મહારાષ્ટ્રના કેન્દ્રીય મંત્રી અને શિવસેનાના નેતાએ શનિવારે દાવો કર્યો હતો કે, તેમણે અને તેમની ત્રણ પેઢીઓએ ક્યારેય કૃષિ વીજ બિલ ચુકવ્યું નથી. મહારાષ્ટ્રના બુલઢાણા ક્ષેત્રના શિવસેનાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી પ્રતાપરાવ જાધવે શનિવારે દાવો કર્યો હતો કે, તેમની ત્રણ પેઢીઓ, જેમાં તેઓનો પણ સમાવેશ થાય છે, તેમણે ક્યારેય કૃષિ વીજળીનું બિલ ચૂકવ્યું નથી.
આયુષ અને આરોગ્ય પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી જાધવે કહ્યું, ‘હું એક ખેડૂત છું. અમે છેલ્લી ત્રણ પેઢીથી બિલ ચુકવતા જ નથી. મારા દાદાના પાણીના પંપ હજુ પણ છે. ન તો મારા દાદા કે ન મારા પિતાએ કે ન તો મેં કૃષિ વીજ બિલ ચુકવ્યું છે.’
એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, પ્રતાપરાવ કૃષિ વીજળી બિલ માફી યોજના પર આયોજિત એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. CM એકનાથ શિંદે સરકાર દ્વારા શરૂ કરાયેલી આ એક મોટી પહેલ છે. પ્રતાપરાવ જાધવે કહ્યું, ‘અમારી સરકારમાં લાખો રૂપિયાના વીજળીના બિલ માફ કરવાની હિંમત હતી. અન્યથા લોડ શેડિંગના કારણે અમારે રાત્રે ખેતરોમાં જવું પડતું હતું. હવે અમને દિવસ દરમિયાન પણ વીજળી મળશે.’
બુલઢાણા લોકસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા પ્રતાપરાવ જાધવે કહ્યું કે, ‘જો ડિસ્ટ્રિબ્યુશન પેનલ (DP) બળી જશે, તો તેઓ નવી પેનલ સ્થાપિત કરવા માટે સંબંધિત એન્જિનિયરને 1,000 થી 2,000 રૂપિયા આપશે.’
અત્રે ઉલ્લેખનીય છે કે, શિંદે સરકાર દ્વારા મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી બલિરાજા મફત વીજળી યોજના 2024 શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ, જે ખેડૂતો 7.5 હોર્સ પાવર સુધીની ક્ષમતા ધરાવતા કૃષિ પંપનો ઉપયોગ કરે છે તેમને મફત વીજળી આપવામાં આવે છે.
મંત્રી પ્રતાપરાવ જાધવે કહ્યું, ‘જેમ બે સમાન વિચારવાળા બળદ એક ખેતરમાં જોડાય છે, ખેતર સારું બને છે, તેવી જ રીતે સરકાર પણ સારી બને છે. વિકાસ ત્યારે થાય છે જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિચારસરણી સમાન હોય. PM નરેન્દ્ર મોદી દરેક સાંસદ અને દરેક વિભાગ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. જો કે, મંત્રી બન્યા પછી અમે સામાન્ય માણસ સાથેનો સંપર્ક ગુમાવી દઈએ છીએ.’