

‘છોટી વાગે ચમ-ચમ, વિદ્યા આવે ધમ-ધમ’ એવી ગુજરાતી કહેવત તો તમે સાંભળી જ હશે. પહેલા વાલીઓ શાળાના શિક્ષકોને સામેથી કહેતા હતા કે ધમાલ કરે કે ન આવડે તો ફટકા પાડજો. પરંતુ હવે શાળામાં આવું થતું નથી અને ન તો બાળકોને છોટી પણ મરાતી નથી કે ન તો તેમને કોઈ ખાસ શિક્ષા કરી શકાતી. પરંતુ ઘણી વખત સોશિયલ મીડિયા પર બાળકોને માર મારવાની અથવા તાલિબાની સજા ફટકારવાનો મામલો સામે આવતા રહે છે, અને પછી મામલો વકરી જાય તો ઉચ્ચ પોલીસ સ્ટેશનથી લઈને ઉચ્ચ કક્ષા સુધી પહોંચે છે. પરંતુ વડોદરાથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહી શિક્ષકે વિદ્યાર્થીને લાફો માર્યો તો વિદ્યાર્થીના પિતાએ શાળાએ પહોંચીને શિક્ષકને સામેથી લાફો મારી દીધો. ચાલો જાણીએ શું છે આખો મામલો.

વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી શ્રેયસ વિદ્યાલયની આ ઘટના છે. અહીં એક વિદ્યાર્થીએ કોઈ વિષયને લઈને શિક્ષકને ફરીથી સમજાવવા કહ્યું હતું, જેથી શિક્ષક કિરણસિંહ આવેશમાં આવી ગયા અને તેમણે વિદ્યાર્થીને લાફો મારી દીધો હતો. ત્યારબાદ વિદ્યાર્થીએ આ વાતની જાણ પિતાને કરી તો, તેઓ શાળાએ પહોંચી ગયા. જ્યાં તેઓ જ્યારે શિક્ષકને મળ્યા ત્યારે તે આ વાતને લઈને હસી રહ્યા હતા. જેથી વિદ્યાર્થીના પિતાને ગુસ્સો આવી ગયો અને શિક્ષકને લાફો મારી દીધો. અહી ભારે હોબાળો થયો અને શિક્ષક અને વાલી વચ્ચે ઝપાઝપી પણ થઈ ગઈ, જેના CCTV ફૂટેજ સામે આવ્યા છે.

શિક્ષક અને વાલી વચ્ચે સ્ટાફરૂમમાં પણ ઝપાઝપી થઈ હતી. બીજી તરફ માતા-પિતા વિદ્યાર્થીને લઈને મકરપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં તેમણે શિક્ષક સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાવ્યા બાદ વિદ્યાર્થીને SSG હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે શિક્ષક કિરણસિંહનું નિવેદન પણ સામે આવ્યું છે. તેણે કહ્યું કે, વિદ્યાર્થી દ્વારા જે પણ આરોપ લગાવવામાં આવ્યા આવ્યા છે તે પાયાવિહોણા છે. વાલીએ સ્કૂલના સ્ટાફરૂમમાં આવીને હુમલો કર્યો, માર્યો છે. ક્લાસરૂમ અને સ્ટાફરૂમના CCTVમાં આ સમગ્ર મામલો કેદ થયો છે. ખેર હવે એ જોવાનું રહેશે તો તપાસમાં શું સામે આવે છે. શિક્ષક સામે કાર્યવાહી થાય છે કે પછી વિદ્યાર્થીના પિતા સામે.