અત્યારે દેશભરમાં ગણેશ ઉત્સવ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. લોકો બાપ્પાની પૂજા ખૂબ શ્રદ્ધાભાવ સાથે કરે છે. 9 દિવસ સુધી પૂજા કર્યા બાદ લોકો બાપ્પાને ભાવભીની વિદાઇ આપતા તેમની પ્રતિમાનું પાણીમાં વિસર્જન કરે છે. 17 તારીખે અનંત ચૌદશ આવે છે અને એ દિવસે બાપ્પાની પૂજાનો છેલ્લો દિવસ હોય છે. પરંતુ શું તમને ખબર છે કે ગણપતિ બાપ્પાની મૂર્તિને પાણીમાં કેમ વિસર્જન કરવામાં આવે છે. ચાલો આ આર્ટિકલમાં આપણે એ બાબતે જાણીએ.
બાપ્પાની વિદાઈનું દૃશ્ય મનમોહક સાથે જ હૃદયદ્રાવક પણ હોય છે. ગણેશ વિસર્જન પર ભક્તો નાચતા-કૂદતા ગણપતિ બાપ્પાને વિદાઇ આપે છે અને તેમની પ્રતિમાને પવિત્ર નદીઓમાં વિસર્જિત કરે છે. જતા જતા ગણેશ ભગવાન પોતાના ભક્તિની બધી ઈચ્છાઓ પણ પૂરી કરી જાય છે. પરંતુ વિસર્જન બાદ બાપ્પાની ખંડિત મૂર્તિઓ રઝળતી હોય તેવા દુઃખદ દૃશ્યો પણ સામે આવે છે. આ વખત એવું ન થાય તેવી કાળજી લેવી જોઇએ, તંત્રએ પણ વિશેષ ધ્યાન આપવું જોઇએ.
પૌરાણિક માન્યાઓ મુજબ શ્રીવેદ વ્યાસે ગણેશ ચતુર્થીથી શ્રીગણેશને મહાભારત કથા સતત 10 દિવસ સુધી સંભળાવી હતી. 10 દિવસ બાદ જ્યારે વેદ વ્યાસજીએ આંખો ખોલી તો જોયું કે 10 દિવસની મહેનત બાદ ગણેશજીનું તાપમાન ખૂબ વધી ગયું છે. એવામાં વેદ વ્યાસજીએ તરત જ ગણેશજીને નજીકના સરોવરમાં લઈ જઈને ઠંડા પાણીમાં સ્નાન કરાવ્યું હતું. કહેવાય છે કે એટલે ગણેશ સ્થાપના કરીને ચૌદશે શીતળ કરવામાં આવે છે.
ગણેશ ચતુર્થી અને વિસર્જનનો મહિમા:
ભાદરવા શુક્લ પક્ષની ચતુર્થીએ ગણેશ મહોત્સવની શરૂઆત થાય છે. ભગવાન ગણેશની ઉપાસના ચૌદશ સુધી થાય છે. શ્રી ગણેશ પ્રતિમાની સ્થાપના ચતુર્થીએ કરવામાં આવે છે અને વિસર્જન ચૌદશે કરવામાં આવે છે. આ 9 દિવસને ગણેશ નવરાત્રી પણ કહેવામાં આવે છે. માન્યતા છે કે પ્રતિમાનું વિસર્જન કરવાથી ભગવાન ફરી કૈલાશ પર્વત પર પહોંચે છે. સ્થાપનાથી વધુ વિસર્જનની મહિમા હોય છે. આ દિવસે અનંત શુભ ફળ પ્રાપ્ત કરવામાં આવે છે એટલે આ દિવસને અનંત ચૌદશ પણ કહેવામાં આવે છે.
ગણેશ વિસર્જનના સમયે એક ભોજપત્ર કે પીળા કાગળ પર સૌથી ઉપર સ્વસ્તિક બનાવો. ત્યારબાદ સ્વસ્તિક નીચે ૐ ગં ગણપતે નમઃ’ લખો. પછી ક્રમથી એક એક કરીને પોતાની બધી સમસ્યાઓ લખો. સમસ્યાઓના અંતમાં પોતાનું નામ લખો. ફરી ગણેશ મંત્ર લખો. સૌથી અંતમાં સ્વસ્તિક બનાવો. કાગળને વાળીને રક્ષા સૂત્રથી બાંધી દો અને ગણેશજીને સમર્પિત કરો. આ કાગળને પણ ગણેશજીની પ્રતિમા સાથે જ વિસર્જિત કરી દો. પછી તમને બધી સમસ્યાઓથી છુટકારો મળી જશે.