ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ગુનેગારો વિરુદ્ધ થઈ રહેલી બુલડોઝર કાર્યવાહીના મામલે સુપ્રીમ કોર્ટે સોમવારે સુનાવણી કરી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે, કોઈનું ઘર માત્ર એટલે કેવી રીતે ધરાશાયી કરી શકાય છે કેમ કે તે આરોપી છે. અરજીમાં નોટિસ વિના ઘરોને ધરાશાયી કરવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે, મ્યુનિસિપલ નિયમો મુજબ નોટિસ આપીને ગેરકાયદેસર નિર્માણને ધ્વસ્ત કરી શકાય છે.
ત્યારબાદ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે આ બાબતે દિશા-નિર્દેશ બનાવીશું. તેનું બધા રાજ્ય પાલન કરે. દેશભરમાં ચાલી રહેલી બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટ આગામી સુનાવણી 17 સપ્ટેમ્બરે કરશે. જસ્ટિસ ગવઈએ કહ્યું કે, ઉત્તર પ્રદેશ સરકારની એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે અચલ સંપત્તિને કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા મુજબ જ ધ્વસ્ત કરી શકાય છે. ઉત્તર પ્રદેશના વિશેષ સચિવ ગૃહે પણ એફિડેવિટ દાખલ કરી છે. અમે અખિલ ભારતીય સ્તર પર કેટલાક દિશા-નિર્દેશ નક્કી કરવાનો પ્રસ્તાવ રાખીએ છીએ, જેથી ઉઠાવવામાં આવેલી ચિંતાઓનું સમાધાન કરી શકાય.
તેમણે કહ્યું કે, અમે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાંની પ્રશંસા કરીએ છીએ. અમને લાગે છે કે એ ઉચિત છે કે પક્ષકારોના વકીલ સૂચન આપે જેથી કોર્ટ એવા દિશા-નિર્દેશ નક્કી કરી શકે જે અખિલ ભારતીય સ્તર પર લાગૂ થાય. જસ્ટિસ ગવઈએ કહ્યું હતું કે, અમે બધાને અનુરોધ કરીએ છીએ કે તેઓ પોતાના પ્રસ્તાવ સીનિયર એડવોકેટ નચિકેત જોશીને આપે અને તેમને અનુરોધ છે કે તેઓ તેને એકત્રિત કરે અને કોર્ટમાં રજૂ કરે.
ઉલ્લેખનીય છે કે, જમિયત ઉલેમા એ હિન્દની અરજી દાખલ કરીને સરકારો દ્વારા આરોપીઓના ઘરો પર મનમાનીપૂર્ણ બુલડોઝર ચલાવવા પર રોક લગાવવાની માગ કરવામાં આવી છે. અરજીમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં હાલમાં થયેલી બુલડોઝર કાર્યવાહીઓનો ઉલેખ કરતા લઘુમતી સમુદાયને નિશાનો બનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અરજીમાં બુલડોઝર જસ્ટિસની પ્રવૃત્તિ પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટ પાસે તાત્કાલિક સુનાવણી કરવાની માગ કરી હતી.