
વેપાર યુદ્ધને કારણે મંદીના જોખમો અંગે, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ કહે છે કે, મંદીના ગંભીર પરિણામો આવી શકે છે. આનાથી વિશ્વના સૌથી ગરીબ લોકો માટે ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ગરીબ લોકોને મંદીના ખરાબ પરિણામો ભોગવવા પડી શકે છે. UN સેક્રેટરી જનરલ કહે છે કે, તેમને આશા છે કે આવું નહીં થાય.

UN સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે મંગળવાર, 8 એપ્રિલ, 2025ના રોજ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પારસ્પરિક ટેરિફ લાદવાના થોડા કલાકો પહેલાં જણાવ્યું હતું કે, ‘મને ખરેખર આશા છે કે આપણે ત્યાં મંદી નહીં આવે, કારણ કે મંદીના ગંભીર પરિણામો આવશે, ખાસ કરીને વિશ્વના સૌથી ગરીબ લોકો માટે.’ તેમણે કહ્યું, ‘વેપાર યુદ્ધો અત્યંત નુકસાનકારક છે. આમાં કોઈ જીતતું નથી, બધા હારે છે.’ મહાસચિવે વધુમાં કહ્યું, ‘હું ખાસ કરીને સૌથી સંવેદનશીલ વિકાસશીલ દેશો વિશે ચિંતિત છું, કારણ કે તેની અસર તેમના પર વધુ ગંભીર હશે.’

ટ્રમ્પે ચીન પર 104 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે, જે 9 એપ્રિલ, 2025, બુધવારની મધ્યરાત્રિથી અમલમાં આવશે. તેના જવાબમાં, બેઇજિંગે 34 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (UNCTAD)એ જણાવ્યું હતું કે, વેપારમાં સુધારાની જરૂરિયાત સ્પષ્ટપણે દેખાય રહી છે. UNCTADના સેક્રેટરી-જનરલ રેબેકા ગ્રીન્સપેને કહ્યું: ‘આજના પડકારોનો સામનો કરવા માટે વૈશ્વિક વેપાર નિયમોમાં ફેરફાર કરવો આવશ્યક છે, પરંતુ આ ફેરફારોમાં એ પણ સુનિશ્ચિત karavu જોઈએ કે તેઓ સૌથી સંવેદનશીલ લોકોનું રક્ષણ કરે અને વિકાસને પ્રોત્સાહન આપે.’ તેમણે કહ્યું, ‘આ સમય એક થવાનો છે, તણાવ વધારવાનો નહીં.’

વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (WTO)ના ડેપ્યુટી ડિરેક્ટર-જનરલ એન્જેલા અલાર્ડે જણાવ્યું હતું કે, સંગઠનના પ્રારંભિક વિશ્લેષણ દર્શાવે છે કે, US અને અન્ય દેશો દ્વારા લેવામાં આવેલા તાજેતરના ટેરિફ પગલાં આ વર્ષે વૈશ્વિક વેપારમાં લગભગ એક ટકાનો ઘટાડો કરી શકે છે. આ અગાઉના 3 ટકાના વૃદ્ધિ અંદાજથી લગભગ 4 ટકા સુધીનો નોંધપાત્ર ઘટાડો હશે. એલાર્ડે જણાવ્યું હતું કે, ‘WTO સિસ્ટમને નબળી પાડવાના પ્રયાસો છતાં, 74 ટકા વૈશ્વિક વેપાર હજુ પણ WTO મોસ્ટ-ફેવર્ડ-નેશન (MFN) શરતો હેઠળ થાય છે.’ તેમણે કહ્યું કે, આ દર્શાવે છે કે WTO સુસંગત રહે છે અને બહુપક્ષીય વ્યવસ્થા અસરકારક રીતે કાર્ય કરી રહી છે. WTO અનુસાર, ચીન અને કેનેડાએ અમેરિકા સાથે પોતાના વિવાદો ઉઠાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તેમણે WTO માળખા હેઠળ પરામર્શ માટે હાકલ કરી છે, જે બંને પક્ષોને વાટાઘાટો કરવાની તક આપશે અને મુકદ્દમા ટાળવા માટે 60 દિવસનો સમય આપશે. જો આ સફળ ન થાય, તો તેઓ પેનલ દ્વારા નિર્ણય લેવાની વિનંતી કરી શકે છે.