ઇટાલિયન લક્ઝરી કાર ઉત્પાદક માસેરાતીએ આજે ભારતીય બજારમાં સેકન્ડ જનરેશન ગ્રાનટુરિસ્મો કાર લોન્ચ કરી છે. કંપનીએ આ બે-દરવાજાવાળી (2+2 બેઠક વ્યવસ્થા) કુપ કારને બે વેરિઅન્ટમાં લોન્ચ કરી છે. તેના મોડેના વેરિઅન્ટની કિંમત રૂ. 2.72 કરોડ નક્કી કરવામાં આવી છે અને ટોપ-રેન્જ ટ્રોફિયો વેરિઅન્ટની કિંમત રૂ. 2.90 કરોડ (બંને કિંમત એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે.
ખાસ વાત એ છે કે, કંપનીએ બંને વેરિઅન્ટમાં સમાન 3.0-લિટર V6 ટ્વીન-ટર્બો પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કર્યો છે. જોકે, બંને વેરિઅન્ટમાં કંપનીએ એન્જિનને અલગ-અલગ ટ્યૂનિંગ આપ્યું છે, જેની અસર પાવર આઉટપુટ પર જોવા મળે છે. તેમની વચ્ચે ઘણા કોસ્મેટિક અને ફીચર તફાવતો છે. આ ઉપરાંત, કંપનીએ ઓલ-ઇલેક્ટ્રિક ગ્રાનટુરિસ્મો ફોલ્ગોર લોન્ચ કરવાની પણ જાહેરાત કરી છે. આવતા વર્ષ સુધીમાં તેને રજૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
તેની ભારે કિંમતની જેમ આ બે દરવાજાવાળી કૂપ કાર પણ અદ્ભુત છે. આ બે દરવાજાવાળી કારમાં આગળ અને પાછળ કુલ ચાર સીટો (2+2) છે. તેના મોડેના વેરિઅન્ટમાં વપરાતું V6 એન્જિન 490hpનો મજબૂત પાવર અને 600Nmનો ટોર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે, આ કાર માત્ર 3.9 સેકન્ડમાં 0 થી 100 Km પ્રતિ કલાકની સ્પીડ પકડવામાં સક્ષમ છે.
કંપનીએ Trofeo વેરિયન્ટમાં પણ આ જ એન્જિન આપ્યું છે પરંતુ ટ્યુન કર્યું હોવાને કારણે આ વેરિઅન્ટ 550hpનો પાવર અને 650Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ વેરિઅન્ટને 0 થી 100 Km/કલાકની ઝડપમાં માત્ર 3.5 સેકન્ડ લાગે છે. તેના એન્જિનનું પાવર આઉટપુટ થોડું વધારે છે. આ કારની ટોપ સ્પીડ 320 Km પ્રતિ કલાક છે. બંને મોડલમાં કંપનીએ આગળના ભાગમાં 20 ઈંચ અને પાછળના ભાગમાં 21 ઈંચનું વ્હીલ આપ્યું છે.
Modena વેરિઅન્ટમાં સ્ટાન્ડર્ડ ફીચર્સ તરીકે 12.2-ઇંચનું ડિજિટલ-ડાયલ ડિસ્પ્લે છે. આ સિવાય 12.3 ઇંચની સેન્ટ્રલ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને 8.8 ઇંચની ટચસ્ક્રીન ડિસ્પ્લે ઉપલબ્ધ છે. આ ટચસ્ક્રીન ડિસ્પ્લેનો ઉપયોગ ક્લાઈમેટ કંટ્રોલ જેવા કાર્યોને ચલાવવા માટે કરવામાં આવશે. તેમાં ડિજિટલ ઘડિયાળ અને વૈકલ્પિક હેડ-અપ-ડિસ્પ્લેની સુવિધા પણ છે.
Trofeo વેરિયન્ટમાં આગળના ભાગમાં 20 ઇંચનું વ્હીલ અને પાછળના ભાગમાં 21 ઇંચનું વ્હીલ છે. આ સિવાય કારની કેબીનને સજાવવા માટે ઘણા અલગ-અલગ ફાઈબર તત્વો આપવામાં આવ્યા છે. કંપનીએ Trofeo વેરિઅન્ટમાં ઓલ-વ્હીલ-ડ્રાઈવ (AWD) સિસ્ટમને સ્ટાન્ડર્ડ તરીકે આપી છે. આ સિવાય મોડેનાની સરખામણીમાં કારના બમ્પરને વધુ એગ્રેસિવ બનાવવામાં આવ્યું છે. તેની અપહોલ્સ્ટ્રી પણ એકદમ સ્પોર્ટી છે. માર્કેટમાં આ કાર BMW M8 અને Ferrari Roma જેવી કારને ટક્કર આપી શકે એમ છે.