

ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરને કાર્યભાર સંભાળ્યા બાદ ભારે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. તેમના કાર્યકાળ દરમિયાન, ભારતીય ક્રિકેટ ટીમ પર હારના મોટા ડાઘ લાગ્યા હતા. જોકે, ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખિતાબ જીતી લીધો હતો. હવે ગંભીરે ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે કોમેન્ટેટર્સને રડાર પર લીધા અને નીડર અંદાજમાં જવાબ આપ્યો. ગંભીરે કહ્યું કે, ‘જ્યારે મેં આ પદ સંભાળ્યું, ત્યારે મને ખબર હતી કે તેમાં હંમેશાં ઉતાર-ચઢાવ રહેશે. મારું કામ દેશને ગૌરવ અપાવવાનું છે, ન કે એરકન્ડિશન્ડ કોમેન્ટ્રી બોક્સમાં બેઠેલા થોડા લોકોને ખુશ કરવાનું.

તેમણે કહ્યું કે, 25 વર્ષથી કોમેન્ટ્રી બોક્સમાં બેઠા કેટલાક લોકો માને છે કે ભારતીય ક્રિકેટ તેમની પારિવારિક સંપત્તિ છે. એવું નથી, તે ભારતના લોકોની છે. તેમણે મારી ઈનામી રકમ પર પણ સવાલ ઉઠાવ્યા. આ NRI ભારતમાંથી પૈસા કમાય છે, પરંતુ ટેક્સ બચાવવા માટે NRI બની જાય છે. હું કોઈ ક્લબ કે લોબીનો કોચ નથી. હું રાજનીતિ કરવામાં વિશ્વાસ કરતો નથી. હું અહીં એક એવી ટીમ બનાવવા આવ્યો છું જે નીડર થઈને અને ગર્વથી રમે.

ગંભીરે કહ્યું, કમેન્ટટેટર્સે સમજવું જોઈએ. ક્રિકેટ કોઈની સંપત્તિ નથી. આ લોકો વિદેશ જાય છે અને NRI બની જાય છે. હું ભારતમાં રહીશ અને અહીં પોતાનો ટેક્સ ભરીશ. ગંભીરના કોચિંગ હેઠળ ભારતીય ટીમે એક ICC ટ્રોફી જીતી છે. જોકે, ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જતા ચૂકી ગઈ.