fbpx

કોણે કર્યું છે ભારત બંધ, શું છે તેમની માગ, જાણો તમામ માહિતી

Spread the love

અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામતમાં ક્રિમીલેયર અને ક્વોટાની અંદર ક્વોટા લાગૂ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરુદ્ધમાં દલિત-આદિવાસી સંગઠનોએ બુધવારે 14 કલાક માટે ભારત બંધનું આહ્વાન કર્યું હતું. નેશનલ કન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઈબલ ઓર્ગેનાઈઝેશન નામના સંગઠને સુપ્રીમ કોર્ટના નિર્ણયને દલિતો અને આદિવાસીઓના બંધારણીય અધિકારોની વિરુદ્ધ ગણાવ્યો હતો અને કેન્દ્ર સરકારને તેને રદ કરવાની માગ કરી હતી.

તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે ક્વોટાની અંદર ક્વોટા સંબંધિત કેસમાં પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે 6-1ની બહુમતીથી ચુકાદો આપ્યો હતો કે રાજ્યોને અનામત માટે ક્વોટાની અંદર ક્વોટા બનાવવાનો અધિકાર છે. એટલે કે રાજ્ય સરકારો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ શ્રેણીઓ માટે પેટા-શ્રેણીઓ બનાવી શકે છે, જેથી વધુ જરૂરિયાતમંદોને અનામતમાં પ્રાથમિકતા મળી શકે. સુપ્રીમ કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું કે, રાજ્યની વિધાનસભાઓ આ અંગે કાયદો બનાવી શકશે. આ સાથે સુપ્રીમ કોર્ટે તેના 2004ના જૂના નિર્ણયને રદ કરી દીધો હતો. પરંતુ કોર્ટે એમ પણ કહ્યું કે તમામ કેટેગરીના આધાર યોગ્ય હોવા જોઈએ. કોર્ટે કહ્યું કે આવું કરવું બંધારણની કલમ 341 વિરુદ્ધ નથી. કોર્ટે કહ્યું હતું કે SCમાં કોઈપણ એક જાતિને 100% ક્વોટા આપી શકાય નહીં. આ ઉપરાંત SCમાં સમાવિષ્ટ કોઈપણ જાતિનો ક્વોટા નક્કી કરતા પહેલા, તેના હિસ્સા વિશે નક્કર ડેટા હોવો જોઈએ. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી, જસ્ટિસ પંકજ મિથલ, જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બનેલી બેન્ચે આ નિર્ણય આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી દેશભરમાં વિવાદ થયો હતો. આનો વિરોધ કરનારાઓ માને છે કે આનાથી અનામત વ્યવસ્થાના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રશ્નાર્થ ચિન્હ ઊભું થયું છે. ઘણી સંસ્થાઓએ કહ્યું કે આ અનામત નીતિની વિરુદ્ધ છે. તેમનું કહેવું છે કે આનાથી અનામતની પ્રવર્તમાન વ્યવસ્થા પર નકારાત્મક અસર પડશે અને સામાજિક ન્યાયનો ખ્યાલ નબળો પડશે. વિરોધીઓ દલીલ કરે છે કે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે આ અનામત તેમની પ્રગતિ માટે નથી, પરંતુ તેઓ જે સામાજિક જુલમનો સામનો કરે છે તે માટે તેમને ન્યાય આપવા માટે છે. દલીલ એવી છે કે અસ્પૃશ્યતાનો ભોગ બનેલી આ જ્ઞાતિઓને એક જૂથ તરીકે ગણવી જોઈએ. તેઓ તેને અનામત ખતમ કરવાનું ષડયંત્ર ગણાવી રહ્યા છે.

સંગઠને સરકારી નોકરીઓમાં નિયુક્ત SC, ST અને OBC કર્મચારીઓની જાતિના ડેટા જાહેર કરવા અને ભારતીય ન્યાયિક સેવા દ્વારા ન્યાયિક અધિકારીઓ અને ન્યાયાધીશોની નિમણૂકની માગ કરી છે. NACDAORનું કહેવું છે કે સરકારી સેવાઓમાં SC/ST/OBC કર્મચારીઓના જાતિ આધારિત ડેટા તેમની સચોટ પ્રતિનિધિત્વની ખાતરી કરવા માટે તરત જ જાહેર કરવામાં આવે. સમાજના તમામ વર્ગોમાંથી ન્યાયિક અધિકારીઓ અને ન્યાયાધીશોની ભરતી કરવા માટે એક ભારતીય ન્યાયિક સેવા આયોગની પણ સ્થાપના કરવી જોઈએ, જેથી ઉચ્ચ ન્યાયતંત્રમાં SC, ST અને OBC શ્રેણીઓનું 50 ટકા પ્રતિનિધિત્વ સુનિશ્ચિત થાય.

સંગઠન કહે છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગો તેમજ જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં તમામ બેકલોગ ખાલી જગ્યાઓ ભરવામાં આવે. સરકારી પ્રોત્સાહનો અથવા રોકાણોથી લાભ મેળવતી ખાનગી ક્ષેત્રની કંપનીઓએ તેમની કંપનીઓમાં હકારાત્મક પગલાની નીતિઓ લાગુ કરવી જોઈએ. અનામતને લઈને દલિત-આદિવાસી સંગઠનો પણ SC, ST અને OBC માટે સંસદમાં નવો અધિનિયમ પસાર કરવાની હાકલ કરી રહ્યા છે, જેને બંધારણની નવમી અનુસૂચિમાં સામેલ કરીને તેને સુરક્ષિત કરવામાં આવે. તેઓ દલીલ કરે છે કે આ જોગવાઈને ન્યાયિક હસ્તક્ષેપથી સુરક્ષિત કરશે અને સામાજિક સદભાવને પ્રોત્સાહન આપશે.

error: Content is protected !!