ભાવનગરના સુભાષનગર હમીરજી પાર્કની નજીક બનેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો 2 વર્ષમાં જ જર્જરિત થઈ ગયા હોવાની જાણકારી મળી રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા મોટાભાગના મકાનોમાં ભેજ, પોપડા ખરવા, સ્વિચ બોર્ડમાં શોર્ટ સર્કિટ તેમજ પાણીને લઇને પ્રશ્નો અને ડ્રેનેજ લીકેજની સમસ્યા જોવા મળી રહી છે, જેના કારણે અહીં રહેતા લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે અને ચોમાસાની સીઝનમાં બીમારીઓ ફેલાવાની સંભાવના વર્તાઇ રહી છે. માત્ર 2 જ વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનની સ્થિતિ એવી થતા તેની ગુણવત્તા સામે સવાલો ઉઠી રહ્યા છે.
મધ્યમ અને ગરીબ વર્ગના લોકોએ ખૂબ મહેનત અને મોટી અપેક્ષાઓ સાથે ઘર બનાવ્યું હોય છે, પરંતુ માત્ર 2 જ વર્ષમાં આવી સ્થિતિ થવાથી આવાસ યોજનાના પ્રમુખ અને રહેવાસીઓ દ્વારા કમિશનરને રજૂઆત કરીને પોતાની 7 માગો રાખી હતી. ભાવનગરના સુભાષનગર વિસ્તારના હમીરજી પાર્કની બાજુમાં આવેલા 2548 પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો 2 વર્ષ અગાઉ ઑગસ્ટ 2022માં ફાળવવામાં આવ્યા હતા. લોકોએ ખૂબ મહેનત અને મોટી આશા સાથે પોતાનું ઘર બનાવ્યું હતું, પરંતું માત્ર 2 જ વર્ષમાં આવાસ યોજનાના મકાનોની આવી હાલતથી ત્યાં રહેતા લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
રહેવાસીઓએ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, આવાસ યોજનાના મોટા ભાગના મકાનોમાં ભેજ જોવા મળે છે અને જેના કારણે મકાનની દીવાલોમાંથી પોપડા પડી રહ્યા છે. એ સિવાય ડ્રેનેજ પાઈપમાં તેમજ શૌચાલય અને બાથરૂમમાંથી પાણીના લીકેજ થઇ રહ્યું છે, જેના કારણે ગંદકી ફેલાતી હોવાથી વરસાદમાં બીમારી ફેલાવાનો ભય રહે છે. અહીં લગાવવામાં આવેલા સ્વિચ બોર્ડ તુટેલી હાલતમાં છે. એટલે શોર્ટ સર્કિટના કારણે મોટી દુર્ઘટના ઘટી શકે છે. આ સમસ્યાનુંસમાધાન લાવવું જરૂરી છે. નહિતર જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોર્પોરેશનની રહેશે.
રહેવાસીઓએ આરોપ લગાવ્યો કે મકાનોમાં ભેજના કારણે પોપડા ખરી રહ્યા છે, છતા જવાબદાર એજન્સી દ્વારા તેના સમારકામની કામગીરી પણ કરવામાં આવતી નથી. એ સિવાય પ્રધાનમંત્રી આવાસ યોજનાની આસપાસ આવેલી દીવાલ જર્જરિત થઈ ગઈ છે તેમજ મકાનો બહાર ભરાયેલું વરસાદનું પાણી લીફ્ટ સુધી જતું રહે છે. ભાવનગરના સુભાષ નગરના પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં લિફ્ટ, પાણીની મોટરને લગતા ઘણા પ્રશ્નોના કારણે ત્યા રહેતા લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
2548 પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રમુખ પારૂલબેન ત્રિવેદી અને આવાસ યોજનાના રહેવાસીએ અહીંના પ્રાથમિક પ્રશ્નોના ઉકેલ માટે મહાનગરપાલિકામાં રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આશરે 320 મકાનો છે અને તેમાં 280 પરિવાર રહે છે, પરંતુ માત્ર 2 જ વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોની સ્થિતિ જર્જરિત થઇ જતા તેની ગુણવત્તા સામે સવાલો ઉઠી રહ્યા છે. અહીંના રહેવાસીઓએ બીજી વાર આ મામલે રજૂઆત કરી છે. આ અગાઉ લગભગ 3 મહિના અગાઉ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેનો કોઇ ઉકેલ ન આવતા બીજી વખત રજૂઆત કરવામાં આવી છે.