fbpx

ગુજરાતના સરકારી શાળાના શિક્ષકો રસ્તા પર કેમ ઉતર્યા, શું છે માગ?

Spread the love

રાજ્યમાં જૂની પેન્શન યોજના (OPS) ચાલુ કરવા માટે શિક્ષકો સહિત સરકારના વિવિધ વિભાગના કર્મચારીઓ ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. આજે ગાંધી જયંતી નિમિત્તે શિક્ષકોએ અમદાવાદ કલેક્ટર કચેરીએથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી સુધીની પદયાત્રા કરવામાં આવી હતી.  હાથમાં બેનર સાથે મોટી સંખ્યામાં શિક્ષકો આ પદયાત્રામાં સામેલ થયા હતા. એ સિવાય જેમને જૂની પેન્શન યોજનાનો લાભ મળતો નથી એ નિવૃત્ત શિક્ષકો પણ આ પદયાત્રામાં જોડાયા હતા.

આજે જૂની પેન્શન યોજનાની માગણીને લઇને રાજ્યના વિભિન્ન જગ્યાઓ પરથી આવેલા શિક્ષકો અમદાવાદ કલેક્ટર કચેરીએ ભેગા થયા થયા હતા. જૂની પેન્શન યોજના શરૂ કરવા માટે શિક્ષકોએ નારા પણ લગાવ્યા હતા ત્યારબાદ શિક્ષકોએ હાથમાં બેનર સાથે કલેક્ટર કચેરી પરથી ગાંધીનગર સુધીની પદયાત્રા કરી હતી. આ રેલીમાં આખા રાજ્યમાંથી આવેલા શિક્ષકો જોડાયા હતા. રેલીમાં નિવૃત્ત અને દિવ્યાંગ શિક્ષકો પણ સામેલ થયા હતા. અગાઉ જે પગારના 50 ટકા રકમ પેન્શન રૂપે મળતી હતી તે રકમ ફરીથી શરૂ કરવા માગણી કરવામાં આવી છે.

એક શિક્ષકે જણાવ્યું હતું કે, વર્ષ 2005 અગાઉ થયેલી ભરતીના કર્મચારીઓના જૂની પેન્શન યોજનાનો ઠરાવ કરવાની માગણી કરવામાં આવી છે. સરકારના 5 મંત્રીઓની સમિતિએ 2022ની ચૂંટણી અગાઉ વચન આપ્યું હતું. વિધાનસભાની ચૂંટણી હોવાથી સરકારે સમાધાન કરી લેખિતમાં ખાતરી આપી હતી. પરંતુ 2 વર્ષ વિતી ગયા છતા પણ કોઇ ઠરાવ થયો નથી. એટલે અમે ફરીથી આંદોલન શરૂ કર્યું છે. અમારી માગ ન સંતોષાય તો આંદોલન ચાલુ જ રહેશે.

એક નિવૃત્ત શિક્ષિકાએ જણાવ્યું હતું કે, હું વર્ષ 2001માં નોકરીમાં જોડાઈ હતી અને 2022માં નિવૃત્ત થઈ હતી. નિવૃત્તિ બાદ મને 2900 રૂપિયા જ પેન્શન મળી રહ્યું છે. ઘડપણમાં 2900 રૂપિયામાં જીવન કઈ રીતે ચલાવવું તે સવાલ છે. જેથી પેન્શનની માગણી સાથે હું આંદોલનમાં જોડાઈ છું.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે એપ્રિલ 2004માં નવી પેન્શન યોજના અમલમાં મુકી હતી. જુદી જુદી કમિટીઓના રિપોર્ટ પણ આવી ગયા હતા. સરકાર દ્વારા જૂની પેન્શન યોજના ચાલુ કરવા માટેના વચનો પણ અપાયા છે, પરંતુ તેનો અમલ કરાયો નથી. વર્ષ 2005 અગાઉના તમામ સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે એવા આશ્વાસનો સાંભળીને કંટાળી ગયેલા શિક્ષકો ફરી રસ્તા પર ઉતરી પડ્યા છે, જેથી તેમની માગણી સરકારના ધ્યાને આવે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!