એનોનિમસ ફોરમ બ્લાઈન્ડ પર અમેઝોનના કર્મચારીની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. વ્યક્તિએ પોતાની પોસ્ટમાં કહ્યું છે કે, તે આ કંપનીમાં એ જ હેતુથી જોડાયો હતો કે, જ્યાં સુધી તે પરફોર્મન્સ ઈમ્પ્રૂવમેન્ટ પ્લાન પર કામ નહીં કરે ત્યાં સુધી તેણે કંઈ કરવાનું રહેશે નહીં અને તેને મફતમાં પગાર મળશે.
તેણે વધુમાં કહ્યું કે, દોઢ વર્ષ થઈ ગયું છે આજ સુધી કોઈને ખબર નથી પડી કે તેણે કંપની માટે કોઈ મહત્વનું કામ કર્યું નથી અને તેને પગાર મળી રહ્યો છે.
એનોનિમસ ફોરમ બ્લાઈન્ડ પર કબૂલાત કરતા વ્યક્તિએ લખ્યું છે કે, કંઈ ન કરવા છતાં તે 370,000 US ડૉલર (લગભગ 3 કરોડ રૂપિયા)થી વધુ કમાય છે. જ્યારે તેણે તેની આ હોંશિયારી વિશે જણાવ્યું, ત્યારે તે પણ આશ્ચર્યચકિત થઈ ગયો કે, તેને ક્યારેય ખબર ન હતી કે તેનું નસીબ ક્યારે ખતમ થઇ જશે. બ્લાઇન્ડ એ એક પ્લેટફોર્મ છે કે, જેના પર ચકાસાયેલ વ્યાવસાયિકો તેમના કાર્યને લગતી દરેક વસ્તુની ચર્ચા કરે છે.
તેણે કહ્યું કે ગૂગલ દ્વારા છૂટા કરાયા પછી હું દોઢ વર્ષ પહેલા અમેઝોન વાઇબ્રેશનમાં જોડાયો હતો. હું કંઈ ન કરવા અને મફત પગાર લેવાના ઈરાદાથી આ કંપનીમાં જોડાયો. વ્યક્તિ કહે છે કે, તે કંપનીમાં 370,000 US ડૉલરના પેકેજ પર વરિષ્ઠ તકનીકી પ્રોગ્રામ મેનેજર છે.
તેને કંપનીમાં જોડાયાને 1.5 વર્ષ થઈ ગયું છે. પરંતુ તેણે હજુ સુધી કંપની માટે કોઈ લક્ષ્ય હાંસલ કર્યું નથી. તેણે કોઈપણ ખચકાટ વિના કહ્યું કે, મારો કિંગપિન ગોલ નંબર 0 છે. હકીકતમાં, કોઈપણ કંપનીમાં દરેક ટીમના સભ્ય માટે એક ધ્યેય નક્કી કરવામાં આવે છે.
તેણે વધુમાં કહ્યું કે, હાલમાં તેણે કુલ 7 ટિકિટો ઉકેલી છે અને એક ઓટોમેટેડ ડેશબોર્ડ ડિલિવર કર્યું છે, જે તેણે ChatGPTનો ઉપયોગ કરીને ત્રણ દિવસમાં બનાવ્યું છે. જ્યારે તેણે કંપની સમક્ષ ખોટો દાવો કર્યો હતો કે, તેને આ ડેશબોર્ડ બનાવવામાં ત્રણ મહિનાનો સમય લાગ્યો છે. એમેઝોનના કર્મચારીનું કહેવું છે કે, તેના દિવસના 8-8 કલાક મીટિંગ્સમાં ભાગ લેવામાં જ પસાર થઇ જાય છે.