વરસાદી સીઝનમાં પાણી ભરાવાના કારણે પાણીજન્ય બીમારીઓ ફાટી નીકળે છે. સુરતની પણ કંઇક એવી જ સ્થિતિ છે. છેલ્લા કેટલાક દિવસથી સુરતની સરકારી અને ખાનગી હૉસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા સમયે સમયે આરોગ્ય વિભાગે કરેલા સર્વે અને દંડની કામગીરીનો રિપોર્ટ જાહેર કરવામા આવે છે, પરંતુ સુરતના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ જ મ્યુનિસિપાલ કમિશનરને ચિઠ્ઠી લખીને SMCની પોલ ખોલી દીધી છે. વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાનાણીએ ચિઠ્ઠીમાં જણાવ્યું છે કે, સુરત શહેરની અંદર ડેન્ગ્યૂ તેમજ મલેરિયા જેવા ભયંકર રોગચાળા ફાટી નીકળ્યા છે, જેના કારણે લોકોનો મૃત્યું આંક પણ વધી રહ્યો છે.
હાલમાં સરકારી તેમજ ખાનગી હૉસ્પિટલોમાં દર્દીઓને સારવાર માટે જગ્યા મળી રહી નથી. બ્લડ બેન્કોમાં પણ દર્દીઓનું બ્લડ ઉપલબ્ધ થતું નથી. એવી ભયંકર પરિસ્થિતિમાં સુરત મહાનાગરપાલિક અને તેમનું આરોગ્યતંત્ર નિંદ્રાધીન અવસ્થામાં હોય તેમ લાગી રહ્યું છે. જે વિસ્તારમાં ડેન્ગ્યૂ તેમજ મલેરિયાના કેસો આવે છે તે વિસ્તારમાં આરોગ્ય તંત્ર દ્વારા ધૂમ્રસેલ તેમજ દવા છંટકાવ જેવી કામગીરી કરવામાં આવતી નથી. ફિલ્ડમાં આવા રોગોના નિયંત્રણ માટે કોઇ પ્રકારની સંઘન કામગીરી થતી નથી.
તેમણે ચિઠ્ઠીમાં આગળ લખ્યું કે, સુરત મહાનગરપાલિકનું તંત્ર માત્ર AC ચેમ્બરોમાં બેસીને કાગળ પર કામ કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. તો આ બાબતે સુરત મહાનગરપાલિકાએ નિંદ્રા અવસ્થામાંથી જાગીને લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને તાત્કાલિક ધોરણે યોગ્ય કામગીરી કરવામાં આવે એ બાબતે યોગ્ય પગલાં લેશો.
કુમાર કાનાણીએ વધુમાં જણાવ્યું કે, મને ખ્યાલ છે ત્યાં સુધી થોડા સમય અગાઉ ડેન્ગ્યૂનો એક પણ કેસ આવ્યો હોય તો તંત્ર દોડતું થઇ જતું હતું. જ્યાં કેસ મળ્યો હોય તેની આસપાસના વિસ્તારમાં સર્વે કરવામાં આવતો હતો અને તંત્ર દોડતું થઇ જતું હતું. કેસ આવ્યો હોય તેની આસપાસ ધુમ્રસેલ જાય અને ક્યાં પાણી ભરાયા છે તેની તપાસ થતી હતી. એ સિવાય ચોમાસામાં આરોગ્યની ટીમ ઘરે ઘરે જતી હતી અને લોકોને તાવ કે અન્ય કોઇ લક્ષણ છે તેનો સર્વે કરતી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો કોઇને તાવ આવતો હોય તેના રિપોર્ટ કરાવવામાં આવતો હતો અને દવા પણ અપાતી હતી. હાલમાં ચોમાસુ પુરું થવા આવ્યું છે, પરંતુ મેં એક પણ અધિકારીને મારા ઘરે કે મારી સોસાયટીમાં જોયા નથી. એટલે મને એવું લાગે છે આટલો ભયંકર રોગચાળો છે તેમ છતા પણ વિભાગ કામે લાગ્યું નથી એટલે ચિઠ્ઠી લખી છે અને તંત્રને જગાડવા પ્રયાસ કર્યો છે. ખેર હવે જોવાનું એ રહેશે કે આ ચિઠ્ઠી બાદ SMCની આંખ ઉઘડે છે કે નહીં.