આમ આદમી પાર્ટી (AAP)ના કાઉન્સિલર રામચંદ્રએ દાવો કર્યો છે કે, 4-5 લોકો તેમના ઘરે આવ્યા અને તેમને બોલાવ્યા. ત્યારબાદ એ લોકો ભારતીય જનતા પાર્ટી (BJP)ની ઓફિસ લઈ ગયા. ત્યાં લઈ જઈને કહ્યું કે, આ પ્રકારે કરશો તો સારું નહીં થાય. ED-CBIને જાણો છો? તેમણે મને આ પ્રકારની ધમકી આપી. કહ્યું કે, તમારા માટે સારું નહીં રહે. બવાનાના વોર્ડ નંબર 28ના કાઉન્સિલર રામચંદ્ર, એ 5 કાઉન્સિલરોમાંથી એક હતા, જે ગત રવિવારે ભાજપમાં સામેલ થઈ ગયા હતા. જો કે, થોડા જ દિવસ બાદ તેઓ AAPમાં ફરીથી આવતા રહ્યા હતા.
તેમણે દાવો કર્યો હતો કે તેમના સપનામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવ્યા હતા, ત્યારબાદ તેમનું મન બદલાઈ ગયું. ત્યારબાદ એક વીડિયો સંદેશમાં તેમણે કહ્યું કે, કેટલાક લોકો તેમને ભાજપના મુખ્યાલય લઈ ગયા હતા. ત્યાં તેમણે મને ધમકી આપી કે, મને ED અને CBI દ્વારા ફસાવી દેવામાં આવશે. મારા પુત્ર આકાશે પોલીસ હેલ્પનાઇન પર ફોન કર્યો, જ્યારે પાર્ટીના અમારા વરિષ્ઠ નેતાઓએ પોલીસ કમિશનરને ફોન કર્યો. જ્યારે તેમને (ભાજપ) આ બાબતે ખબર પડી તો તેમણે મને પાછો ઘર મોકલી દીધો.
તેમણે AAP દ્વારા જાહેર કરાયેલા વીડિયોમાં કહ્યું કે, હું ભાજપને બતાવવા માગું છું કે મને ED અને CBIથી ડર લાગતો નથી. મેં કંઇ ખોટું નથી કર્યું. હું દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો એક સિપાહી છું. તો AAPના રાજ્યસભાના સાંસદ સંજય સિંહે રામચંદ્રના પુત્રનો એક વીડિયો X પર શેર કર્યો છે જેમાં તેમણે આરોપ લગાવ્યો કે તેના પિતાનું અપહરણ કરી લેવામાં આવ્યું છે. વીડિયોમાં આકાશે કહ્યું કે, મારા પિતાને ભાજપના એક પૂર્વ કાઉન્સિલરનો ફોન આવ્યો.
ફોન પર કહ્યું કે, અમે તમને મળવા માટે તમારા ઘર બહાર ઊભા છીએ. મારા પિતા પોતાની ઓફિસથી બહાર નીચે ઉતર્યા. અમને જાણકારી મળી છે કે 4-5 લોકોએ મારા પિતાને ધમકી આપી કે તેમને ED-CBI દ્વારા ફસાવી દેશે અને તેઓ તેમને લઈ ગયા. અમે તેમની શોધખોળ કરી રહ્યા છીએ. સંજય સિંહની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાએ પણ આકાશે લગાવેલા આરોપોનું પુનરાવર્તન કર્યું. AAPના ધારાસભ્ય અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારી દુર્ગેશ પાઠકે એક X પોસ્ટમાં કહ્યું કે, ‘AAPના કાઉન્સિલર રામચંદ્રજીને ભાજપના કાઉન્સિલરે પોતાના ગુંડાઓ સાથે અપહરણ કરી લીધું અને રામચન્દ્રજીને ક્યાં લઈ ગયા કોઈને ખબર નથી.
તેમણે કહ્યું કે, અમે ભાજપને ચીમકી આપીએ છીએ કે જો આગામી એકથી દોઢ કલાકમાં રામચંદ્રને તેમના ઘરે ન પહોંચાડવામાં આવ્યા તો અમે એવો હોબાળો કરીશું કે આખી ભાજપ હાલી જશે. તેના પર પલટવાર કરતા ભાજપની દિલ્હી એકાઈના પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે મનીષ સિસોદિયા અને AAPના MCD પ્રભારી પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો. કપૂરે X પર એક પોસ્ટમાં કહ્યું કે, ‘કાઉન્સિલર રામચંદ્ર તમારી પાર્ટીમાં છે કે નહીં, અમને તેનાથી કોઈ ફરક પડતો નથી. એ નક્કી છે જ્યારે તમે અફવા ફેલાવી રહ્યા છો તો તેઓ પોતાના ઘરે બેઠા છે.