વિનેશ ફોગાટનું વજન 100 ગ્રામ વધારે હોવાને કારણે પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની 50 Kg કુસ્તી સ્પર્ધાની ફાઇનલ મેચમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. તે ખાલી હાથે રહી હતી અને કુસ્તીમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. આ ઘટનાના એક મહિનાથી વધુ સમય પછી, તે રાજકારણમાં તેની કારકિર્દી શરૂ કરવા કોંગ્રેસમાં જોડાઈ. તે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં જુલાનાથી કોંગ્રેસના ઉમેદવાર છે. એક ઈન્ટરવ્યુમાં તેણે ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ PT ઉષા, મોદી સરકાર અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ સંજય સિંહ પર પ્રહાર કર્યા હતા.
અજીત અંજુમની યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં વિનેશ ફોગાટે કહ્યું કે, પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની 50 Kg કુશ્તી સ્પર્ધાની ફાઈનલમાંથી અયોગ્ય જાહેર થયા પછી તેને સરકાર તરફથી કોઈ મદદ મળી નથી. તે એકલી હતી. તેણે કહ્યું કે જો મદદ મળી હોત તો મેડલ 6ને બદલે 7 હોત. તેણે પેરિસમાં રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ સંજય સિંહની ઉપલબ્ધતા પર સવાલ ઉઠાવ્યા. PT ઉષા અંગે તેમણે કહ્યું કે, PT ઉષાએ હોસ્પિટલમાં તેમની સાથે ફક્ત ફોટોગ્રાફ જ ક્લિક કર્યા છે. તેમના તરફથી પણ કોઈ સહયોગ મળ્યો નથી.
વિનેશ ફોગાટે મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, મારી સાથે ખોટું થયું છે. જો કોઈ અન્ય દેશમાં કોઈપણ નાગરિક સાથે કોઈ ખોટું થાય. પ્રથમ તો તે નાગરિક લડાઈ લડે. એક જે વ્યક્તિ દેશનું પ્રતિનિધિત્વ કરે, તેમાં તફાવત હોય છે. આ જ તફાવત મારી સાથે હતો. હું ત્યાં એકલી જ ઉભી હતી. જો સરકારે પોતાની તરફથી રજૂઆત કરી હોત. સરકાર જો અમારી… જેઓ કહે છે કે PM મોદીજીનો ડંકો વાગે છે. જો તેમણે ત્યાં ડંકો વગાડ્યો હોત તો કદાચ તે 6 ના 7 મેડલ થઇ શક્યા હોત.’
વિનેશ ફોગાટે પેરિસમાં સંજય સિંહની ઉપલબ્ધતા પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું, ‘તે પ્રમુખ હતા જ નહીં. જો ભારત સરકાર દ્વારા કોઈ ફેડરેશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય, તો પછી તેઓ પ્રમુખ કેવી રીતે રહી શકે? તે PT ઉષા સાથે કેવી રીતે મળી શકે. તમે જરા વિચારો, એ માણસ ત્યાં કેમ ગયા હતા? જે માણસને જે ફેડરેશનને ભારત સરકારે માન્યતા આપી નથી, તે માણસ ઓલિમ્પિક જેવી ઈવેન્ટમાં ગયો છે, તે ઈન્ટરનેશનલ ફેડરેશનના પ્રમુખને મળી રહ્યો છે. તેનું મહત્વ શું અને તેનો અર્થ તમે કેવો નીકાળી શકો છો. તમે વિચારી લો, તે ગમે તે હોય. આનાથી વધુ હું શું કહું? તે માણસ તેમને ત્યાં કેમ મળ્યો? તે ત્યાં શું કરવા ગયા હતા?’
વિનેશ ફોગટે PT ઉષા વિશે કહ્યું, ‘PT ઉષા મેડમ ત્યાં આવ્યા હતા. સારું છે, હું હોસ્પિટલમાં હતી એટલે આવ્યા. તેમણે એક ફોટો પડ્યો. કોઈ હાલ ચાલ ન પૂછ્યા, કંઈ નહીં. શું મતલબ તેનો… મને ખબર નથી કે ત્યાં મને શું સમર્થન મળ્યું. રાજકારણમાં પડદા પાછળ અને સામે ઘણું બધું થાય છે. ત્યાં પણ રાજકારણ થયું છે. રાજકારણ… મારો મતલબ, આ કારણે જ મારું દિલ તૂટી ગયું. નહીં તો ઘણા લોકો કહી રહ્યા હતા, ન છોડો, કુસ્તી ન છોડો. કોના માટે કરું? બધે જ રાજનીતિ છે, તો ચાલો એવી વાત છે તો કરી લઈએ રાજનીતિ, પછી ઓછામાં ઓછું મારી સાથે જે કંઈ ખરાબ થયું તે ભવિષ્યમાં બાળકો સાથે તો નહીં થાય. ઓછામાં ઓછું જો અમારા જેવા ખેલાડીઓ થોડું ઘણું પણ કરી શકશે તો અમે તેમના માટે ઊભા રહી શકીશું. કૃપા કરીને મને આટલી તો શક્તિ આપો.’