અભિનેત્રી-ફિલ્મ નિર્માતા-રાજકારણી કંગના રણૌત ફિલ્મ ‘ઇમરજન્સી’ની રીલિઝની રાહ જોઈ રહી છે. કંગનાએ આ ફિલ્મ બનાવવા અને ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવવામાં ઘણી મહેનત કરી છે. જ્યારે આ ફિલ્મ બની ત્યારે કંગનાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેને બનાવવા માટે તેણે પોતાની પ્રોપર્ટી વેચવી પડી હતી.
વર્ષ 2020માં, BMC (બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન)એ ગેરકાયદે બાંધકામનો ઉલ્લેખ કરીને કંગનાની સંપત્તિ પર બુલડોઝર ચલાવ્યું હતું. કંગનાએ મુંબઈના પાલી હિલ સ્થિત આ ઓફિસને 32 કરોડ રૂપિયામાં વેચી દીધી, આ મહિનાની શરૂઆતમાં આવા સમાચાર આવ્યા હતા. આ અંગે કંગનાને એક ઈન્ટરવ્યુમાં સવાલ પૂછવામાં આવ્યો હતો.
કંગનાએ જણાવ્યું કે, તે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહી હતી, જેના કારણે તેણે આ પ્રોપર્ટી વેચવી પડી. કારણ કે ‘ઇમરજન્સી’ની રીલિઝ મોકૂફ રાખવામાં આવી હતી. આ પ્રોપર્ટી પર કંગનાએ તેની મણિકર્ણિકા ફિલ્મ્સની ઓફિસ ખોલી હતી. આ અભિનેત્રીની પ્રોડક્શન હાઉસ કંપની છે.
કંગનાએ કહ્યું, મારી આ ફિલ્મ રીલિઝ માટે તૈયાર હતી, જે હજુ સુધી રીલિઝ થઈ નથી. મારી અંગત સંપત્તિ દાવ પર હતી અને ફિલ્મ પણ રીલિઝ થઈ રહી ન હતી. ખરાબ સમયમાં તમારી મિલકત કામમાં આવે છે. જ્યારે તમે ખરાબ દિવસોમાંથી પસાર થઈ રહ્યા હોવ અને તમારો ખર્ચો યથાવત્ રહે, તો તમે પ્રોપર્ટી વેચવા સિવાય કંઈ જ વિચારી શકતા નથી. તેથી મેં તેને વેચી દીધું અને હવે તમે આ અંગે પણ મારી પાસેથી ખુલાસો માગી રહ્યા છો.
થોડા સમય પહેલા જ્યારે કંગનાએ Mashable India સાથે વાત કરી ત્યારે તેણે પોતાની પ્રોપર્ટીની ટૂર આપી હતી. કંગનાએ કહ્યું હતું કે, તે હંમેશા આ પ્રકારની જગ્યા ઈચ્છતી હતી. વર્ષ 2017માં કંગનાએ આ પ્રોપર્ટી 20.7 કરોડ રૂપિયામાં ખરીદી હતી. ત્યારપછી વર્ષ 2022માં કંગનાએ ડિસેમ્બર મહિનામાં 27 કરોડ રૂપિયાની લોન લીધી હતી. પ્રોપર્ટી વેચવાના થોડા દિવસો પહેલા જ કંગનાએ અન્ય જગ્યાએ ઓફિસ ભાડે લીધી છે, જેનું ભાડું 1.56 કરોડ રૂપિયા છે.
અહીં તમને જણાવી દઈએ કે, કંગના રણૌતે લોકસભા ચૂંટણી દરમિયાન 91 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી. અભિનેત્રીએ જણાવ્યું કે તેની પાસે 6.7 કિલો સોનું, 60 કિલો ચાંદી અને 3 કરોડ રૂપિયાના હીરાના ઘરેણાં છે. લક્ઝરી વાહનોનું કલેક્શન પણ છે, જેની કુલ કિંમત 5 કરોડ રૂપિયા છે. 2 લાખ રોકડ અને 1.35 કરોડનું બેંક બેલેન્સ છે. તેમના પર 17 કરોડ રૂપિયાનું દેવું છે.