ઉત્તર પ્રદેશમાં આવેલા મુઝફ્ફરનગરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં GST વિભાગના કર્મચારીઓ એક યુવકના ઘરે પહોંચ્યા અને દરવાજો ખટખટાવ્યો. જ્યારે યુવક બહાર આવ્યો ત્યારે તેને કહેવામાં આવ્યું કે, તેના નામે એક કંપની ચાલી રહી છે. તે કંપનીમાં આશરે રૂ. 250 કરોડના GST E-બિલિંગ વ્યવહારો થયા છે. આ સાંભળીને યુવકના હોશ ઉડી ગયા.
હકીકતમાં રતનપુરી પોલીસ સ્ટેશન વિસ્તારના બડસુ ગામમાં રહેતા એક બેરોજગાર યુવક અશ્વની કુમારને થોડા દિવસો પહેલા વોટ્સએપ પર એક કોલ આવ્યો હતો. આ કોલ પર નોકરી મેળવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. નોકરીની લાલચના કારણે અશ્વનીએ તેની પાસે માંગવામાં આવેલા દસ્તાવેજો વોટ્સએપ પર મોકલી આપ્યા હતા.
અશ્વનીનું કહેવું છે કે, તેણે દસ્તાવેજો સાથે 1750 રૂપિયા મોકલ્યા હતા, પરંતુ તેને નોકરી મળી ન હતી. હવે, અશ્વનીના નામે નકલી કંપની અને બેંક એકાઉન્ટ ખોલીને લગભગ રૂ. 250 કરોડની GSTની E-વે બિલિંગ છેતરપિંડી કરવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે, આ મામલે GST વિભાગ સાથે મળીને આગોતરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
SP ગ્રામીણ આદિત્ય બંસલે કહ્યું કે જુઓ, આ રકમ કોઈ વ્યક્તિના ખાતામાં નથી આવી. રતનપુરીના રહેવાસી અશ્વની કુમારના દસ્તાવેજો તેમને નોકરી અપાવવાના બહાને લઈ લેવામાં આવ્યા હતા અને તે દસ્તાવેજોના આધારે નકલી કંપની અને નકલી બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા, જેના કારણે GSTના E-વે બિલિંગની છેતરપિંડી કરવામાં આવી હતી. તેમાંથી લગભગ 250 કરોડ રૂપિયાનું નકલી E-વે બિલિંગ તૈયાર કરવામાં આવ્યું છે. આ અંગે GST વિભાગ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. તેમની સાથે મળીને અગ્રીમ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
પીડિત યુવક અશ્વની કુમારે જણાવ્યું કે, તેને વોટ્સએપ પર નોકરી માટે કોલ આવ્યો હતો. મારી પાસેથી કાગળો માંગવામાં આવ્યા હતા, જેમાં મારા ઘરનું વીજળીનું બિલ અને પિતાનું આધાર કાર્ડ અને 1750 રૂપિયા લેવામાં આવ્યા હતા. મારા નામે કોઈ કંપની ચાલતી હોવાની મને જાણ નથી. GST વિભાગની ટીમ આવી છે. તેમણે કહ્યું કે, મારા નામે કોઈ ફર્મ ચાલી રહી છે. GST વિભાગે અમને બોલાવ્યા છે અને કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે. આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દેવામાં આવી છે.