fbpx

બાપ્પાની 4 લાખની સોનાની ચેન વિસર્જન વખતે કાઢવાનુ ભૂલી ગયા, તંત્રને હલાવી નાખ્યું

Spread the love

દેશભરમાં ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આનંદના આ તહેવારમાં બેંગલુરુમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક યુગલે આકસ્મિક રીતે ગણેશની મૂર્તિની સાથે 4 લાખ રૂપિયાની સોનાની ચેઈનનું વિસર્જન કર્યું હતું. ભગવાન સાથે તેમનું સોનું પણ દરિયામાં જતું રહ્યું, તો દંપતી ટેન્શનમાં આવી ગયું હતું. જોકે, 10 કલાકની શોધખોળ અને તળાવમાંથી 10,000 લીટર પાણી કાઢવામાં આવતાં આ સોનાની ચેન મળી આવી હતી.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, મામલો પશ્ચિમ બેંગલુરુના વિજયનગરના દશરહલ્લી સર્કલનો છે. અહીંના ગોવિંદરાજનગર પાસે મચોહલ્લી ક્રોસના રહેવાસી રામૈયા અને ઉમાદેવીએ જણાવ્યું કે, તેઓએ ગણેશોત્સવના અવસર પર પોતાના ઘરમાં ગણેશની મૂર્તિ સ્થાપિત કરી હતી. તેમણે મૂર્તિને ફૂલો અને અન્ય સુશોભન વસ્તુઓથી શણગારી હતી. આ ઉપરાંત 4 લાખની કિંમતની 60 ગ્રામ સોનાની લાંબી ચેઈન પણ મૂર્તિને પહેરાવી હતી. શનિવાર, 7 સપ્ટેમ્બરના રોજ પૂજા કર્યા પછી, તેઓ મૂર્તિને વિસર્જન કરવા માટે લગભગ 9.15 વાગ્યે મોબાઇલ ટાંકી પર લઈ ગયા. પરંતુ, તેઓ સોનાની ચેઈન કાઢવાનું ભૂલી ગયા હતા. રાત્રે 10 વાગ્યાની આસપાસ ઘરે પરત ફરતા તેમને યાદ આવ્યું કે, મૂર્તિની સાથે સોનાની ચેઈન પણ ગાયબ થઈ ગઈ છે.

આ પછી, શિક્ષક દંપતી ઝડપથી 10.30 વાગ્યે મોબાઇલ ટેન્ક પર પાછા ફર્યા. તેમણે વિસર્જન માટે ત્યાં તૈનાત યુવાનો પાસેથી સોનાની ચેઈન અંગે પૂછપરછ કરી હતી. આ દરમિયાન યુવકે દંપતીને કહ્યું કે, તેમણે મૂર્તિ પર સોનાની ચેન જોઈ છે. પરંતુ તેઓએ વિચાર્યું કે તે નકલી હશે. તેથી તેમણે તે ચેન સહિત મૂર્તિનું વિસર્જન કર્યું હતું.

આ સમય દરમિયાન દંપતીએ મગડી રોડ પોલીસને જાણ કરી અને ગોવિંદરાજનગરના ધારાસભ્ય પ્રિયા કૃષ્ણને ઘટના વિશે જાણ કરી. તેમણે ધારાસભ્ય અને પોલીસને ચેન શોધવામાં મદદ કરવા વિનંતી કરી. આ પછી ધારાસભ્ય કૃષ્ણાએ મોબાઈલ ટેન્કના કોન્ટ્રાક્ટર લંકેશ D સાથે વાત કરી અને તેમને ચેઈન શોધીને ઉમાદેવીને પરત કરવા કહ્યું.

રાત્રે ટાંકી પર હાજર છોકરાઓએ થોડીવાર ટાંકીની શોધખોળ કરી. આ પછી તેમણે દંપતીને સવારે આવવા કહ્યું. જો કે, દંપતીના પરિવારના સભ્યોએ સાંકળ શોધવાની પરવાનગી માંગી હતી અને બીજા દિવસે સવારે 5 વાગ્યા સુધી પાણી પંપ કરીને જાતે શોધ ચાલુ રાખી હતી. જો કે શોધખોળ પછી પણ તેઓને કંઈ ન મળતા તેઓ ઘરે પરત ફર્યા હતા.

આ પછી સવારે મોબાઈલ ટેન્ક કોન્ટ્રાક્ટર લંકેશે ચેઈન શોધવા માટે 10 લોકોને બોલાવ્યા હતા. તેમણે કહ્યું, ‘અમે લગભગ 300 મૂર્તિઓનું તળાવમાં વિસર્જન કર્યું હતું અને મૂર્તિઓના વિસર્જન પછી તળાવમાં મોટી માત્રામાં માટી એકઠી થઈ ગઈ હતી. કાદવ કીચડનો ઢગલો થઇ ગયો હતો. અમારા બે મિત્રોએ રવિવારે સવારે 10 થી 12.30 વાગ્યા સુધી શોધખોળ કરી અને ચેન શોધી કાઢી હતી. ત્યાર પછી અમે ઉમાદેવી અને રામૈયાનો સંપર્ક કર્યો અને તેમને સોનાની ચેન પાછી આપી. આ અંગે અમે પોલીસ અને ધારાસભ્યને પણ જાણ કરી હતી.’

આ રીતે લગભગ 10 કલાકની શોધખોળ કર્યા પછી સોનાની ચેન મળી આવી હતી. આ તપાસ દરમિયાન અંદાજે 10,000 લીટર પાણી પમ્પ દ્વારા બહાર કાઢવામાં આવ્યું હતું અને કાદવના ઢગલામાં ઘણી મહેનત પછી સોનાની ચેન મળી શકી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સોનું શોધવા માટે આખું ટેન્કર ખાલી કરી દેવાયું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ પછી, તેમાં વિસર્જન કરાયેલ ગણેશની મૂર્તિ ખૂણામાં પડેલી જોવા મળે છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!