્યુ અખબારોમાં છપાયો ત્યારે તેમણે કહ્યું કે સોનિયા ગાંધી નટવર સિંહને મળવાની કોશિશ કરે છે, પ્રિયંકા ગાંધી પણ ફોન કરે છે અને નટવર સિંહ એક અઠવાડિયા પછી મળવાનો સમય આપે છે.

નટવર સિંહના કહેવા પ્રમાણે, ‘જ્યારે પ્રિયંકા એક અઠવાડિયા પછી મળવા આવે છે, ત્યારે તે કહે છે કે, તેની માતા સોનિયાએ તેને મોકલી છે. પ્રિયંકા ગાંધીએ નટવર સિંહને સવાલ કર્યો કે શું તેઓ મે 2004ની ઘટનાઓ વિશે કંઈક લખશે? આ દરમિયાન સોનિયા ગાંધી પણ રૂમમાં પ્રવેશે છે અને નટવર સિંહ તેમને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે.’

જોકે, નટવર સિંહ સોનિયા ગાંધીને ખાતરી આપે છે કે, તેઓ પુસ્તકમાં કંઈપણ ખરાબ નહીં લખે. તેઓએ સોનિયા ગાંધીની સામે જ કહ્યું હતું કે, તેમની સાથે ખોટું થયું છે. નટવર સિંહે ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, ‘મેં સોનિયાને કહ્યું કે તમે મારી સાથે ખોટું કર્યું છે. તેના જવાબમાં સોનિયાએ કહ્યું કે, તેમને કોઈ માહિતી નથી. ત્યારે મેં જવાબ આપ્યો કે તમારા વિના કોંગ્રેસમાં પાંદડું પણ નથી હલતું. ત્યાર પછી સોનિયાએ મારી માફી માંગી હતી.’

error: Content is protected !!