fbpx

ટ્રેક પર ફિશ પ્લેટ-ચાવી રાખી સુરતમાં ટ્રેન પલટાવી નાખવાનો પ્રયાસ, જુઓ વીડિયો

Spread the love

દેશમાં રેલ્વે અકસ્માતોના પ્રયાસો પર રોક નથી લાગી રહી. કેટલાક અસામાજિક તત્વો અને ગુનેગારો સતત આવા ષડયંત્ર કરી રહ્યા છે, જેના કારણે ઘટનાઓ વધી રહી છે. તાજેતરનો કેસ ગુજરાતના સુરત નજીકનો છે. શનિવારે સુરતના કીમ રેલવે સ્ટેશન નજીક રેલવે ટ્રેક પરથી ફિશ પ્લેટ અને ચાવી મળી આવી હતી. આ માહિતીથી રેલવે વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. આ પ્રકારનું કૃત્ય કરનાર લોકોનો ઈરાદો ટ્રેનને પાટા પરથી ઉતારવાનો હતો, પરંતુ રેલવે અધિકારીઓની સતર્કતાને કારણે આ પ્રયાસ નિષ્ફળ ગયો હતો.

વેસ્ટર્ન રેલવેના વડોદરા ડિવિઝનએ જણાવ્યું હતું કે, અજાણ્યા બદમાશોએ અપ લાઇન પરથી ફિશ પ્લેટ અને ચાવીઓ કાઢીને ટ્રેક પર મૂકી દીધી હતી, જેના કારણે ટ્રેનોની અવરજવર ઠપ્પ થઈ ગઈ હતી. રેલવે ગ્રાઉન્ડ સ્ટાફે ઘટનાસ્થળે પહોંચીને અવરોધ હટાવીને રેલ વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

દરમિયાન, દિલ્હી અને મથુરા વચ્ચે માલસામાન ટ્રેન પાટા પરથી ઉતરી જવાને કારણે ખોરવાઈ ગયેલો રેલ વ્યવહાર પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. આગ્રામાં ડિવિઝનલ રેલ્વે મેનેજરની ઓફિસના જનસંપર્ક અધિકારી પ્રશસ્તિ શ્રીવાસ્તવે એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, ‘ગુરુવારે રાત્રે 10.30 વાગ્યે ત્રીજી લાઇન પરનો ટ્રાફિક પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો અને દિલ્હીથી આવતી માલસામાન ટ્રેનને આ લાઇન પરથી પસાર કરાવવામાં આવી હતી.’ તેમણે વધુમાં કહ્યું કે, ‘ત્રીજી લાઇન ચાલુ કરવાની સાથે જ, ‘અપ અને ડાઉન લાઇન’ પરનો ટ્રાફિક સરળતાથી ચાલી રહ્યો છે. દિલ્હીથી આવતી ઘણી ટ્રેનોને ત્રીજી લાઈનમાંથી પસાર કરવામાં આવી છે. જો કે, પ્રથમ અને બીજી લાઇનના સમારકામની કામગીરી હજુ ચાલુ છે. આ બંને લાઇન પર ટ્રાફિક પુનઃસ્થાપિત કરવામાં થોડો સમય લાગશે.’

બુધવારે સાંજે 7.54 વાગ્યે વૃંદાવન રોડ અને અજાઈ સ્ટેશનો વચ્ચે માલગાડી પાટા પરથી ઉતરી જવાને કારણે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના મથુરા-પલવલ સેક્શન પરનો રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, માલગાડીના પાટા પરથી ઉતરી જવાને કારણે પ્રથમ ત્રણ લાઈનો ખોરવાઈ ગયા પછી ટ્રેનોને ચોથી લાઈનમાં પસાર થવા દેવામાં આવી હતી. રેલવેએ કેટલીક ટ્રેનો કેન્સલ કરવી પડી હતી અથવા ડઝનેક ટ્રેનો ડાયવર્ટ કરવી પડી હતી. માલગાડી પાટા પરથી ઉતરી જવાને કારણે આ રૂટ પરની 30 જેટલી ટ્રેનોની સેવાઓ પ્રભાવિત થઈ હતી. પાટા સાફ કરવા માટે 500 જેટલા કર્મચારીઓ કામે લાગ્યા હતા.

આ દરમિયાન, મુખ્ય PRO NCR (પ્રયાગરાજ) શશિકાંત ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, પાટા પરથી ઉતરી જવાના કારણની તપાસ માટે છ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. જ્યારે આ કેસ સાથે શંકાસ્પદ તોડફોડ અથવા આતંકવાદને જોડવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે અધિકારીએ કહ્યું કે, તપાસ પૂર્ણ થયા પછી જ કંઈપણ જાણી શકાશે. આગરા ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર તેજ પ્રકાશ અગ્રવાલે બુધવારે પત્રકારોને જણાવ્યું હતું કે, પાટા પરથી ઉતરી જવાને કારણે ત્રણ રેલ્વે લાઈનો પરનો ટ્રાફિક ખોરવાઈ ગયો છે.

નોર્થ સેન્ટ્રલ રેલ્વેના જનરલ મેનેજર ઉપેન્દ્ર ચંદ્ર જોશીએ જણાવ્યું હતું કે, ‘અમારી પ્રાથમિકતા પહેલા ટ્રેકને સાફ કરવાની છે, અને પછી અમે અન્ય પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીશું.’ તેમણે કહ્યું હતું કે, ટ્રેન પાટા પરથી ઉતરી જવા પાછળનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, તેમ છતાં અધિકારીઓ તોડફોડ સહિતની કોઈપણ શક્યતા ને નકારી રહ્યા નથી.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!