રાજકીય બદલાવ બાદ બાંગ્લાદેશ આર્થિક સંકટથી ઝઝૂમી રહ્યું છે, તેની અસર હવે દેશની પાવર સપ્લાઈ પર પણ પડી શકે છે. કારણ અદાણી ગ્રુપની એક ચીમકી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે બાંગ્લાદેશની વચગાળાની સરકાર વહેલી તકે 500 મિલિયન ડોલર (લગભગ 4200 કરોડ રૂપિયા) બાકી છે તે ચૂકવે. અદાણી ગ્રુપ ‘બાંગ્લાદેશ ગોડ્ડા વીજ પરિયોજના’ હેઠળ બાંગ્લાદેશને વીજળી સપ્લાઈ કરે છે. અદાણી પાવરે ફાઇનાન્શિયલ ટાઇમ્સને જણાવ્યું કે, તેમની બાંગ્લાદેશ સરકાર સાથે વાતચીત થઈ રહી છે અને તેમને આ સંબંધમાં જાણકારી આપી દેવામાં આવી છે.
અદાણી ગ્રુપ તરફથી કહેવામાં આવ્યું છે કે, ઘણું બધુ બાકી હોવા છતા હાલમાં તેઓ ગોડ્ડા વીજ પરિયોજના હેઠળ બાંગ્લાદેશને સપ્લાઈ આપતું રહેશે. નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યૂનુસના નેતૃત્વવાળી નવી વચગાળાની સરકારને દેશની અર્થવ્યવસ્થાને ટ્રેક પર લાવવા માટે મોટા પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, ગત અઠવાડિયા સુધી બાંગ્લાદેશ પર કુલ 3.7 બિલિયન ડોલરની વીજ દેવાદારી હતી. આ રિપોર્ટમાં મોહમ્મદ યૂનુસના ઉચ્ચ ઉર્જા સલાહકાર મુહમ્મદ ફૌજુલ કબીર ખાને કહ્યું કે, દેશ પર અદાણીનું 800 મિલિયન ડોલર સુધીનું દેવું છે.
ગયા વર્ષે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ તત્કાલીન વડાપ્રધાન શેખ હસીના સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ઝારખંડના ગોડ્ડા જિલ્લામાં 1600 મેગાવોટના અલ્ટ્રા સુપર ક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટથી બાંગ્લાદેશને વીજળીની સપ્લાઈ શરૂ કરવામાં આવી હતી, જેથી તે ભારતનો એકમાત્ર એવો પાવર પ્લાન્ટ બની ગયો હતો, જે પોતાનું સંપૂર્ણ ઉત્પાદન પાડોશી દેશને નિકાસ કરે છે, પરંતુ હાલમાં જ તેમાં સંશોધન પણ કરવામાં આવ્યું છે. આ ડીલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 2015માં ઢાકા યાત્રા દરમિયાન સહમતી બની હતી, જો કે, આ યોજનાની ખૂબ ટીકા પણ થઈ હતી.
મોહમ્મદ ફૌજુલ કબીર ખાને કહ્યું કે, વચગાળાની સરકારે દેશની નાણાકીય સ્થિતિને સારી બનાવવા માટે વર્લ્ડ બેન્ક પાસે અબજો ડોલરની લોન માગી છે. મોહમ્મદ યૂનુસે ઓગસ્ટમાં વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર તરીકે બાંગ્લાદેશની સત્તા સંભાળી હતી. આ પદ સરકારી નોકરીઓમાં અનામતના મુદ્દા પર વિદ્યાર્થી નેતૃત્વમાં ઘણા અઠવાડિયા સુધી ચાલેલા વિરોધ પ્રદર્શન બાદ સાંભળ્યું હતું, જેના કારણે શેખ હસીનાને રાજીનામું આપીને દેશ છોડીને ભાગવું પડ્યું હતું.