જો તમે કેનેડામાં નોકરી કરવાનું સપનું જોઇ રહ્યા છો તો તમારા માટે માઠા સમાચાર છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ ચૂંટણી અગાઉ મહત્ત્વનો નિર્ણય લીધો છે. તેમણે કેનેડામાં અસ્થાયી નોકરી કરનાર વિદેશીઓની સંખ્યા ઘટાડવાની જાહેરાત કરી છે. તેની અસર કેનેડામાં કામ કરનારા હજારો વિદેશીઓ પર પડશે, જેમાં ભારતીય પણ સામેલ છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થી કેનેડા જાય છે. એવામાં અભ્યાસ સાથે અસ્થાયી નોકરીનું સપનું જોનારા ભારતીયોને આ નિર્ણયથી મોટો ઝટકો લાગ્યો છે.
જસ્ટિન ટ્રૂડોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વીટર) પર પોસ્ટ કરી કે, ‘શ્રમ બજાર બદલાઇ ગયો છે. કેનેડા ઓછા વેતનવાળા અસ્થાયી વિદેશી કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવા જઇ રહ્યો છે. હવે સમય આવી ગયો છે કે કેનેડાના વ્યવસાયો સ્થાનિક શ્રમિક અને યુવા ઇન્વેસ્ટ કરે.’ ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં કેનેડામાં વિદેશીઓની સંખ્યા ખૂબ ઝડપથી વધી છે. તેનાથી બેરોજગારીમાં વધારો થયો છે. દેશના ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે હાલમાં જ આ તરફ ઇશારો કરતા કહ્યું હતું કે પ્રવાસન નિયમ કેનેડિયન લોકોના હિસાબે હોવા જોઇએ કેમ કે નોકરીઓ સતત ઓછી થઇ રહી છે. તેના માટે અમે જરૂરી પગલાં ઉઠાવીશું.
કઇ જગ્યાઓ પર લાગૂ થશે નિયમ?
નવા નિયમો મુજબ, ઓછા વેતનવાળી નોકરીઓ માટે પરમિટ 2 વર્ષથી ઘટાડીને માત્ર એક વર્ષ માટે જાહેર કરવામાં આવશે. એ સિવાય કૃષિ, સ્વાસ્થ્ય દેખરેખ અને નિર્માણ ક્ષેત્રોને છૂટ રહેશે. જે જગ્યાએ બેરોજગારી દર 6 ટકા કે તેનાથી વધુ છે ત્યાં ઓછા વેતનવાળા વિદેશી કર્મચારીઓને કામ નહીં આપવામાં આવે. કોઇ એક નિયોક્તા દ્વારા કામ પર રાખી શાકને અસ્થાયી વિદેશી શ્રમિકોની હિસ્સેદારી 20 ટકાથી ઘટાડીને 10 ટકા પર આવી જશે.
કોરોનાકાળ દરમિયાન શ્રમિકોની ભારે કમી દરમિયાન સરકાર દ્વારા પ્રતિબંધોમાં ઢીલ આપ્યા બાદ કેનેડામાં વિદેશી શ્રમિકોની સંખ્યામાં ઐતિહાસિક વૃદ્ધિ જોવા મળી હતી. કેટલાક કેનેડિયન વિશેષજ્ઞોનું માનવું છે કે આ પગલાંથી લોકલ લોકો અને યુવાઓમાં બેરોજગારી વધી છે. આ બધાના કારણે જસ્ટિન ટ્રૂડોએ કેનેડામાં અસ્થાયી નોકરી કરનાર વિદેશીઓની સંખ્યા ઘટાડવાની જાહેરાત કરવી પડી છે. કેનેડામાં સ્થાનિક લોકોને વધુમાં વધુ નોકરીઓ આપવાની વાત કહેવામાં આવી છે. જેથી કેનેડાના લોકોને વધુમાં વધુ નોકરીમાં ફાયદો મળી શકે.