ગુજરાતમાં એક બાજુ ખીણ અને બીજી બાજુ કૂવા જેવી સ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદના કારણે ગુજરાતનાં લોકો ત્રાહિમામ ત્રાહિમામ પોકારી ઉઠયા છે, હજુ એક ઘાત સરખી ટળી નથી જે બીજી તૈયાર છે. એવા સમાચાર મળી રહ્યા છે કે હવે ગુજરાત પર ચક્રવાતનું જોખમ મંડરાઇ રહ્યું છે. બંગાળની ખાડીમાંથી ગુજરાત પર આવેલી મજબૂત સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો.
આ સિસ્ટમ કચ્છ-અરબ સાગરમાં થઇ પાકિસ્તાન તરફ જશે તેમ કહેવામાં આવ્યું છે. જેના કારણે કચ્છ, સૌરાષ્ટ્ર સિવાય અન્ય ભાગોમાં વરસાદનું જોર ધીમું થવાની સંભાવનાઓ છે. બીજી તરફ વરસાદ લાવે તેવી વધુ એક સિસ્ટમ ગુજરાત તરફ આવવાની સંભાવના છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે. આ મામલે હવામાન એક્સપર્ટ પરેશ ગોસ્વામીએ માહિતી આપી છે.
તેમણે જણાવ્યુ છે કે, આ ચક્રવાતથી ગભરાવવાની જરૂર નથી. પરેશ ગોસ્વામીએ 29 ઑગસ્ટની મોડી સાંજે તેમના સોશિયલ મીડિયામાં એક વીડિયો મુક્યો હતો. જેમા તેમણે જણાવ્યુ હતુ કે, બંગાળની ખાડીમાંથી આવેલ લૉ પ્રેશર ગુજરાતમાં આવીને ડીપ ડિપ્રેશન બન્યું હતું. જેના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે. આ ડીપ ડિપ્રેશન 36 કલાક સુધી કચ્છ પર સ્થિર થઇ ગયું હતું. જે ડીપ ડિપ્રેશનની 29 ઑગસ્ટે બપોરે 02:00 વાગ્યાથી ફરી મૂવમેન્ટ શરૂ થઇ ગઇ હતી. ત્યારબાદ ધીમે ધીમે તે આગળ વધી રહ્યું હતું.
પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, 30 ઑગસ્ટે આ ડીપ ડિપ્રેશન કચ્છના જખૌ બંદરથી અરબી સમુદ્રમાં ઉતરી જશે, પરંતુ પશ્ચિમ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં 24 કલાક સુધી હજું હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. વરસાદની તીવ્રતામાં લગભગ ઘટાડો આવશે. આ સિસ્ટમ કચ્છના જખૌથી અરબી સમુદ્રમાં આગળ વધશે એટલે આજે આ ડીપ ડિપ્રેશન કદાચ ચક્રવાતમાં ફેરવાઇ શકે છે.
જો તે ચક્રવાત બનશે તો તેને પાકિસ્તાન તરફથી આસના નામ આપવામાં આવશે. આ ચક્રવાતનું સૌથી ઓછું આયુષ્યનું હશે. આ વાવાઝોડું બનશે તો 6-8 કલાક સુધી બનશે અને પછી તે વિખેરાઇ જશે. આ ચક્રવાતથી ગુજરાતને કોઇ વધારે જોખમ નથી. પરેશ ગોસ્વામીએ જણાવ્યું વધુમાં જણાવ્યુ છે કે, આ ચક્રવાતને કારણે ગુજરાતને માત્ર એટલું જ જોખમ છે કે, કચ્છના પશ્ચિમ અને સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગો પર વરસાદ અને પવન જોવા મળશે.
તેમણે આગળ જણાવ્યુ હતું કે, અત્યાર સુધી જે વરસાદ નોંધાયો છે તેની તીવ્રતામાં ઘટાડો આવશે, પરંતુ ભારે પવન જોવા મળશે. આગામી 24-36 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં 40-60 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે આ પવનો ફૂંકાય અને એના ઝટકાના પવનો 70-80 કિમીના ઝડપે જોવા મળે તેવી સંભાવના છે. વરસાદની તીવ્રતા ઘટશે, પરંતુ પવન સાથે વરસાદ ચાલુ રહેશે તેવી સંભાવના છે. જો આ સિસ્ટમ દરિયામાં જઇને વાવાઝોડું બને તો 48 વર્ષનો રેકોર્ડ તૂટશે.
આજથી 48 વર્ષ અગાઉ એક વખત એમ પણ બન્યું હતું કે, બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત પર આવી અને અરબ સાગરમાં સાયક્લોન બન્યું હતું. એ પણ 1967ના ઑગસ્ટના છેલ્લા અઠવાડિયામાં આ થયું હતું. ત્યારબાદ ગુજરાત પરની સિસ્ટમ અરબસાગરમાં જઇને વાવાઝોડું બની નથી. હવામાન એક્સપર્ટ પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આ સાયક્લોનથી ગભરાવવાની જરૂરિયાત નથી. આ સાયક્લોન ગુજરાતને પ્રભાવિત નહીં કરે. આ વાવઝોડું બનીને ગુજરાતથી દૂર જતું રહેશે, એટલે ગુજરાતને કોઇ જોખમ નથી.