પંજાબમાં ગ્રામ પંચાયતની ચૂંટણી થવાની છે. આ દરમિયાન ગુરુદાસપુર જિલ્લાના એક ગામમાં સરપંચ પદ માટે થયેલી હરાજીમાં 2 કરોડ રૂપિયાની બોલી લાગી હતી. તેની જાણકારી મળતા જ રાજ્ય ચૂંટણી પંચે તેને ગંભીરતાથી લીધી છે. ચૂંટણી પંચે લોકતાંત્રિક માપદંડોનું ઉલ્લંઘન કરનારી એવી હરાજીને લઇને રાજ્યના બધા જિલ્લાધિકારીઓ અને સહ-જિલ્લા ચૂંટણી અધિકારીઓ પાસેથી આ સંબંધમાં 24 કલાકમાં વિસ્તૃત રિપોર્ટ માગ્યો છે. પંજાબ રાજ્ય ચૂંટણી કમિશનર રાજ કમલ ચૌધરીએ જણાવ્યું કે, મોટી લોકતાંત્રિક પરંપરાઓ હેઠળ આ પ્રકારની પ્રક્રિયાની બંધારણીય અને નૈતિક પરિણામોની તપાસ કરવા માટે રાજ્ય ચૂંટણી પંચની જવાબદારી બને છે કે તે આ મુદ્દા પ્રત્યે સંતુલિત દૃષ્ટિકોણ અપનાવે.
તેમણે કહ્યું કે, રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્યના બધા નાયબ કમિશન અને સહ-જિલ્લા ચૂંટણી અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તેઓ પોત પોતાના જિલ્લાઓમાં એવી કોઇ પણ વિશેષ ઘટના, તે પછી રિપોર્ટ કરવામાં આવી હોય કે પ્રક્રિયામાં હોય, સૂક્ષ્મતાથી દેખરેખ કરો અને 24 કલાકની અંદર પોતાની ટિપ્પણીઓ સહિત વિસ્તૃત રિપોર્ટ પંચને રજૂ કરો. આ હરાજી પંજાબના ગુરુદાસપુરના હરદોવાલ કલાં ગામમાં સરપંચ પદ માટે થઇ હતી. હરદોવાલ કલા ગામ જિલ્લાના સૌથી મોટા ગામોમાંથી એક છે.
અહી સરપંચ પદ માટે આયોજિત હરાજીમાં બોલી 50 લાખ રૂપિયાથી શરૂ થઇ હતી, જેમાં સ્થાનિક ભાજપના નેતા આત્મા સિંહે 2 કરોડ રૂપિયાની ઊંચી બોલી લગાવી હતી. બોલીની પ્રક્રિયા બાદ ચેકથી ચૂકવણી કરનાર સ્થાનિક ભાજપના નેતા આત્મા સિંહે કહ્યું કે, ગ્રામજનોએ એક એવા સરપંચને ચૂંટવાનો નિર્ણય લીધો છે જે ગામ માટે મહત્તમ ધનરાશિ આપશે. હરાજીની રકમ ગામના વિકાસ પર ખર્ચ કરવામાં આવશે. ગ્રામજનોની એક સમિતિ કોષ ફાળવણી પર નિર્ણય કરશે. આત્મા સિંહના પિતા પણ ગામના સરપંચ રહી ચૂક્યા છે. પંજાબમાં 15 ઓક્ટોબરે પંચાયત ચૂંટણી થશે.
તો આ મામલાને લઇને આમ આદમી પાર્ટી (AAP)નું એક પ્રતિનિધિમંડળ નાણામંત્રી હરપાલ ચીમાના નેતૃત્વમાં રાજ્ય ચૂંટણી પંચ પહોંચ્યું અને ચૂંટણી કમિશનરને પોતાની ચિંતાઓ જણાવી હતી. ચીમાએ એ રિપોર્ટો પર ચિંતા વ્યક્ત કરી, જેમાં સંકેત આપવામાં આવ્યા છે કે કેટલાક વ્યક્તિ સરપંચ અને પંચ પદો માટે હરાજીમાં સામેલ થઇને ચૂંટણી પ્રક્રિયામાં હેરાફેરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ અનૈતિક પ્રથા ન માત્ર આપણાં લોકતાંત્રિક ઢાંચાની પવિત્રતાને કલંકિત કરે છે, પરંતુ સાર્વજનિક પ્રતિનિધિત્વના સારને પણ જોખમમાં નાખે છે.
AAP પ્રતિનિધિઓએ ચૂંટણી પંચને એવી કોઇ પણ અનિયમિતતા વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો અને તાત્કાલિક તપાસની માગ કરી. તો કોંગ્રેસ નેતા અને પંજાબ વિધાનસભામાં વિપક્ષના નેતા પ્રતાપ સિંહ બાજવાએ પણ સરપંચ પદની હરાજીની નિંદા કરી અને તેનું આયોજન કરનારાઓ માટે જેલની સજાની માગ કરી છે. તેમણે કહ્યું કે આ ખુલ્લો ભ્રષ્ટાચાર છે. એ ખોટું છે. હું ઇચ્છું છું કે જેણે પણ 2 કરોડ રૂપિયાની રજૂઆત કરી છે તેની વિરુદ્ધ સતર્કતા બ્યૂરો કાર્યવાહી કરે.
આ દરમિયાન પંચાયત ચૂંટણીઓમાં સરપંચોના પદને વેચવાનો આરોપ લગાવતા સતિન્દર કૌરે પંજાબ અને હરિયાણા હોઇ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં તેમણે કહ્યું કે, આ એ રીતે સરપંચ પદ વેચવાનો મામલો છે અને પૂરી રીતે ગેર-બંધારણીય છે. તેને લઇને ગાઇડલાઇન્સ બનાવવાની હાઇ કોર્ટ પાસે માગ કરવામાં આવી છે. હાઇ કોર્ટ આ મામલે ગુરુવારે સુનાવણી કરશે.